નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈનના અહેવાલ મુજબ, છેલ્લા 3 વર્ષ અને ચાલુ વર્ષ 2026 ના પ્રથમ ત્રિમાસિક ગાળા (31 માર્ચ 2026) સુધીમાં એકલા ગુજરાતમાંથી જ કુલ 78,121 ફરિયાદો નોંધાઈ ચૂકી છે.
Online Shopping Fraud Gujarat: આજના ડિજિટલ યુગમાં ગુજરાતમાં ઘેરબેઠા ઓનલાઈન શોપિંગ અને ડિજિટલ પેમેન્ટ કરવાનું ચલણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. જોકે, આ સુવિધાની સાથે-સાથે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અને લલચામણી ભ્રામક જાહેરાતોના કિસ્સાઓ પણ ચિંતાજનક હદે વધી રહ્યા છે.
નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓએ સૌને ચોંકાવી દીધા છે. આ રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ઈ-કોમર્સ ક્ષેત્રે ગ્રાહકોની ફરિયાદોમાં સીધો 33 ટકાનો તોતિંગ ઉછાળો નોંધાયો છે, જે બતાવે છે કે ઓનલાઈન માર્કેટમાં ગુજરાતી ગ્રાહકો મોટા પાયે છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે.
દિલ્હી પછી સમગ્ર દેશમાં ગુજરાત બીજા ક્રમે
નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈનના અહેવાલ મુજબ, છેલ્લા 3 વર્ષ અને ચાલુ વર્ષ 2026 ના પ્રથમ ત્રિમાસિક ગાળા (31 માર્ચ 2026) સુધીમાં એકલા ગુજરાતમાંથી જ કુલ 78,121 ફરિયાદો નોંધાઈ ચૂકી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ઓનલાઈન શોપિંગની ફરિયાદો મામલે દેશની રાજધાની દિલ્હી પછી ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે એટલે કે મોખરાના સ્થાને છે.
ભ્રામક જાહેરાતો અને હલકી ગુણવત્તાની વસ્તુઓથી ગ્રાહકો પરેશાન
ગુજરાતમાં દર વર્ષે ઓનલાઈન ઠગાઈ, એકદમ નબળી ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ અને સોશિયલ મીડિયા કે વેબસાઈટ્સ પર દેખાતી ભ્રામક જાહેરાતોનો ભોગ બનનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. માત્ર વર્ષ 2026 ના શરૂઆતના 3 મહિનામાં જ અંદાજે 9,000 જેટલી (8,779) ફરિયાદો સામે આવવી એ ગુજરાતીઓ માટે લાલબત્તી સમાન છે.
ગુજરાતમાં ઈ-કોમર્સ ફરિયાદોનો વર્ષવાર ગ્રાફ
છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ઓનલાઈન શોપિંગ સામે નોંધાયેલી ફરિયાદોના આંકડા નીચે મુજબ છે.
વર્ષ 2023: 20,646 ફરિયાદો
વર્ષ 2024: 21,216 ફરિયાદો
વર્ષ 2025: 27,480 ફરિયાદો (અગાઉના વર્ષની સરખામણીએ સીધો 33% નો વધારો)
વર્ષ 2026 (માત્ર 31 માર્ચ સુધી): 8,779 ફરિયાદો
તમામ 78,121 ફરિયાદોનો નિકાલ, પણ કડક નિયમોની તાતી જરૂર
આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ગ્રાહકો માટે એકમાત્ર રાહતની અને સકારાત્મક બાબત એ છે કે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન છેતરાયેલા ગ્રાહકોની મદદે આવી રહી છે. સત્તાવાર આંકડા મુજબ, ગુજરાતમાંથી અત્યાર સુધી જેટલી પણ (78,121) ફરિયાદો મળી છે, તે તમામ ફરિયાદોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ગ્રાહકોની સમસ્યા ઉકેલવા સક્રિય કામગીરી થઈ રહી છે, પરંતુ જે રીતે ફ્રોડના કેસ વધી રહ્યા છે તે જોતાં ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સ પર સરકાર દ્વારા કડક નિયમન લાવવું હવે અત્યંત જરૂરી બની ગયું છે.
ગ્રાહકોએ શું સાવચેતી રાખવી?
ઈ-કોમર્સ બજારમાં વધતી જતી છેતરપિંડીને ધ્યાનમાં રાખીને ગ્રાહકોએ પોતે પણ ઓનલાઈન ખરીદી કરતી વખતે ખાસ સતર્ક રહેવાની જરૂર છે. અજાણી વેબસાઈટ્સ, ખોટી લિંક્સ અને અવિશ્વસનીય સસ્તી ઓફર્સની લાલચમાં આવવું નહીં. તેમ છતાં જો કોઈ ગ્રાહક ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બને, તો વિલંબ કર્યા વગર તરત જ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈનનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવવી જોઈએ.