વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ભારત અને આ 4 યુરોપિયન દેશો વચ્ચે પહેલેથી જ સારા સંબંધો છે, પરંતુ આ બેઠકમાં તેને વધુ મજબૂત કરવા પર સહમતી બની છે.
વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો સતત વધી રહ્યો છે. લેટેસ્ટ કૂટનીતિક અપડેટ મુજબ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્યપદ આપવાની માંગને યુરોપના 4 મોટા દેશોએ ખુલ્લો અને જોરદાર ટેકો આપ્યો છે. આ 4 દેશોમાં પોલેન્ડ, હંગેરી, સ્લોવાકિયા અને ચેક રિપબ્લિકનો સમાવેશ થાય છે, જેમને વૈશ્વિક સ્તરે 'વાઇસેગ્રાડ ગ્રુપ' તરીકે ઓળખવામાં આવે છે.
'ભારત UNSC ના ટેબલ પર હોવું જ જોઈએ'
ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા ના 81માં સત્ર દરમિયાન પહેલીવાર ઐતિહાસિક 'V4+India' વિદેશ મંત્રી સ્તરની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચારેય યુરોપિયન દેશોના વિદેશ મંત્રીઓ હાજર રહ્યા હતા. સ્લોવાકિયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠક બાદ સ્લોવાકિયાના વિદેશ મંત્રી જુરાજ બ્લાનારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "સંયુક્ત રાષ્ટ્રના સૌથી મહત્વપૂર્ણ નિર્ણયો લેનારા મંચ પર ભારતે કાયમી સભ્ય તરીકે હોવું જ જોઈએ." નોંધનીય છે કે, વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ UNGA માં પોતાનું ધારદાર અને પ્રભાવશાળી ભાષણ આપ્યું હતું.
વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ભારત અને આ 4 યુરોપિયન દેશો વચ્ચે પહેલેથી જ સારા સંબંધો છે, પરંતુ આ બેઠકમાં તેને વધુ મજબૂત કરવા પર સહમતી બની છે. બેઠકમાં મુખ્યત્વે નીચે મુજબના ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા થઈ:
ભારત અને V4 દેશો વચ્ચે વેપાર અને રોકાણ વધારવા પર ભાર
ટેકનોલોજી, ઇનોવેશન અને મજબૂત સપ્લાય ચેઇન ઊભી કરવી
સંરક્ષણ અને સુરક્ષા તેમજ કનેક્ટિવિટી વધારવી
શિક્ષણ, રિસર્ચ અને લોકો વચ્ચેના સીધા સંપર્કને પ્રોત્સાહન
ગ્લોબલ સાઉથ સામે રહેલા વર્તમાન પડકારો અને આંતરરાષ્ટ્રીય શાંતિ તેમજ સુરક્ષા જેવા વૈશ્વિક મુદ્દાઓ
સંબંધોની નવી શરૂઆત અને એસ. જયશંકરનું નિવેદન
બેઠક પૂરી થયા બાદ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ બેઠકને 'એક નવો ઐતિહાસિક અવસર' ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે બંને પક્ષો રાજકીય, આર્થિક, તકનીકી અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત કરવા માટે તૈયાર છે. આર્થિક સહયોગને વધુ ઝડપી બનાવવા માટે હવેથી 'એન્યુઅલ બિઝનેસ ફોરમ' શરૂ કરવામાં આવશે અને વિદેશ મંત્રીઓની દર વર્ષે બેઠક યોજાશે.