પાકિસ્તાન અને ચીનની ચાલ નિષ્ફળ, અમેરિકાએ UNSCમાં BLAને આતંકી સંગઠન જાહેર થતા અટકાવ્યું
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં પાકિસ્તાન અને ચીનને મોટો ફટકો પડ્યો છે. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને BLA અને મજીદ બ્રિગેડને આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર રોક લગાવી છે.
સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ અસીમ ઇફ્તિખાર અહેમદે દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનમાં આતંકીઓના 60 થી વધુ કેમ્પ ચાલી રહ્યા છે.
પાકિસ્તાન અને તેના ખાસ મિત્ર ચીનને આંતરરાષ્ટ્રીય સ્તરે એક બહુ મોટો અને શરમજનક ઝટકો લાગ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને મજીદ બ્રિગેડને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કરવા માટે પાકિસ્તાન અને ચીને એડીચોટીનું જોર લગાવ્યું હતું. પરંતુ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે તેમની આ મનશા પર સીધું પાણી ફેરવી દીધું છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પાકિસ્તાન અને ચીને UNSC ની 1267 અલ-કાયદા પ્રતિબંધ સમિતિ સમક્ષ BLA અને મજીદ બ્રિગેડને બ્લેકલિસ્ટ કરવા માટે સંયુક્ત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જોકે, આ મહિને વીટો પાવર ધરાવતા ત્રણ કાયમી સભ્ય દેશો - અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને આ પ્રસ્તાવને અટકાવી દીધો છે.
પાકિસ્તાનનો દાવો અને પશ્ચિમી દેશોનો જવાબ
સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ અસીમ ઇફ્તિખાર અહેમદે દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનમાં આતંકીઓના 60 થી વધુ કેમ્પ ચાલી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ISIL-K, અલ-કાયદા, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન, અને BLA જેવા સંગઠનો ત્યાં આશરો લઈને પાકિસ્તાનમાં સરહદ પાર ઘૂસણખોરી અને હુમલાઓ કરાવી રહ્યા છે. પાકિસ્તાનને આશા હતી કે પરિષદ આ સંગઠનો પર જલ્દી પ્રતિબંધ મૂકશે, પરંતુ તેમની આશા ઠગારી નીવડી છે.
નોંધનીય છે કે પાકિસ્તાન હાલમાં 2025-26 ના કાર્યકાળ માટે 15 સભ્યોવાળી સુરક્ષા પરિષદમાં અસ્થાયી સભ્ય તરીકે સામેલ છે. જ્યારે ચીન વીટો પાવર ધરાવતો કાયમી સભ્ય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનની બેવડી નીતિ સૌ કોઈ જાણે છે. અગાઉ જ્યારે ભારત અને અમેરિકા પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓને બ્લેકલિસ્ટ કરવાનો પ્રસ્તાવ લાવ્યા હતા, ત્યારે ચીને વારંવાર પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને તેને રોક્યો હતો. હવે જ્યારે ચીન પોતાના ફાયદા માટે આવો પ્રસ્તાવ લાવ્યું, ત્યારે પશ્ચિમી દેશોએ તેને જડબાતોડ જવાબ આપ્યો છે.
BLA અને મજીદ બ્રિગેડ શું છે?
BLA (બલૂચિસ્તાન લિબરેશન આર્મી): આ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સક્રિય એક અલગતાવાદી સંગઠન છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરીને એક સ્વતંત્ર દેશ બનાવવાનો છે. BLA નો સીધો આરોપ છે કે બલૂચિસ્તાનના ગેસ અને ખનિજ જેવા કુદરતી સંસાધનોની લૂંટ ચલાવવામાં આવી રહી છે અને સ્થાનિક લોકોને તેનો કોઈ જ લાભ મળતો નથી.
મજીદ બ્રિગેડ: આ બ્રિગેડને BLA ની અત્યંત ખતરનાક અને ખાસ એલાઇટ યુનિટ માનવામાં આવે છે. આ યુનિટ મોટાભાગે હાઈ-પ્રોફાઈલ અને આત્મઘાતી હુમલાઓ માટે જાણીતી છે. તેમના મુખ્ય નિશાના પર પાકિસ્તાની સુરક્ષા દળો, સરકારી ઇમારતો અને ખાસ કરીને સીપેક (CPEC) પ્રોજેક્ટ સાથે જોડાયેલા ચીની નાગરિકો રહ્યા છે.
અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનનું આ તાજેતરનું પગલું સ્પષ્ટ કરે છે કે આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદના મુદ્દે બેવડા માપદંડો હવે ચલાવી લેવામાં આવશે નહીં. ચીન અને પાકિસ્તાનની પોતાની જાળમાં ફસાવાની આ ઘટના વૈશ્વિક કૂટનીતિમાં એક મોટો વળાંક દર્શાવે છે.