3 દેશોમાંથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓ માટે હવે વિઝા ફરજિયાત! કેન્દ્ર સરકારે પાસપોર્ટ અને વિઝાના નિયમો કર્યા કડક | Moneycontrol Gujarati
Get App

3 દેશોમાંથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓ માટે હવે વિઝા ફરજિયાત! કેન્દ્ર સરકારે પાસપોર્ટ અને વિઝાના નિયમો કર્યા કડક

India Visa Rules Update: The Central Government has made visas mandatory for refugees from six non-Muslim communities arriving from Pakistan, Bangladesh, and Afghanistan. Find out what has changed regarding the Nepal-Bhutan route.

અપડેટેડ 02:21:47 PM Nov 06, 2026 પર
Story continues below Advertisement
આ નવા નિયમો હેઠળ હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી એમ કુલ 6 સમુદાયના લોકોનો સમાવેશ થાય છે.

India Visa Rules Update: કેન્દ્ર સરકારે પડોશી દેશોના નાગરિકો માટે પાસપોર્ટ અને વિઝાના નિયમોને વધુ કડક બનાવતું એક નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા લેવાયેલા આ મોટા નિર્ણયની સીધી અસર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી આવેલા લઘુમતી સમુદાયના લોકો તેમજ નેપાળ અને ભૂતાનના માર્ગેથી મુસાફરી કરતા પ્રવાસીઓ પર પડશે. આ નવા નિયમો પ્રમાણે, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા 6 બિન-મુસ્લિમ સમુદાયના લોકોએ હવે ભારતમાં વસવાટ કરવા માટે નિયમ મુજબ યોગ્ય શ્રેણીનો વિઝા લેવો ફરજિયાત બનશે.

કયા 6 સમુદાયો પર પડશે અસર અને શું બદલાયા નિયમો?

આ નવા નિયમો હેઠળ હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી એમ કુલ 6 સમુદાયના લોકોનો સમાવેશ થાય છે. આ નિયમ ખાસ કરીને એવા લોકો પર લાગુ પડશે જેઓ ધાર્મિક ઉત્પીડન અથવા તેના ડરને કારણે 31 ડિસેમ્બર 2024 સુધીમાં ભારતમાં આવ્યા હતા. જેમની પાસે ભારત આવતી વખતે કાયદેસરના મુસાફરી દસ્તાવેજો નહોતા અથવા તો જેમના દસ્તાવેજોની મુદત પૂર્ણ થઈ ગઈ હતી, તેમણે બુધવારે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ હવે ભારતમાં રહેવા માટે યોગ્ય વિઝા લેવો પડશે. ઉલ્લેખનીય છે કે અગાઉ સપ્ટેમ્બર 2025 ના આદેશમાં આ સમુદાયના લોકોને પાસપોર્ટ અને વિઝાની શરતોમાંથી મુક્તિ આપવામાં આવી હતી, જે નિયમમાં હવે ફેરફાર કરાયો છે.


નેપાળ અને ભૂતાન રૂટ પર પણ થશે કડક ચેકિંગ

સરકારે નેપાળ અને ભૂતાનના રસ્તેથી થતી અવરજવરના નિયમો પણ કડક બનાવ્યા છે. હવેથી ભારત, નેપાળ અને ભૂતાનના નાગરિકોએ એકબીજાના દેશમાં આવવા-જવા માટે 'વિઝા મેન્યુઅલ' હેઠળ નક્કી કરવામાં આવેલા માન્ય ઓળખકાર્ડ ફરજિયાત બતાવવા પડશે. આ ઉપરાંત, જો કોઈ ભારતીય નાગરિક નેપાળ કે ભૂતાન થઈને કોઈ ત્રીજા દેશમાં જઈ રહ્યો હોય, તો તેની પાસે માન્ય પાસપોર્ટ હોવો ખૂબ જ જરૂરી છે અને તેણે માત્ર નક્કી કરેલા ચેકપોઈન્ટ્સ પરથી જ પસાર થવું પડશે.

ચીન અને પાકિસ્તાન થઈને આવનારા મુસાફરો માટે નિયમ કડક

જો નેપાળ અને ભૂતાનના નાગરિકો ચીન, પાકિસ્તાન, હોંગકોંગ અથવા મકાઉ થઈને ભારતમાં આવી રહ્યા હોય, તો તેમના માટે પણ માન્ય પાસપોર્ટ અને વિઝા દર્શાવવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે. જોકે, બીજી બાજુ કેન્દ્ર સરકારે ભારતમાં રહેતા શ્રીલંકન તમિલ શરણાર્થીઓ અને તિબેટીયન નાગરિકો માટે પાસપોર્ટ તેમજ વિઝાને લગતી કાયદાકીય છૂટછાટો પહેલાની જેમ જ યથાવત રાખી છે.

આ પણ વાંચો-સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને મોટો ઝટકો! OBC ક્રીમી લેયર પર 11 માર્ચનો ચુકાદો યથાવત, માત્ર માતા-પિતાના પગાર કે ખેતીની આવકથી નહીં નક્કી થાય સ્ટેટસ

MoneyControl News

MoneyControl News

First Published: Nov 06, 2026 2:21 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.