Donald Trump Tariffs: અમેરિકા વિના યુરોપનું શું થશે? ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયે યુરોપની લાચારી કરી ખુલ્લી, જાણો હકીકત | Moneycontrol Gujarati
Get App

Donald Trump Tariffs: અમેરિકા વિના યુરોપનું શું થશે? ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયે યુરોપની લાચારી કરી ખુલ્લી, જાણો હકીકત

Europe US relations: શું અમેરિકા વિના યુરોપ લાચાર છે? ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વારે યુરોપની મુશ્કેલી વધારી છે. જાણો સુરક્ષા, અર્થતંત્ર અને એનર્જી માટે યુરોપ કેમ અમેરિકા પર નિર્ભર છે.

અપડેટેડ 04:57:56 PM Jan 19, 2026 પર
Story continues below Advertisement
યુરોપની સુરક્ષા વ્યવસ્થાનો પાયો જ અમેરિકા છે. નાટો સંગઠનની વાત કરીએ તો તેની 70% સૈન્ય તાકાત એકલા અમેરિકા પૂરી પાડે છે. યુરોપની ન્યુક્લિયર સુરક્ષા પણ મુખ્યત્વે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ પર ટકેલી છે.

Europe US relations: અત્યારના સમયમાં યુરોપ ભલે ગમે તેટલો વિકસિત દેખાતો હોય, પણ હકીકત એ છે કે તે ડગલે ને પગલે અમેરિકા પર નિર્ભર છે. ખાસ કરીને જ્યારથી રશિયા પર પ્રતિબંધો લાગ્યા છે, ત્યારથી એનર્જી અને તેલ માટે યુરોપની અમેરિકા પરની નિર્ભરતા ઘણી વધી ગઈ છે. હાલમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપના દેશો પર ટેરિફ લગાવીને આ ચર્ચાને ફરી વેગ આપ્યો છે.

તાજેતરમાં ગ્રીનલેન્ડને મેળવવાની ઈચ્છા સાથે ટ્રમ્પે યુરોપના 8 દેશો પર 10% ટેરિફ લગાવી દીધો છે. નવાઈની વાત એ છે કે આ દેશો નાટોના સભ્યો પણ છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમેરિકા વર્ષોથી યુરોપિયન દેશોની સુરક્ષા મફતમાં કરતું આવ્યું છે, હવે તેનો હિસાબ ચૂકવવાનો સમય આવી ગયો છે. આ ઘટના બાદ મોટો સવાલ એ થાય છે કે શું ખરેખર યુરોપ અમેરિકા વિના ચાલી શકે તેમ નથી? ચાલો, આના મુખ્ય કારણો અને ફેક્ટ્સ પર એક નજર કરીએ.

સુરક્ષા માટે નાટો અને અમેરિકા અનિવાર્ય

યુરોપની સુરક્ષા વ્યવસ્થાનો પાયો જ અમેરિકા છે. નાટો સંગઠનની વાત કરીએ તો તેની 70% સૈન્ય તાકાત એકલા અમેરિકા પૂરી પાડે છે. યુરોપની ન્યુક્લિયર સુરક્ષા પણ મુખ્યત્વે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ પર ટકેલી છે.

આધુનિક યુદ્ધ માટે જરૂરી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ, સેટેલાઈટ ઈન્ટેલિજન્સ અને લોજિસ્ટિક્સ જેવી સુવિધાઓ અમેરિકા પાસે જ છે. જો અમેરિકા નાટોમાંથી પીછેહઠ કરે, તો આ સંગઠન માત્ર કાગળ પર રહી જશે. રશિયા જેવા દેશો સામે લડવા માટે યુરોપ એકલું સક્ષમ નથી.


