સુપ્રીમ કોર્ટનો કડક મિજાજ: કોર્ટ પરિસરમાં હોબાળા મામલે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી, કહ્યું- 'કોર્ટને કોઈ ડરાવી શકે નહીં'
સુપ્રીમ કોર્ટ પરિસરમાં સૂત્રોચ્ચાર અને હોબાળા મામલે કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે. CJIએ સ્પષ્ટ કર્યું કે કોર્ટને કોઈ ડરાવી શકે નહીં.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો નિર્દેશ આપતા કહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનના વિરોધ પ્રદર્શન વખતની કોર્ટ પરિસરની તમામ CCTV ફૂટેજ સુરક્ષિત રાખવામાં આવે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને વિપક્ષી ગઠબંધનના અન્ય નેતાઓ જ્યારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા ત્યારે થયેલા કથિત હોબાળા અને સૂત્રોચ્ચાર મામલે આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવી છે અને તેમને નોટિસ પણ જારી કરી છે.
અરજીમાં શું માંગ કરવામાં આવી છે?
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કોર્ટ પરિસરમાં રાજકીય પ્રદર્શન, ભીડ એકઠી થવી અને સૂત્રોચ્ચાર જેવી પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા (ગાઈડલાઈન) નક્કી કરવાની માંગ કરવામાં આવી છે. અરજદારે ચિંતા વ્યક્ત કરી હતી કે આવી રાજકીય પ્રવૃત્તિઓથી ન્યાયિક સંસ્થાઓની ગરિમા અને તેના રોજિંદા કામકાજ પર માઠી અસર પડે છે.
કોર્ટને કોઈ ધમકાવી શકે નહીં: CJI
સુનાવણી દરમિયાન સિનિયર વકીલ ગૌરવ ભાટિયાએ કોર્ટને જણાવ્યું કે કોર્ટ પરિસરમાં જે કંઈ પણ થયું, તેનાથી વકીલો નારાજ છે. આ મુદ્દે 200 જેટલા વકીલોએ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનને પત્ર લખ્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ ઘટના દ્વારા કોર્ટને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ દલીલ પર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ કડક શબ્દોમાં કહ્યું કે, "કોર્ટને કોઈ ધમકાવી શકે નહીં." તેમણે વધુમાં જણાવ્યું કે લોકો બહાર ગમે તે નિવેદનો આપે, પરંતુ કોર્ટમાં આવીને તેમની ભાષા બદલાઈ જાય છે. વિપક્ષના વિરોધ પ્રદર્શન અને સુપ્રીમ કોર્ટ માર્ચને કોર્ટ પર દબાણ બનાવવાનો એક 'નબળો પ્રયાસ' ગણાવતા CJIએ કહ્યું કે, "આવા નબળા પ્રયાસો પર કોઈ ધ્યાન આપતું નથી. અમે અહીં કોઈ અલગ જગ્યાએ નથી બેઠા, અમને પણ તમામ બાબતોની જાણકારી હોય છે."
CCTV ફૂટેજ સુરક્ષિત રાખવા આદેશ
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો નિર્દેશ આપતા કહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનના વિરોધ પ્રદર્શન વખતની કોર્ટ પરિસરની તમામ CCTV ફૂટેજ સુરક્ષિત રાખવામાં આવે.
વિપક્ષી દળોએ કેમ કરી હતી માર્ચ?
નોંધનીય છે કે 12 ઓક્ટોબરે રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષી દળોના નેતાઓએ સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢી હતી. આ માર્ચ ચૂંટણી પંચ અને મતદાર યાદીના ખાસ પુનરીક્ષણ (SIR) સંબંધિત મુદ્દાઓને લઈને કરવામાં આવી હતી. રાહુલ ગાંધી સહિતના નેતાઓએ SIR અને જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ અરજીઓ કરી હતી. આ જ સમયે કોર્ટ પરિસરમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી અને અંદર જ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેના પર હવે કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે.