India Venezuela Oil Deal: વેનેઝુએલાના તેલ ભંડાર પર અમેરિકાનો કંટ્રોલ, ભારતને થશે સીધો ફાયદો, ફસાયેલા 1 અબજ ડોલર પરત મળવાની આશા | Moneycontrol Gujarati
Get App

India Venezuela Oil Deal: વેનેઝુએલાના તેલ ભંડાર પર અમેરિકાનો કંટ્રોલ, ભારતને થશે સીધો ફાયદો, ફસાયેલા 1 અબજ ડોલર પરત મળવાની આશા

India Venezuela Oil Deal: વેનેઝુએલાના તેલ ક્ષેત્રમાં અમેરિકાના હસ્તક્ષેપથી ભારતને મોટો ફાયદો થઈ શકે છે. ONGCના ફસાયેલા 1 અબજ ડોલર પરત મળવાની શક્યતા અને ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં વધારો. જાણો સંપૂર્ણ રિપોર્ટ.

અપડેટેડ 02:36:37 PM Jan 05, 2026 પર
Story continues below Advertisement
ભારતની દિગ્ગજ કંપની ઓએનજીસી વિદેશ લિમિટેડ પૂર્વીય વેનેઝુએલામાં આવેલા સેન ક્રિસ્ટોબલ ઓઈલ ફીલ્ડનું સંયુક્ત રીતે સંચાલન કરે છે.

India Venezuela Oil Deal: આંતરરાષ્ટ્રીય ઓઈલ માર્કેટમાં બની રહેલા નવા સમીકરણો ભારત માટે મોટા ખુશખબર લઈને આવી શકે છે. વેનેઝુએલાના તેલ ભંડારો પર અમેરિકાનો કંટ્રોલ અથવા ત્યાં થનારા ફેરફારો ભારતને આર્થિક રીતે મોટો ફાયદો કરાવી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ઘટનાક્રમથી ભારતનો વર્ષોથી ફસાયેલો અંદાજે 1 અબજ ડોલરનો બકાયો પાછો મળી શકે છે.

આ સાથે જ પ્રતિબંધોને કારણે ઠપ થઈ ગયેલા વેનેઝુએલાના તેલ ક્ષેત્રોમાં ભારતીય કંપનીઓ ફરીથી ધમધમતી થઈ શકે છે અને ક્રૂડ ઓઈલનું ઉત્પાદન પણ વધી શકે છે.

ONGC નું મોટું રોકાણ અને ફસાયેલા પૈસા

ભારતની દિગ્ગજ કંપની ઓએનજીસી વિદેશ લિમિટેડ  પૂર્વીય વેનેઝુએલામાં આવેલા સેન ક્રિસ્ટોબલ ઓઈલ ફીલ્ડનું સંયુક્ત રીતે સંચાલન કરે છે. એક સમયે ભારત વેનેઝુએલાના ભારે ક્રૂડ ઓઈલનો મુખ્ય ખરીદદાર હતો અને ત્યાંથી રોજના 4 લાખ બેરલ કરતા પણ વધુ તેલ આયાત કરતો હતો. જોકે, 2020માં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા કડક પ્રતિબંધોને કારણે આ આયાત ખોરવાઈ ગઈ હતી.

આ પ્રોજેક્ટમાં OVL 40 ટકા હિસ્સેદારી ધરાવે છે. વેનેઝુએલા સરકારે આ પ્રોજેક્ટ પેટે OVLને 2014 સુધીનું 53.6 કરોડ ડોલરનું ડિવિડન્ડ ચૂકવવાનું બાકી છે. ત્યારબાદના સમયગાળા માટે પણ આટલી જ રકમ બાકી નીકળે છે, પરંતુ ઓડિટની મંજૂરી ન મળવાને કારણે આ સેટલમેન્ટ અટકી પડ્યું છે. આમ કુલ મળીને ભારતનું લગભગ 1 અબજ ડોલરનું લેણું ત્યાં ફસાયેલું છે.


ઉત્પાદન વધવાની પ્રબળ શક્યતા

હાલમાં પ્રતિબંધોને કારણે આધુનિક ટેકનોલોજી અને મશીનરીના અભાવે ત્યાં તેલનું ઉત્પાદન ખૂબ જ ઘટી ગયું છે. અત્યારે ત્યાં રોજના માત્ર 5,000 થી 10,000 બેરલ તેલનું જ ઉત્પાદન થાય છે. નિષ્ણાતોના મતે, જો અમેરિકા ત્યાંના તેલ ભંડારને પોતાની દેખરેખ હેઠળ લે છે, તો પ્રતિબંધોમાં ઢીલ મળી શકે છે. જો આમ થાય, તો OVL ગુજરાત અને અન્ય સ્થળોએથી રિગ અને અન્ય સાધનો વેનેઝુએલા મોકલી શકે છે. અધિકારીઓનો અંદાજ છે કે આધુનિક સાધનો અને નવા કુવાઓના ઉપયોગથી ઉત્પાદન 80,000 થી 1,00,000 બેરલ પ્રતિ દિવસ સુધી પહોંચી શકે છે. સારી વાત એ છે કે આ માટે જરૂરી રિગ ONGC પાસે પહેલાથી જ ઉપલબ્ધ છે.

ભારતીય રિફાઇનરીઓ સુધી ફરી પહોંચશે તેલ

વેનેઝુએલાના ઓઈલ સેક્ટર પર અમેરિકાનું નિયંત્રણ આવવાનો અર્થ એ છે કે વૈશ્વિક બજારમાં વેનેઝુએલાથી થતી નિકાસ ફરી શરૂ થઈ શકે છે. આનાથી OVL ને પોતાના જૂના પૈસા વસૂલવામાં મદદ મળશે. કેપ્લરના સીનિયર એનાલિસ્ટ નિખિલ દુબેના જણાવ્યા મુજબ, પ્રતિબંધોમાં રાહત મળવાથી વેપાર ફરી ધમધમતો થશે અને વેનેઝુએલાનું ક્રૂડ ઓઈલ ફરીથી ભારતીય રિફાઇનરીઓ સુધી પહોંચતું થશે. ઉલ્લેખનીય છે કે, OVL એ અગાઉ અમેરિકન ટ્રેઝરી વિભાગ પાસે પ્રતિબંધોમાં છૂટછાટ માટે ખાસ લાઈસન્સ માંગ્યું હતું, જેવું લાઈસન્સ શેવરોન કંપનીને આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો-વેનેઝુએલા સંકટ: શું ભારતમાં મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? અમેરિકાની કાર્યવાહી બાદ જાણો શું થશે કિંમતો પર અસર

MoneyControl News

MoneyControl News

First Published: Jan 05, 2026 2:36 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.