EPFOની મોટી ભેટ: હવે માત્ર એક WhatsApp મેસેજથી જાણો PF બેલેન્સ અને ડાઉનલોડ કરો પાસબુક, જાણો સંપૂર્ણ પ્રોસેસ
EPFO WhatsApp Services: EPFO એ કરોડો નોકરિયાતો માટે WhatsApp સર્વિસ શરૂ કરી છે. હવે માત્ર 'Hi' મેસેજ મોકલીને PF બેલેન્સ ચેક કરો અને પાસબુક ડાઉનલોડ કરો. જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ.
EPFO સભ્યો પોતાના મોબાઈલ ફોન દ્વારા ખૂબ જ સરળતાથી આ સુવિધાનો લાભ લઈ શકે છે.
EPFO WhatsApp Services: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ દેશના કરોડો નોકરિયાત કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે. હવે પીએફ ખાતાધારકોએ પોતાનું બેલેન્સ ચેક કરવા, પાસબુક જોવા કે ટ્રાન્ઝેક્શનની વિગતો મેળવવા માટે વારંવાર EPFO ના પોર્ટલ પર લોગિન કરવાની કે ધક્કા ખાવાની જરૂર પડશે નહીં. 1 નવેમ્બર 2026 ના રોજ EPFO ના સ્થાપના દિવસ નિમિત્તે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ સત્તાવાર રીતે EPFO ની 'વોટ્સએપ સર્વિસ' (WhatsApp Services) લોન્ચ કરી છે. આ નવી પહેલનો મુખ્ય હેતુ સભ્યો સુધી ડિજિટલ સેવાઓ વધુ સરળ અને ઝડપી રીતે પહોંચાડવાનો છે.
કયા નંબર પર 'Hi' મોકલવું? જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
EPFO સભ્યો પોતાના મોબાઈલ ફોન દ્વારા ખૂબ જ સરળતાથી આ સુવિધાનો લાભ લઈ શકે છે. તેના માટે નીચે મુજબના સરળ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે:
નંબર સેવ કરો: સૌથી પહેલા તમારા મોબાઈલ ફોનમાં EPFO નો સત્તાવાર વોટ્સએપ નંબર +91 8796441800 સેવ કરો.
મેસેજ મોકલો: હવે વોટ્સએપ ઓપન કરો અને સેવ કરેલા નંબર પર અંગ્રેજીમાં “Hi” લખીને મેસેજ મોકલો.
વિકલ્પ પસંદ કરો: મેસેજ મોકલ્યા બાદ ચેટમાં આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરો અને તમારી જરૂરિયાત મુજબ ઉપલબ્ધ સેવાનો વિકલ્પ પસંદ કરો.
QR કોડથી એક્સેસ: સભ્યો EPFO દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર QR કોડને સ્કેન કરીને પણ સીધા જ વોટ્સએપ ચેટમાં પ્રવેશી શકે છે.
ખાસ સુરક્ષા સલાહ: ખાતાધારકોએ માત્ર EPFO દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નંબર (+91 8796441800) નો જ ઉપયોગ કરવો. કોઈપણ અજાણી કે અનધિકૃત વ્યક્તિ સાથે તમારા બેંકની વિગતો, પાસવર્ડ કે ઓટીપી ક્યારેય શેર કરવા નહીં.
WhatsApp પર મળશે આ 3 મુખ્ય સુવિધાઓ
EPFOની આ નવી વોટ્સએપ સુવિધા દ્વારા કર્મચારીઓ મુખ્યત્વે 3 સેવાઓનો સીધો લાભ લઈ શકશે:
EPF બેલેન્સ ચેક કરવું: પોર્ટલ પર વારંવાર લોગિન કર્યા વિના સભ્યો તરત જ પોતાના પીએફ ખાતામાં જમા થયેલું કુલ બેલેન્સ જોઈ શકશે.
છેલ્લા 5 ટ્રાન્ઝેક્શન જોવા: ખાતાધારકો પોતાના પીએફ એકાઉન્ટમાં થયેલા છેલ્લા 5 નાણાકીય વ્યવહારોની સંપૂર્ણ વિગતો તરત જ મેળવી શકશે.
EPF પાસબુક ડાઉનલોડ: તમારી પીએફ પાસબુકને સીધી વોટ્સએપ પર જ ડાઉનલોડ કરી શકાશે, જેનાથી તમારા ફાળાનો સંપૂર્ણ હિસાબ ચેક કરવાનું એકદમ સરળ બની જશે.
શું PFના પૈસા ઉપાડવાનું કામ પણ WhatsApp થી થશે?
કર્મચારીઓએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે વોટ્સએપ સર્વિસ હાલ પૂરતી માત્ર બેઝિક એકાઉન્ટ ડિટેલ્સ અને પાસબુક જેવી પ્રાથમિક માહિતી મેળવવા પૂરતી જ સીમિત છે. જો તમારે પીએફના પૈસા ઉપાડવા હોય (PF Withdrawal), ક્લેમ સેટલમેન્ટ કરવું હોય કે પછી પ્રોફાઈલમાં કોઈપણ પ્રકારનો સુધારો-વધારો કરવો હોય, તો તેના માટે સભ્યોએ પહેલાની જેમ જ સત્તાવાર EPFO પોર્ટલ અથવા 'ઉમંગ' (UMANG) એપનો ઉપયોગ કરવાનો રહેશે.