હવે હોટલ અને OYOમાં નહીં આપવી પડે આધાર કાર્ડની ઝેરોક્ષ! UIDAI લાવી રહ્યું છે નવો નિયમ, જાણો વિગતો
Aadhaar Card new rule: UIDAI દ્વારા આધાર કાર્ડની ફોટોકોપીના દુરુપયોગને રોકવા માટે નવો નિયમ આવી રહ્યો છે. હવે હોટલ, એરપોર્ટ જેવી જગ્યાઓ પર QR કોડ સ્કેન કરીને વેરિફિકેશન થશે. જાણો આ નિયમથી સામાન્ય નાગરિકોને શું ફાયદો થશે.
આ નવા નિયમનો મુખ્ય ઉદ્દેશ આધાર કાર્ડની ફોટોકોપી દ્વારા થતા ઓફલાઈન વેરિફિકેશનને સંપૂર્ણપણે બંધ કરવાનો છે.
Aadhaar Card new rule: દેશના કરોડો નાગરિકો માટે એક ખૂબ જ મહત્વના અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. હવે તમારે કોઈ પણ હોટલ, OYO રૂમ્સ કે અન્ય કોઈ જગ્યાએ ઓળખ માટે આધાર કાર્ડની ફોટોકોપી કે ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે. ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI), જે આધાર કાર્ડનું સંચાલન કરે છે, તે નાગરિકોની પ્રાઈવસી અને અંગત માહિતીની સુરક્ષા માટે એક નવો નિયમ લાવવા પર કામ કરી રહ્યું છે.
આ નવા નિયમનો મુખ્ય ઉદ્દેશ આધાર કાર્ડની ફોટોકોપી દ્વારા થતા ઓફલાઈન વેરિફિકેશનને સંપૂર્ણપણે બંધ કરવાનો છે. UIDAI ના CEO ભુવનેશ કુમારે તાજેતરમાં જણાવ્યું હતું કે આ નિયમને ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.
કેવી રીતે કામ કરશે નવી સિસ્ટમ?
ભુવનેશ કુમારે જણાવ્યું કે નવા નિયમ હેઠળ હોટલ, ઇવેન્ટ ઓર્ગેનાઇઝર અને અન્ય સંસ્થાઓ કે જેમને ઓળખ ચકાસણીની જરૂર પડે છે, તેમણે આધાર-આધારિત વેરિફિકેશન માટે UIDAI પાસે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનશે. રજીસ્ટર્ડ સંસ્થાઓને એક નવી ટેકનોલોજી આપવામાં આવશે. તેઓ ગ્રાહકના આધાર કાર્ડ પર રહેલા QR કોડને સ્કેન કરીને અથવા આધારની નવી મોબાઈલ એપ દ્વારા સરળતાથી વેરિફિકેશન કરી શકશે. ઓફલાઈન વેરિફિકેશન કરતી સંસ્થાઓને એક ખાસ API (એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ) પણ આપવામાં આવશે, જેથી તેઓ પોતાની સિસ્ટમને આધાર વેરિફિકેશન માટે અપડેટ કરી શકે.
UIDAI લાવી રહ્યું છે નવી એપ
UIDAI હાલમાં એક નવી એપનું બીટા-ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ એપની ખાસિયત એ હશે કે તે સેન્ટ્રલ ડેટાબેઝ સાથે કનેક્ટ થયા વગર સીધા 'એપ-ટુ-એપ' જ ઓળખની ચકાસણી કરી શકશે. આનાથી વેરિફિકેશન પ્રક્રિયા વધુ ઝડપી અને સુરક્ષિત બનશે. આધારની ફોટોકોપી લેવી એ આધાર અધિનિયમનું ઉલ્લંઘન છે. આ નવી સિસ્ટમ અને એપનો ઉપયોગ માત્ર હોટલમાં જ નહીં, પરંતુ નીચેની જગ્યાએ પણ કરી શકાશે:
એરપોર્ટ પર ઓળખ માટે
વય-પ્રતિબંધિત વસ્તુઓ (જેમ કે સિગારેટ) વેચતી દુકાનો પર ઉંમરની ચકાસણી માટે, ભુવનેશ કુમારે વધુમાં કહ્યું, "આ નવી સુવિધાને કારણે ઓફલાઈન વેરિફિકેશન સંપૂર્ણપણે પેપરલેસ બનશે. આનાથી યુઝર્સની પ્રાઈવેસી સુરક્ષિત રહેશે અને આધારની માહિતી લીક થવાનું કે તેનો દુરુપયોગ થવાનું કોઈ જોખમ રહેશે નહીં." આ નવો નિયમ આગામી 18 મહિનામાં સંપૂર્ણ રીતે લાગુ થનારા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટને પણ અનુરૂપ હશે, જે ડેટા સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.