LPG Price Hike: દેશભરમાં સામાન્ય માણસના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અસર હવે ભારતમાં જોવા મળી રહી છે. ગ્લોબલ એનર્જીના ભાવ આસમાને પહોંચતા દેશમાં ઘરેલુ LPG અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. ઘરેલુ ગેસ સિલિન્ડર 60 રૂપિયા, જ્યારે કોમર્શિયલ સિલિન્ડર 114.5 રૂપિયા મોંઘુ થયું છે.
ઘરેલુ ગેસ સિલિન્ડરના નવા ભાવ
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)ની સત્તાવાર વેબસાઈટ મુજબ, આ નવા ભાવ 7 માર્ચ 2026 થી અમલમાં આવી ગયા છે. હવે સબસિડી વગરના 14.2 kg ના ઘરેલુ LPG સિલિન્ડર માટે દિલ્હીમાં 913 રૂપિયા ચૂકવવા પડશે, જેની કિંમત પહેલા 853 રૂપિયા હતી.
દેશના મુખ્ય શહેરોમાં ઘરેલુ સિલિન્ડરના નવા ભાવ નીચે મુજબ છે:
* દિલ્હી: 913 રૂપિયા
* મુંબઈ: 912.50 રૂપિયા
* કોલકાતા: 939 રૂપિયા
* ચેન્નઈ: 928.50 રૂપિયા
તમને જણાવી દઈએ કે, અલગ-અલગ રાજ્યોના લોકલ ટેક્સ અને VATના આધારે આ કિંમતોમાં થોડો ફેરફાર હોઈ શકે છે. આ પહેલા ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 8 એપ્રિલ 2025 ના રોજ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે રાહત
આ મોંઘવારી વચ્ચે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એક સારા સમાચાર છે. 2016 માં શરૂ થયેલી આ સ્કીમના 10 કરોડથી વધુ ગરીબ પરિવારોને 14.2 kg ના સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી મળતી રહેશે. આ રાહત તેમને વર્ષમાં 12 વખત સિલિન્ડર રિફિલ કરાવવા પર મળશે.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ભડકો
હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યાપારી જગ્યાઓ પર વપરાતા 19 kg ના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં પણ 114.5 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે.
જાણો મોટા શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ:
* દિલ્હી: 1883 રૂપિયા
* મુંબઈ: 1835 રૂપિયા
* કોલકાતા: 1990 રૂપિયા
* ચેન્નઈ: 2043.50 રૂપિયા
નોંધનીય છે કે, છેલ્લા 3 મહિનામાં આ ચોથી વખત છે જ્યારે કોમર્શિયલ ગેસના ભાવ વધ્યા છે. આ અગાઉ 1 માર્ચ 2026 ના રોજ 28 થી 31 રૂપિયા, ફેબ્રુઆરીમાં 49 રૂપિયા અને જાન્યુઆરીમાં 111 રૂપિયાનો વધારો થયો હતો. છેલ્લે ડિસેમ્બર 2025 માં તેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
શા માટે વધ્યા ગેસના ભાવ?
ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો અને અધિકારીઓનું કહેવું છે કે પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થયા બાદ વૈશ્વિક સ્તરે ઉર્જાના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. 28 ફેબ્રુઆરી 2026 ના રોજ ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાન સામે ખુલ્લી જંગનું એલાન કરીને એર સ્ટ્રાઈક કરી હતી. જેની સામે ઈરાને પણ મિસાઈલ અને ડ્રોન વડે વળતો પ્રહાર કર્યો છે.
આ તંગદિલી વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન જો કોઈપણ શરત વિના શરણાગતિ સ્વીકારે તો જ સમાધાન શક્ય છે, ત્યારબાદ ઈરાનમાં નવું નેતૃત્વ લાવવામાં આવશે.
વૈશ્વિક યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ અને ગેસના ભાવ આસમાને છે, જેની અસર ભારતીય બજારો પર પડી છે. જોકે, સરકારી અધિકારીઓનું કહેવું છે કે આટલો ભાવ વધારો હોવા છતાં, પડોશી દેશોની સરખામણીમાં ભારતમાં રાંધણ ગેસના ભાવ હજુ પણ સૌથી ઓછા છે.