ખાડી દેશોમાંથી ભારતમાં પૈસાનો વરસાદ! રૂપિયો ગગડતાં UAE અને સાઉદીમાં રહેતા ભારતીયોએ રેકોર્ડબ્રેક રેમિટન્સ મોકલ્યું, જાણો કારણ
ખાડી દેશોમાં આવેલા કરન્સી એક્સચેન્જ હાઉસીસના જણાવ્યા અનુસાર, 19 જૂનથી AED થી INR (દિરહામ થી રૂપિયો)માં થતા ટ્રાન્ઝેક્શનમાં અચાનક મોટો વધારો જોવા મળ્યો છે.
કરન્સી એક્સચેન્જ હાઉસ અને બેંકોમાં રેમિટન્સ (વિદેશથી મોકલવામાં આવતા નાણાં) માં જોરદાર ઉછાળો નોંધાયો છે.
હાલમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) અને સાઉદી અરેબિયા જેવા ગલ્ફ કન્ટ્રીઝમાં રહેતા ભારતીયો (NRIs) વચ્ચે ઇન્ડિયામાં પૈસા મોકલવા માટે જાણે હોડ જામી છે. અચાનક જ વિદેશી કરન્સી ભારતીય બેંકોમાં મોટા પ્રમાણમાં જમા થવા લાગી છે. આ પાછળનું મુખ્ય કારણ ભારતીય રૂપિયાનું અવમૂલ્યન છે. ભારતીય રૂપિયો યુએઈ દિરહામ સામે નબળો પડીને 23.5ના સ્તરે પહોંચી ગયો છે, જેના કારણે NRIs આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે.
રેમિટન્સમાં અચાનક ઉછાળો, શું છે મુખ્ય કારણ?
ગલ્ફ ન્યૂઝના એક રિપોર્ટ મુજબ, ભારતીય રૂપિયાની કિંમત ગગડીને 23.5 પ્રતિ દિરહામ થઈ ગઈ છે. એપ્રિલ મહિનાની શરૂઆત પછી રૂપિયાનું આ સૌથી નબળું સ્તર છે. આ સ્થિતિ NRIs માટે ફાયદાકારક છે, કારણ કે હવે તેઓ ઓછા દિરહામ મોકલીને ભારતમાં પોતાના પરિવારજનોને વધુ રૂપિયા આપી શકે છે.
આ જ કારણે, UAE અને સાઉદી અરેબિયામાં રહેતા ભારતીયો ઝડપથી પૈસા ભારત ટ્રાન્સફર કરી રહ્યા છે. કરન્સી એક્સચેન્જ હાઉસ અને બેંકોમાં રેમિટન્સ (વિદેશથી મોકલવામાં આવતા નાણાં) માં જોરદાર ઉછાળો નોંધાયો છે.
એક્સચેન્જ હાઉસમાં ટ્રાન્ઝેક્શન વધ્યા
ખાડી દેશોમાં આવેલા કરન્સી એક્સચેન્જ હાઉસીસના જણાવ્યા અનુસાર, 19 જૂનથી AED થી INR (દિરહામ થી રૂપિયો)માં થતા ટ્રાન્ઝેક્શનમાં અચાનક મોટો વધારો જોવા મળ્યો છે. ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સનું કહેવું છે કે, "જે પણ NRI પાસે થોડા પણ એક્સ્ટ્રા પૈસા બચ્યા છે, તેઓ તરત જ તેને ભારત મોકલી રહ્યા છે જેથી તેમને સારા એક્સચેન્જ રેટનો ફાયદો મળી શકે."
UAEના એક અગ્રણી એક્સચેન્જ હાઉસના સિનિયર અધિકારીએ જણાવ્યું કે, "છેલ્લા કેટલાક અઠવાડિયામાં AED-INR રેમિટન્સ માટે આ સૌથી બેસ્ટ સમય રહ્યો છે. જોકે રૂપિયાની કિંમત થોડી સુધરીને 23.46 થઈ હતી, તેમ છતાં લોકોએ પૈસા મોકલવાનું ચાલુ રાખ્યું હતું, કારણ કે આ રેટ હજુ પણ ખૂબ આકર્ષક છે."
વેકેશનની સિઝનમાં પણ ટ્રેન્ડ બદલાયો
સામાન્ય રીતે, જૂન મહિનો ગલ્ફમાં રહેતા ભારતીયો માટે સમર વેકેશનનો સમય હોય છે. આ દરમિયાન લોકો ટ્રાવેલિંગ અને રજાઓના ખર્ચને કારણે ભારતમાં ઓછા પૈસા મોકલતા હોય છે. પરંતુ આ વર્ષે પરિસ્થિતિ અલગ છે. ગગડતા રૂપિયાએ આ ટ્રેન્ડને ઉલટાવી દીધો છે. મની એક્સચેન્જ હાઉસીસના મતે, વેકેશન હોવા છતાં વીકએન્ડમાં પણ રેમિટન્સની સ્પીડ જળવાઈ રહી હતી અને આવનારા દિવસોમાં પણ તે ચાલુ રહેવાની અપેક્ષા છે.
NRIને ડબલ ફાયદો થવાની શક્યતા
કરન્સી એક્સપર્ટ્સનું માનવું છે કે જો જુલાઈ મહિનામાં પણ ભારતીય રૂપિયાની આ સ્થિતિ જળવાઈ રહે છે અથવા તે વધુ નબળો પડે છે, તો તે પ્રવાસી ભારતીયો માટે 'ડબલ બેનિફિટ' સાબિત થશે. હાલની પરિસ્થિતિ જોતાં, ગલ્ફ દેશોમાંથી ભારતમાં આવતા રેમિટન્સનો ફ્લો હજુ થોડા સમય માટે મજબૂત રહેવાની સંભાવના છે.