ટેકનોલોજીના ક્ષેત્રે રાજસ્થાનની મોટી હરણફાળ: જયપુરમાં ટૂંક સમયમાં સ્થપાશે ડેટા સેન્ટર, 5000 યુવાનોને મળશે ખાસ ટ્રેનિંગ
Jaipur Data Center: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જયપુરમાં ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે. આ સાથે ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે 5000 યુવાનોને ટ્રેનિંગ પણ અપાશે. જાણો વિગતે.
આ કાર્યક્રમમાં અશ્વિની વૈષ્ણવે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો વિશેષ આભાર માન્યો હતો. કારણ કે, રાજ્ય સરકારે 'AI અને મશીન લર્નિંગ પોલિસી' લાગુ કરી છે.
Jaipur Data Center: રાજસ્થાનમાં ટેકનોલોજી અને રોજગારીના ક્ષેત્રે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે જાહેરાત કરી હતી કે જયપુરમાં ખૂબ જ જલ્દી નવું ડેટા સેન્ટર સ્થાપવામાં આવશે. આ જાહેરાતથી રાજ્યના IT સેક્ટરને મોટો વેગ મળશે.
5000 યુવાનોને મળશે રોજગારીલક્ષી ટ્રેનિંગ
'રાજસ્થાન ડિજિફેસ્ટ ટાઈ ગ્લોબલ સમિટ'ને સંબોધતા અશ્વિની વૈષ્ણવે યુવાનો માટે પણ એક મહત્વની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સના મેન્યુફેક્ચરિંગ માટે રાજ્યના 5000 યુવાનોને ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે. આ ટ્રેનિંગનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને તેમને રોજગારી માટે સક્ષમ બનાવવાનો છે.
AI ક્ષેત્રે ભારત વિશ્વના ટોપ-3 દેશોમાં
દેશની પ્રગતિ વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રીએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક રિપોર્ટનો હવાલો આપ્યો હતો. તેમણે ગૌરવ સાથે કહ્યું કે, "AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ના ઈન્ડેક્સમાં ભારતને વિશ્વના ટોપ 3 દેશોમાં સ્થાન મળ્યું છે. ચીન અને અમેરિકાની સાથે ભારતનું નામ હોવું એ આપણા સૌ માટે ગર્વની વાત છે." તેમણે વધુમાં ઉમેર્યું કે ભારતની IT ઈન્ડસ્ટ્રી દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે અને તેમાં રાજસ્થાનનો ફાળો બહુ મોટો છે.
10 લાખ યુવાનોને ટ્રેન કરવાનો લક્ષ્યાંક
મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, દેશભરમાં 10 લાખ યુવાનોને AI સ્કિલ્સમાં ટ્રેન કરવાનો મહત્વકાંક્ષી પ્રોગ્રામ રાજસ્થાનથી શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામનો ફાયદો માત્ર રાજસ્થાન જ નહીં પરંતુ સમગ્ર દેશના યુવાનોને મળશે. અમારો ઉદ્દેશ્ય આવનારા નવા યુગ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવાનો છે.
રાજસ્થાનમાં નવી AI પોલિસી લાગુ
આ કાર્યક્રમમાં અશ્વિની વૈષ્ણવે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો વિશેષ આભાર માન્યો હતો. કારણ કે, રાજ્ય સરકારે 'AI અને મશીન લર્નિંગ પોલિસી' લાગુ કરી છે. મંત્રીશ્રીએ કહ્યું કે આ પોલિસીના કારણે રાજસ્થાનને ભવિષ્યમાં મોટો ફાયદો થશે અને રાજ્ય એક મોટું 'ટેક સેન્ટર' બનીને ઉભરી આવશે.
મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ વિશે વાત કરતા કહ્યું કે, "અમારી સરકાર પ્રદેશમાં સ્ટાર્ટઅપ માટે શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડવા પ્રયત્નશીલ છે. AI એ આપણી ડિજિટલ યાત્રાનું આગલું પગલું છે. આ નવી પોલિસીથી સરકારી કામકાજ વધારે ઝડપી અને પારદર્શક બનશે. સામાન્ય નાગરિકોને મળતી સુવિધાઓ સરળ બનશે અને વહીવટી કાર્યક્ષમતામાં વધારો થશે.