કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ, DAમાં 3%નો વધારો નક્કી, મોંઘવારી ભથ્થું 60%થી વધીને 63% થશે
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર! જુલાઈ 2026 થી DAમાં 3%નો વધારો ફાઈનલ. મોંઘવારી ભથ્થું 60% થી વધીને 63% થશે. જાણો દિવાળી પહેલા પગારમાં કેટલો વધારો થશે.
આ નવા વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓનું કુલ મોંઘવારી ભથ્થું હાલના 60% થી વધીને સીધું 63% થઈ જશે.
DA hike: દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક બહુ જ મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. 8મા પગાર પંચની ચર્ચાઓ વચ્ચે, 7મા પગાર પંચ હેઠળ જુલાઈ 2026 ના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારાનો રસ્તો સાવ સાફ થઈ ગયો છે.
ઔદ્યોગિક કામદારો માટેના અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાંકના લેટેસ્ટ આંકડા મુજબ, આ વખતે મોંઘવારી ભથ્થામાં પૂરા 3% નો વધારો લગભગ નક્કી માનવામાં આવી રહ્યો છે.
પગારમાં થશે સીધો વધારો
આ નવા વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓનું કુલ મોંઘવારી ભથ્થું હાલના 60% થી વધીને સીધું 63% થઈ જશે. કેન્દ્રીય કેબિનેટની ઔપચારિક મંજૂરી મળ્યા બાદ આ વધારો 1 જુલાઈ 2026 થી અમલમાં આવેલો ગણાશે. આનાથી કર્મચારીઓની 'ઇન-હેન્ડ સેલરી' માં સારો એવો ઉછાળો આવશે.
3% વધારો કેવી રીતે નક્કી થયો?
કેન્દ્ર સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ એમ બે વખત AICPI-IW ના 12 મહિનાના સરેરાશ આંકડાના આધારે DA માં સુધારો કરે છે. લેબર બ્યુરો દ્વારા જૂન 2026 ના આંકડા જાહેર થતાં જ જુલાઈ 2026 માટેની 12 મહિનાની સાઇકલ પૂરી થઈ ગઈ છે.
ઈન્ડેક્સમાં ઉછાળો: જૂન 2026 નો CPI-IW ઈન્ડેક્સ મે મહિનાના 150.8 પોઈન્ટથી 1.1 પોઈન્ટ વધીને 151.9 પોઈન્ટ પર પહોંચી ગયો છે.
12 મહિનાની સરેરાશ: જુલાઈ 2025 થી જૂન 2026 સુધીના આંકડાઓની સરેરાશ કાઢીએ તો તે 148.65 પોઈન્ટ થાય છે.
DAની ફોર્મ્યુલા: 7મા પગાર પંચની ફોર્મ્યુલા અને કન્વર્ઝન ફેક્ટર (2.88) મુજબ ગણતરી કરીએ તો આ આંકડો 63.76% થાય છે. પરંતુ નિયમ મુજબ DA પૂર્ણાંકમાં અપાય છે, તેથી તે 63% નક્કી કરવામાં આવશે. એટલે કે હાલના 60% ની સરખામણીમાં સીધો 3% નો ઉછાળો!
પેન્શનરોને મળશે એરિયર્સ સાથે ડબલ લાભ
સરકારના આ નિર્ણયથી દેશના અંદાજે 50.46 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68.27 લાખ પેન્શનરોને મોટી રાહત મળશે. પેન્શનરો માટે મોંઘવારી રાહતમાં પણ 3% નો વધારો થશે, જેનાથી તેમની માસિક પેન્શનની રકમ વધી જશે.
સામાન્ય રીતે સરકાર દિવાળીની આસપાસ એટલે કે ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં કેબિનેટ બેઠકમાં આની સત્તાવાર જાહેરાત કરે છે. પરંતુ, આ નિયમ 1 જુલાઈ 2026 થી લાગુ હોવાથી, કર્મચારીઓ અને પેન્શનર્સને જુલાઈથી લઈને જાહેરાત થાય તે મહિના સુધીનું એરિયર્સ એકસાથે ચૂકવવામાં આવશે.
અગાઉ સરકારે એપ્રિલ 2026 માં જાન્યુઆરીથી લાગુ પડતા DA માં 2% નો વધારો કર્યો હતો, જેનાથી તે 60% થયો હતો. હવે દિવાળી પહેલા આ વધુ 3% નો વધારો કર્મચારીઓ માટે મોટી ભેટ સાબિત થશે. જ્યાં સુધી 8મું પગાર પંચ લાગુ ન થાય, ત્યાં સુધી 7મા પગાર પંચના માળખા હેઠળ જ આ રીતે પગારમાં વધારો થતો રહેશે.