EPFO News: નોકરિયાતો માટે મોટા સમાચાર! હવે પાસપોર્ટ ઓફિસ જેવી સુવિધા મળશે PF ઓફિસમાં, સરકાર લાવી રહી છે આ મોટો બદલાવ | Moneycontrol Gujarati
Get App

EPFO News: નોકરિયાતો માટે મોટા સમાચાર! હવે પાસપોર્ટ ઓફિસ જેવી સુવિધા મળશે PF ઓફિસમાં, સરકાર લાવી રહી છે આ મોટો બદલાવ

EPFO Update: સરકાર PF ઓફિસોને પાસપોર્ટ સેવા કેન્દ્રની જેમ 'સિંગલ વિન્ડો' બનાવી રહી છે. હવે તમે દેશના કોઈપણ ખૂણેથી તમારું PF કામ સરળતાથી કરાવી શકશો. જાણો આ મોટા ફેરફાર વિશે વિગતવાર.

અપડેટેડ 02:18:24 PM Dec 30, 2025 પર
Story continues below Advertisement
2014 પહેલા દેશમાં માત્ર 19 ટકા લોકોને સામાજિક સુરક્ષા મળતી હતી. આજે આ આંકડો વધીને 64 ટકા સુધી પહોંચી ગયો છે.

EPFO Update: જો તમે પણ પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરો છો અને તમારું PF (પ્રોવિડન્ટ ફંડ) કપાય છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કેન્દ્ર સરકાર PF ખાતાધારકો માટે એક મોટી રાહત લઈને આવી રહી છે. ઘણીવાર લોકોને પોતાના PF ના નાના કામ માટે પણ ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે આ ચિંતા દૂર થવા જઈ રહી છે. સરકાર હવે EPFO (એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન) ની ઓફિસોને હાઈ-ટેક બનાવવા જઈ રહી છે.

પાસપોર્ટ ઓફિસ જેવી મળશે સુવિધા

સરકારની નવી યોજના મુજબ, હવે દેશભરની તમામ EPFO ઓફિસોને 'પાસપોર્ટ સેવા કેન્દ્ર' (Passport Seva Kendra) ની જેમ તૈયાર કરવામાં આવશે. આનો અર્થ એ છે કે આ ઓફિસો હવે 'સિંગલ વિન્ડો સર્વિસ સેન્ટર' તરીકે કામ કરશે. અત્યાર સુધી એવો નિયમ હતો કે, તમારું જે તે કંપની કે સંસ્થા સાથે જોડાણ હોય, તમારે તેને લગતી પ્રાદેશિક ઓફિસમાં જઈને જ ફરિયાદ કે કામ કરાવવું પડતું હતું. પરંતુ હવે આ સિસ્ટમ બદલાઈ રહી છે. આ નવા ફેરફાર પછી, PF ખાતાધારક દેશના કોઈપણ ખૂણે આવેલી EPFO ઓફિસમાં જઈને પોતાનું કામ કરાવી શકશે. ભલે તમારું એકાઉન્ટ કોઈ પણ શહેરનું હોય, તમે ગમે ત્યાંથી સર્વિસ મેળવી શકશો.

કેન્દ્રીય મંત્રીએ આપી માહિતી

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાતના વટવા ખાતે નવા બનેલા 'ભવિષ્ય નિધિ ભવન' ના ઉદ્ઘાટન પ્રસંગે આ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "અમે એક એવી વ્યવસ્થા ઊભી કરી રહ્યા છીએ કે જેમાં કર્મચારીઓને પોતાના PF ના કામ માટે કોઈ ચોક્કસ ઓફિસ પર નિર્ભર ન રહેવું પડે."


દિલ્હીમાં ટ્રાયલ શરૂ

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ નવી 'સિંગલ વિન્ડો' સિસ્ટમનું પાયલટ ટેસ્ટિંગ (ટ્રાયલ) દિલ્હીમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. નવી ટેકનોલોજીની મદદથી તમામ ડેટાને ડિજિટલ અને એકબીજા સાથે કનેક્ટ કરવામાં આવી રહ્યો છે. આનાથી કામકાજ ઝડપી બનશે અને લોકોનો સમય બચશે.

બંધ પડેલા PF ખાતા ફરી શરૂ થશે

ઘણા લોકોના PF ખાતા વર્ષોથી બંધ હાલતમાં પડ્યા છે અને તેના પૈસા કોઈ ક્લેમ નથી કરતું. આ અંગે પણ સરકારે કડક પગલાં લીધા છે:

મિશન મોડમાં કામ: EPFO હવે 'મિશન મોડ' માં કામ કરીને આવા બંધ ખાતાઓને ફરીથી એક્ટિવ કરવા માટે KYC વેરિફિકેશન કરશે.

વારસદારોને સરળતા: એક સુરક્ષિત ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં આવશે, જેથી ખાતાધારક અથવા તેમના વારસદારો પોતાની ઓળખ સાબિત કરીને સરળતાથી પૈસા ઉપાડી શકે.

વિદેશમાં રહેતા ભારતીયો: સરકાર વિદેશમાં કામ કરતા ભારતીયોના PF ના પૈસા સુરક્ષિત રહે તે માટે પણ નવા કરારો કરી રહી છે, જેથી જ્યારે તેઓ ભારત પરત ફરે ત્યારે તેમને તેમની જમા રકમ મળી શકે.

100 કરોડ લોકોને જોડવાનું લક્ષ્ય

આંકડાઓની વાત કરીએ તો, 2014 પહેલા દેશમાં માત્ર 19 ટકા લોકોને સામાજિક સુરક્ષા (Social Security) મળતી હતી. આજે આ આંકડો વધીને 64 ટકા સુધી પહોંચી ગયો છે. હાલમાં લગભગ 94 કરોડ લોકો સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, સરકારનું લક્ષ્ય માર્ચ 2026 સુધીમાં 100 કરોડ લોકોને આ સુરક્ષા કવચ હેઠળ લાવવાનું છે. આમ, સરકારના આ પગલાંથી સામાન્ય નોકરિયાત વર્ગને મોટી રાહત મળશે અને PF ને લગતા કામો હવે ચપટી વગાડતા પૂરા થઈ શકશે.

આ પણ વાંચો-સોનું નહીં પણ Nifty છે અસલી કિંગ! છેલ્લા 27 વર્ષના આંકડા જોઈ ચોંકી જશો, જાણો સમીર અરોરાનું ગણિત

MoneyControl News

MoneyControl News

First Published: Dec 30, 2025 2:18 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.