વિદેશ જવાનું વિચારતા લોકો માટે મોટા સમાચાર: પાસપોર્ટની ફીમાં તોતિંગ વધારો, જાણો બાળકોના પાસપોર્ટ અંગેના નવા નિયમો
Passport new rules 2026: નવો પાસપોર્ટ કઢાવવો હવે મોંઘો પડશે. સરકારે ‘પાસપોર્ટ સુધારા નિયમ 2026' લાગુ કરી સામાન્ય અને તત્કાલ ફીમાં તોતિંગ વધારો કર્યો છે. જાણો લેટેસ્ટ ફેરફારોની સંપૂર્ણ વિગતો.
કોઈ ઈમરજન્સીમાં ઝડપથી પાસપોર્ટ મેળવવા માટેની તત્કાલ સેવા પણ હવે પહેલા કરતા ઘણી ખર્ચાળ બની ગઈ છે. 36 પેજના તત્કાલ પાસપોર્ટની ફી 3500 રૂપિયાથી વધારીને સીધી 5000 રૂપિયા કરી દેવાઈ છે. 60 પેજના તત્કાલ પાસપોર્ટ માટે હવે 4000 રૂપિયાની જગ્યાએ 6000 રૂપિયા ચૂકવવા પડશે.
Passport new rules 2026: વિદેશ પ્રવાસનું સપનું જોતા અથવા નવો પાસપોર્ટ કઢાવવાનું વિચારતા નાગરિકો માટે એક બહુ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિદેશ મંત્રાલય દ્વારા પાસપોર્ટના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે સત્તાવાર ગેઝેટમાં ‘પાસપોર્ટ સુધારા નિયમ, 2026' પ્રકાશિત કરીને તેને તાત્કાલિક અસરથી અમલમાં મૂકી દીધો છે. આ નવા નિયમ અંતર્ગત પાસપોર્ટની ફીમાં ધરખમ વધારો ઝીંકવામાં આવ્યો છે, સાથે જ બાળકોના પાસપોર્ટની માન્યતા અંગે પણ મહત્ત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે.
સામાન્ય પાસપોર્ટ હવે કેટલો મોંઘો પડશે?
જો તમે પુખ્ત વયના છો અને સામાન્ય કેટેગરીમાં નવો પાસપોર્ટ કઢાવવા માંગો છો, તો હવે તમારે વધારે ખિસ્સા ખાલી કરવા પડશે. 36 પેજના સામાન્ય પાસપોર્ટ માટે અગાઉ 1500 રૂપિયા ફી ચૂકવવી પડતી હતી, જે હવે વધારીને 2500 રૂપિયા કરી દેવામાં આવી છે. જો તમારે 60 પેજનો જમ્બો પાસપોર્ટ જોઈતો હોય, તો પહેલા 2000 રૂપિયા ચૂકવવા પડતા હતા, પરંતુ હવે નવી ફી મુજબ અરજદારે 3500 રૂપિયા ચૂકવવા પડશે.
તત્કાલ પાસપોર્ટની ફીમાં જંગી વધારો
કોઈ ઈમરજન્સીમાં ઝડપથી પાસપોર્ટ મેળવવા માટેની તત્કાલ સેવા પણ હવે પહેલા કરતા ઘણી ખર્ચાળ બની ગઈ છે. 36 પેજના તત્કાલ પાસપોર્ટની ફી 3500 રૂપિયાથી વધારીને સીધી 5000 રૂપિયા કરી દેવાઈ છે. 60 પેજના તત્કાલ પાસપોર્ટ માટે હવે 4000 રૂપિયાની જગ્યાએ 6000 રૂપિયા ચૂકવવા પડશે. સૌથી મોટો ઝટકો એ લોકોને લાગશે જેમનો 60 પેજનો પાસપોર્ટ ખોવાઈ ગયો છે કે ખરાબ થઈ ગયો છે. આવા કિસ્સામાં તત્કાલ સ્કીમમાં નવો પાસપોર્ટ (રિપ્લેસમેન્ટ) કઢાવવા માટે અગાઉ 5500 રૂપિયા લાગતા હતા, જેની સામે હવે પૂરા 8500 રૂપિયા ભરવા પડશે.
બાળકોના પાસપોર્ટની વેલિડિટી અને ફીના નવા નિયમો
બાળકોના પાસપોર્ટની સમયમર્યાદામાં સરકારે એક મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમો મુજબ, 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઈશ્યૂ થતા 36 પેજના પાસપોર્ટની વેલિડિટી હવે પાસપોર્ટ જારી થયાની તારીખથી 5 વર્ષ અથવા તો બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી જ રહેશે. આ બંનેમાંથી જે સમયગાળો પહેલા પૂરો થશે, ત્યારે પાસપોર્ટ આપોઆપ એક્સપાયર થયેલો માની લેવાશે. ઉદાહરણ તરીકે, જો બાળક 15 વર્ષનું છે અને પાસપોર્ટ કઢાવે છે, તો 18 વર્ષનું થતાં એટલે કે 3 વર્ષમાં જ તેનો પાસપોર્ટ પૂરો થઈ જશે.
ફીની વાત કરીએ તો, સગીરો માટે 36 પેજના નવા કે રિ-ઈશ્યૂ થનારા સામાન્ય પાસપોર્ટની ફી 1000 રૂપિયાથી વધારીને 1750 રૂપિયા કરવામાં આવી છે. જો બાળકો માટે તત્કાલ સ્કીમમાં પાસપોર્ટ કઢાવવો હોય તો તેના માટે 3000 રૂપિયાનો ચાર્જ લાગશે.
કોને મળશે 10%ની રાહત?
આ નવા તોતિંગ ભાવવધારા વચ્ચે પણ અમુક વર્ગને રાહત આપવામાં આવી છે. સરકારના નિયમ મુજબ 8 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન્સ માટે પાસપોર્ટની અરજી પર મળતી 10 ટકાની છૂટ યથાવત રાખવામાં આવી છે. જોકે, ખાસ ધ્યાન રાખવું કે આ 10 ટકાનું કન્સેશન માત્ર નવા પાસપોર્ટ કઢાવવા પર જ મળશે, પાસપોર્ટ રિ-ઈશ્યૂ કરાવવાના કિસ્સામાં આ લાભ મળશે નહીં.
સરકાર દ્વારા લાગુ કરાયેલા આ ‘પાસપોર્ટ સુધારા નિયમ, 2026' બાદ સ્પષ્ટ છે કે હવે વિદેશ જવાની તૈયારી કરતા પરિવારોએ પોતાના બજેટમાં પાસપોર્ટના ખર્ચ માટે વધુ રકમ ફાળવવી પડશે. જો તમે પણ પાસપોર્ટ કઢાવવાનું કે રિન્યુ કરાવવાનું વિચારી રહ્યા છો, તો આ નવા નિયમો અને ફીના માળખાને ધ્યાનમાં રાખીને જ ઓનલાઈન અરજી કરવી હિતાવહ છે.