Aadhaar Card Free Biometric Update: બાળકોનું આધાર કાર્ડ અપડેટ હવે મફત, માતા-પિતાને મોટી રાહત!
Aadhaar Card Free Biometric Update: UIDAIએ બાળકોના આધાર કાર્ડના બાયોમેટ્રિક અપડેટને સંપૂર્ણપણે મફત કર્યું છે. 5થી 17 વર્ષના બાળકો માટે આ સુવિધા 1 ઓક્ટોબર 2025થી લાગૂ થઈ છે. જાણો કેવી રીતે મળશે આ રાહત અને શું છે પ્રક્રિયા.
આધાર કાર્ડ શાળા પ્રવેશ, સરકારી યોજનાઓનો લાભ લેવા અને ઓળખની ચકાસણી માટે ખૂબ જરૂરી છે.
Aadhaar Card Free Biometric Update: યૂનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ બાળકોના આધાર કાર્ડ અપડેટને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે 5થી 17 વર્ષની વયના બાળકોના આધાર કાર્ડનું બાયોમેટ્રિક અપડેટ સંપૂર્ણપણે મફત કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી દેશભરના લાખો માતા-પિતાને મોટી રાહત મળશે. UIDAIના જણાવ્યા અનુસાર, આ નવી સુવિધા 1 ઓક્ટોબર 2025થી શરૂ થઈ ગઈ છે અને આગામી એક વર્ષ સુધી ચાલુ રહેશે. આનાથી લગભગ 6 કરોડ બાળકોને સીધો લાભ મળવાની આશા છે.
શા માટે જરૂરી છે બાયોમેટ્રિક અપડેટ?
5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું આધાર કાર્ડ ફક્ત નામ, જન્મ તારીખ, સરનામું અને ફોટોના આધારે બનાવવામાં આવે છે. આ ઉંમરે બાળકોના ફિંગરપ્રિન્ટ અને આઇરિસ સ્કેન લેવામાં આવતા નથી, કારણ કે તે સંપૂર્ણ રીતે વિકસિત નથી હોતા. જોકે, 5 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ પ્રથમ બાયોમેટ્રિક અપડેટ (MBU-1) અને 15થી 17 વર્ષની ઉંમરે બીજું બાયોમેટ્રિક અપડેટ (MBU-2) કરાવવું ફરજિયાત છે. અગાઉ આ અપડેટ માટે દરેક વખતે 125 રૂપિયાનો ખર્ચ થતો હતો, પરંતુ હવે આ પ્રક્રિયા મફત કરવામાં આવી છે.
માતા-પિતા માટે શું છે ફાયદો?
આધાર કાર્ડ શાળા પ્રવેશ, સરકારી યોજનાઓનો લાભ લેવા અને ઓળખની ચકાસણી માટે ખૂબ જરૂરી છે. અગાઉ આધાર અપડેટ માટે ખર્ચ અને લાંબી લાઇનોની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. હવે આ નવા નિર્ણયથી માતા-પિતાને આર્થિક બોજ અને હેરાનગતિથી રાહત મળશે.
કેવી રીતે અને ક્યાં થશે અપડેટ?
બાળકોનું આધાર અપડેટ દેશભરના આધાર સેવા કેન્દ્રો અને નિયુક્ત અપડેટ સેન્ટર્સ પર થઈ શકશે. માતા-પિતાએ બાળકનું આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર અથવા અન્ય જરૂરી દસ્તાવેજો સાથે લઈ જવાના રહેશે. અહીં બાળકના ફિંગરપ્રિન્ટ, આઇરિસ સ્કેન અને ફોટો ફરીથી લેવામાં આવશે.
સરકારનું મહત્વનું પગલું
UIDAIનું કહેવું છે કે આ પગલું આધાર અપડેટ પ્રક્રિયાને સરળ અને સુલભ બનાવવા માટે લેવામાં આવ્યું છે. આનાથી માત્ર આર્થિક બોજ ઘટશે નહીં, પરંતુ બાળકોના આધાર કાર્ડમાં ચોક્કસ અને અદ્યતન માહિતી પણ જળવાઈ રહેશે.