PF ખાતાધારકોને મળશે મોટી ભેટ, હવે UPI દ્વારા સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર થશે PF ના પૈસા, ડિસેમ્બરના અંત સુધીમાં શરૂ થશે સુવિધા
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પોતાના સભ્યોને મોટી ભેટ આપવા જઈ રહ્યું છે. ડિસેમ્બર 2026ના અંત સુધીમાં UPI દ્વારા PF ના પૈસા ઉપાડવાની સુવિધા શરૂ થઈ શકે છે. જાણો આ સિસ્ટમ કેવી રીતે કામ કરશે.
નવી વ્યવસ્થા લાગુ થયા પછી PF સભ્યો BHIM એપ દ્વારા UPI નો ઉપયોગ કરીને મંજૂર થયેલી ઉપાડની રકમ સીધી પોતાના બેંક ખાતામાં મેળવી શકશે.
EPFO UPI Withdrawal : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના કરોડો સભ્યો માટે એક ખૂબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવા માટે લાંબી રાહ જોવી પડશે નહીં. UPIના માધ્યમથી PFની રકમ સીધી બેંક ખાતામાં ઉપાડવાની સુવિધા ડિસેમ્બર 2026 ના અંત સુધીમાં શરૂ થવાની પૂરેપૂરી શક્યતા છે. આ નવી ડિજિટલ વ્યવસ્થા શરૂ થવાથી ક્લેમ પાસ થવા અને ખાતામાં પૈસા જમા થવા વચ્ચે લાગતો સમય ઘણો ઓછો થઈ જશે.
શરૂઆતના તબક્કામાં આ સુવિધા હેઠળ ઓછામાં ઓછા 1,000 ની ટ્રાન્ઝેક્શન લિમિટ રાખવા પર વિચાર ચાલી રહ્યો છે. આમ કરવા પાછળનો હેતુ વારંવાર થતા નાના-નાના ક્લેમને રોકવાનો અને સિસ્ટમ પર પ્રોસેસિંગનો બોજ ઓછો રાખવાનો છે.
ક્યારે બની હતી UPIથી PFના પૈસા ઉપાડવાની યોજના?
UPI આધારિત ક્લેમ સેટલમેન્ટની પહેલને લઈને સત્તાવાર ચર્ચા માર્ચ 2025 માં યોજાયેલી એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં સામે આવી હતી. ત્યારબાદ ઓક્ટોબર 2025 માં મળેલી બોર્ડ બેઠકમાં ઝડપી ઓટોમેટેડ ક્લેમ, તાત્કાલિક ઉપાડ અને બહેતર ડિજિટલ સેવાઓ માટે વ્યાપક 'ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ફ્રેમવર્ક'ને મંજૂરી આપવામાં આવી હતી.
ટેકનિકલ સ્તરે API તૈયાર કરવાનું અને તેને બેંકિંગ તથા પેમેન્ટ સિસ્ટમ સાથે જોડવાનું કામ કરવામાં આવ્યું છે. શરૂઆતમાં આ સુવિધા ગયા નાણાકીય વર્ષના અંત સુધીમાં શરૂ થવાની આશા હતી, પરંતુ ટેકનિકલ એકીકરણ અને ટેસ્ટિંગની પ્રક્રિયાના કારણે તેમાં થોડો વિલંબ થયો હતો.
ટેસ્ટિંગ પૂર્ણ: ટ્રાયલમાં 4.97 લાખથી વધુ રકમ તરત જ ટ્રાન્સફર થઈ
UPI વિથડ્રોઅલ સુવિધાની ટેકનોલોજી તૈયાર થઈ ચૂકી છે અને સુરક્ષા તેમજ પરફોર્મન્સને લગતી તપાસ પણ પૂરી કરી લેવામાં આવી છે.
અલગ-અલગ યુઝર ગ્રુપ્સ પર બે તબક્કામાં ટ્રાયલ ચલાવવામાં આવી હતી અને પરીક્ષણ દરમિયાન સામે આવેલી ખામીઓને દૂર કરવામાં આવી છે.'ક્લોઝ્ડ યુઝર ગ્રુપ' ટેસ્ટિંગ દરમિયાન 102 PF ક્લેમ સફળતાપૂર્વક સેટલ કરવામાં આવ્યા હતા અને લાભાર્થીઓના બેંક ખાતામાં UPI દ્વારા 4.97 લાખથી વધુની રકમ તરત જ ટ્રાન્સફર થઈ ગઈ હતી.હાલમાં સિસ્ટમની સ્થિરતા અને વિશ્વસનીયતા વધારવા માટે ટેકનિકલ ટીમોના સંકલનથી પરફોર્મન્સ ઓપ્ટિમાઈઝેશન અને ફાઈન-ટ્યુનિંગનું કામ ચાલુ છે. સાથે જ નવા સેન્ટ્રલાઈઝ્ડ આઈટી પ્લેટફોર્મ માઈગ્રેશનને લગતી કેટલીક ટેકનિકલ અડચણો દૂર કરવાની બાકી છે, જે પૂર્ણ થયા બાદ તેને દેશભરમાં લાગુ કરવામાં આવશે.
UPI થી PF ના પૈસા ઉપાડવાની સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
નવી વ્યવસ્થા લાગુ થયા પછી PF સભ્યો BHIM એપ દ્વારા UPI નો ઉપયોગ કરીને મંજૂર થયેલી ઉપાડની રકમ સીધી પોતાના બેંક ખાતામાં મેળવી શકશે. તેનાથી સભ્યોને પરંપરાગત પદ્ધતિની જેમ દિવસો સુધી રાહ જોવાને બદલે ઝડપી પેમેન્ટનો વિકલ્પ મળશે.
જોકે, ઓછામાં ઓછા 1,000ની સંભવિત લઘુત્તમ મર્યાદાનો અર્થ એ છે કે સભ્યો 1,000 થી ઓછી રકમ ઉપાડવા માટે કદાચ આ UPI સુવિધાનો ઉપયોગ કરી શકશે નહીં. તેનો મુખ્ય ઉદ્દેશ્ય નાના-નાના ક્લેમનો ભરાવો રોકવાનો અને સર્વર પર વધારાનો લોડ ઘટાડવાનો છે.