મેક ઈન ઈન્ડિયાનો કમાલ! 11 જુલાઈએ નેવીમાં સામેલ થશે ખતરનાક INS મહેન્દ્રગિરી, ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન | Moneycontrol Gujarati
Get App

મેક ઈન ઈન્ડિયાનો કમાલ! 11 જુલાઈએ નેવીમાં સામેલ થશે ખતરનાક INS મહેન્દ્રગિરી, ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન

ભારતીય નૌકાદળની તાકાતમાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. 11 જુલાઈએ 'પ્રોજેક્ટ 17A' અંતર્ગત અત્યાધુનિક INS મહેન્દ્રગિરી નેવીમાં સામેલ થશે. જાણો તેની ખાસિયતો.

અપડેટેડ 03:09:51 PM Jul 06, 2026 પર
Story continues below Advertisement
બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ: આ જહાજનું મુખ્ય હથિયાર છે, જે લાંબા અંતરથી દુશ્મનના ઠેકાણા પર સચોટ અને ભયાનક હુમલો કરી શકે છે.

ભારત પોતાની દરિયાઈ સુરક્ષા અને નૌકાદળની તાકાતને વધુ મજબૂત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. દુશ્મનોની ઊંઘ હરામ કરવા માટે આગામી 11 જુલાઈના રોજ ભારતનું પોતાનું સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગિરી ભારતીય નૌકાદળમાં સત્તાવાર રીતે સામેલ થવા જઈ રહ્યું છે.

આ ભવ્ય કાર્યક્રમ વિશાખાપટ્ટનમ ખાતે યોજાશે, જેમાં દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ ખાસ હાજર રહેશે. 'પ્રોજેક્ટ 17A' અંતર્ગત બનેલા નીલગિરિ-ક્લાસનું આ 6 મું યુદ્ધજહાજ છે. ભારતના સ્વદેશી શિપબિલ્ડિંગ પ્રોગ્રામ માટે આ એક બહુ મોટી ઐતિહાસિક સિદ્ધિ છે. ખાસ વાત એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ જ ક્લાસના 5 માં જહાજ 'INS દૂનાગિરી' ને નેવીમાં સામેલ કર્યાના ગણતરીના દિવસોમાં જ આ નવી સફળતા મળી છે.

શું છે આ INS મહેન્દ્રગિરી અને પ્રોજેક્ટ 17A?

'પ્રોજેક્ટ 17A' હેઠળ ભારતીય નૌકાદળ માટે નીલગિરિ-ક્લાસના કુલ 7 સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ફ્રિગેટ્સ બનાવવામાં આવી રહ્યા છે, જેમાંથી INS મહેન્દ્રગિરી છઠું જહાજ છે.

આ 7 જહાજોમાંથી 4 જહાજ મુંબઈની મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) બનાવી રહી છે, જ્યારે બાકીના 3 જહાજ કોલકાતાની ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ તૈયાર કરી રહી છે. ભારતીય નૌકાદળના વોરશિપ ડિઝાઈન બ્યુરો દ્વારા આધુનિક ટેકનોલોજીથી આ જહાજોની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. આ નવા જહાજો જૂના 'પ્રોજેક્ટ 17 શિવાલિક-ક્લાસ' ના યુદ્ધજહાજોનું આધુનિક રિપ્લેસમેન્ટ છે.


કેવી છે આ યુદ્ધજહાજની ઘાતક તાકાત?

INS મહેન્દ્રગિરી હવામાં, દરિયાની સપાટી પર અને પાણીની અંદર (સબમરીન) - એમ ત્રણેય જગ્યાએ દુશ્મનોનો ખાતમો બોલાવવા માટે સક્ષમ છે. તેની યુદ્ધ ક્ષમતાઓ તેને સમુદ્રનો અસલી યોદ્ધા બનાવે છે.

જાણો તેના મુખ્ય હથિયારો વિશે

બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ: આ જહાજનું મુખ્ય હથિયાર છે, જે લાંબા અંતરથી દુશ્મનના ઠેકાણા પર સચોટ અને ભયાનક હુમલો કરી શકે છે.

બરાક-8 મિસાઈલ: હવામાંથી આવતા દુશ્મનના ફાઈટર જેટ્સ કે ડ્રોન જેવા ખતરાઓને ખતમ કરવા માટે આ સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમ લગાવવામાં આવી છે.

એડવાન્સ્ડ ટોર્પિડો અને રોકેટ લોન્ચર: પાણીની અંદર છુપાયેલી દુશ્મન સબમરીનને શોધીને તેનો નાશ કરવા માટે આ સિસ્ટમ કાર્યરત રહેશે.

AK-630 વેપન સિસ્ટમ: યુદ્ધ દરમિયાન એકસાથે આવતા અનેક નાના મોટા ખતરાઓને નિષ્ફળ બનાવવા આ સિસ્ટમ સતત એલર્ટ રહે છે.

આ ઉપરાંત, 149 મીટર લાંબા અને 6670 ટન વજન ધરાવતા આ જહાજની ટોપ સ્પીડ 28 નોટ્સ જેટલી છે. તેમાં એડવાન્સ્ડ સ્ટીલ્થ ફિચર્સ છે, જેની મદદથી તે દુશ્મનોના રડારમાં જલ્દી પકડાતું નથી.

આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ અને રોજગારીની તકો

'પ્રોજેક્ટ 17A' ભારતને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. આ જહાજના નિર્માણમાં 75% કરતા વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થયો છે.

આ પ્રોજેક્ટથી દેશના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને મોટો વેગ મળ્યો છે. આમાં 200 થી વધુ દેશી MSME કંપનીઓ જોડાઈ છે. જેના કારણે 4000 થી વધુ લોકોને ડાયરેક્ટ નોકરી અને 10000 થી વધુ લોકોને ઈનડાયરેક્ટ રોજગારી મળી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 06, 2026 3:09 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.