ઘર અને કાર લોન સહિત તમામ પ્રકારની લોનની EMI ઘટાડવા માટે લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. લગભગ બે વર્ષથી RBI દ્વારા રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેના કારણે લોન સસ્તી થઈ નથી. હવે ફુગાવો અંકુશમાં હોવાથી વ્યાજદરમાં ઘટાડો થવાની ધારણા છે. લોન સસ્તી થવા અંગેના પ્રશ્નના જવાબમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે નીતિગત વ્યાજ દરમાં ઘટાડો માસિક આંકડા પર નહીં પણ ફુગાવાના લાંબા ગાળાના દર પર નિર્ભર રહેશે. દાસની અધ્યક્ષતામાં મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક 7થી 9 ઓક્ટોબર વચ્ચે યોજાવાની છે. પોલિસી રેટમાં ઘટાડા અંગેનો નિર્ણય બેઠકમાં લેવામાં આવશે. ઓગસ્ટમાં મોનેટરી પોલિસીની સમીક્ષામાં, RBIએ ખાદ્યપદાર્થોના ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખીને સતત નવમી વખત રેપો રેટ 6.5 ટકા રાખ્યો હતો. ઓગસ્ટની બેઠકમાં, MPCના છમાંથી ચાર સભ્યોએ યથાસ્થિતિ જાળવી રાખવાની તરફેણમાં મતદાન કર્યું હતું.