હથિયારો અને મિલિટરી ટેકનોલોજીની અછત

યુરોપ પાસે ટેન્ક અને સૈનિકો તો પૂરતા છે, પરંતુ આજના જમાનાના યુદ્ધ માટે તે પૂરતું નથી. હવામાં પ્રભુત્વ (Air Dominance), ડ્રોન વોરફેર અને લોન્ગ રેન્જ મિસાઈલ સિસ્ટમ જેવી બાબતોમાં યુરોપ ઘણું પાછળ છે. યુક્રેન યુદ્ધમાં પણ યુરોપે હથિયારો માટે અમેરિકા તરફ જ જોવું પડ્યું હતું. ગ્લોબલ મિલિટરી લોજિસ્ટિક્સની માંગ અમેરિકા જ પૂરી કરે છે.

આર્થિક તાકાતમાં પણ અમેરિકા આગળ

આર્થિક રીતે પણ યુરોપ અમેરિકા કરતા નબળું સાબિત થાય છે. આંકડાઓ પર નજર કરીએ તો અમેરિકાની અર્થવ્યવસ્થા યુરોપ કરતા લગભગ 1.5 ગણી મોટી છે. 2025 ના અનુમાન મુજબ, સમગ્ર યુરોપની ઈકોનોમી 19.99 ટ્રિલિયન ડોલર છે, જ્યારે એકલા અમેરિકાની ઈકોનોમી 30.5 ટ્રિલિયન ડોલર છે.

વધુમાં, મોટાભાગના યુરોપિયન દેશો પોતાની જીડીપીના 2% પણ સંરક્ષણ પાછળ ખર્ચતા નથી. જો અમેરિકા સુરક્ષા આપવાનું બંધ કરે, તો યુરોપે પોતાનું રક્ષા બજેટ 2 થી 3 ગણું વધારવું પડે. જેના કારણે ત્યાંના નાગરિકો પર ટેક્સનો બોજ વધશે અને લોકોના કલ્યાણ માટે વપરાતા ફંડમાં કાપ મૂકવો પડશે.

એનર્જી અને સપ્લાય ચેઈન માટે અમેરિકા પર મદાર

રશિયા પર પ્રતિબંધો લાગ્યા બાદ યુરોપ હવે એનર્જી માટે સંપૂર્ણપણે અમેરિકા પર આધારિત થઈ ગયું છે. યુરોપ હવે અમેરિકા પાસેથી મોટા પાયે LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ) ખરીદી રહ્યું છે. જર્મની, ફ્રાન્સ, નેધરલેન્ડ અને ઈટાલીએ અમેરિકાથી ગેસ લાવવા માટે નવા ટર્મિનલ પણ બનાવ્યા છે.

ક્રૂડ ઓઈલની બાબતમાં પણ અમેરિકાથી યુરોપમાં થતી નિકાસ રેકોર્ડ સ્તરે છે. આ ઉપરાંત ડિફેન્સ, AI અને મિસાઈલ સિસ્ટમ માટે જરૂરી હાઈટેક ચિપ્સ માટે પણ યુરોપ અમેરિકા પર નિર્ભર છે.

શું યુરોપ ક્યારેય આત્મનિર્ભર બની શકશે?

એક્સપર્ટ્સનું માનવું છે કે યુરોપ માટે અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવી અશક્ય નથી, પણ તે ખૂબ જ મુશ્કેલ છે. યુરોપને ફરીથી આત્મનિર્ભર બનવા માટે 15થી 20 વર્ષનો સમય લાગી શકે છે. આ માટે યુરોપિયન યુનિયને પોતાની સંયુક્ત સેના બનાવવી પડશે અને ડિફેન્સ ઈન્ડસ્ટ્રીમાં જંગી રોકાણ કરવું પડશે. આ કામ માટે જર્મની અને ફ્રાન્સે નેતૃત્વ લેવું પડશે. હાલ પૂરતું તો એવું જ લાગે છે કે અમેરિકા વિના યુરોપની ગાડી પાટા પર ચાલી શકે તેમ નથી.

આ પણ વાંચો-રશિયા પાછળ છૂટ્યું, OPEC દેશોની બોલબાલા: ભારતમાં તેલની આયાતમાં મોટો ફેરફાર, જાણો કેમ ઘટ્યો રશિયન તેલનો ક્રેઝ?

MoneyControl News

MoneyControl News

First Published: Jan 19, 2026 4:57 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.