Financial Planning: નવા વર્ષની શરૂઆતમાં જ કરી લો તમારા ફાઈનાન્શિયલ પ્લાનનું રિવ્યૂ, પૈસાની ચિંતા થશે દૂર અને પૂરા થશે તમામ સપના
Financial Planning: નવા વર્ષે તમારી બચત, રોકાણ અને લોનનું પ્લાનિંગ કેવી રીતે કરવું? ટેક્સના નવા નિયમો અને SIP માં વધારો કરવા વિશેની સાચી રીત જાણો. ફાઈનાન્શિયલ ગોલ્સ પૂરા કરવા માટે આ ટિપ્સ ચોક્કસ વાંચો.
FPSB ઈન્ટરનેશનલના CEO Dante De Gori ના જણાવ્યા મુજબ, રોકાણકારોએ તેમના શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ ફાઈનાન્શિયલ ગોલ્સ પર ફરીથી વિચાર કરવો જોઈએ.
Financial Planning: નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે અને આ સમય માત્ર નવા સંકલ્પો લેવાનો જ નહીં, પરંતુ તમારા પૈસાના પ્લાનિંગ (Financial Plan)ને તપાસવાનો પણ છે. આ સમયગાળામાં તમે તમારી બચત, રોકાણ અને લોનને લઈને યોગ્ય આયોજન કરી શકો છો. ખાસ કરીને ટેક્સના નિયમોમાં આવેલા ફેરફારોને કારણે તમારે તમારા રોકાણની દિશા બદલવાની જરૂર પડી શકે છે.
જો તમે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવા માંગતા હોવ અને આર્થિક લક્ષ્યો સરળતાથી પૂરા કરવા માંગતા હોવ, તો નીચે આપેલા મુદ્દાઓ તમને ખૂબ મદદરૂપ થશે.
1. ટૂંકા અને લાંબા ગાળાના ગોલ્સ (Goals) પર ફરી વિચાર કરો
FPSB ઈન્ટરનેશનલના CEO Dante De Gori ના જણાવ્યા મુજબ, રોકાણકારોએ તેમના શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ ફાઈનાન્શિયલ ગોલ્સ પર ફરીથી વિચાર કરવો જોઈએ. તમારે એ ચેક કરવું જોઈએ કે તમે જે ગોલ નક્કી કર્યા હતા, તે તમારી હાલની જરૂરિયાતો અને લાઈફ સ્ટેજ સાથે મેચ થાય છે કે નહીં. આ રિવ્યૂ કરવાથી તમારો ફાઈનાન્શિયલ પ્લાન વધુ મજબૂત બનશે.
2. તમારી રિસ્ક લેવાની ક્ષમતા મુજબ રોકાણ કરો
પૈસાનું રોકાણ કરતા પહેલા તમારી પ્રાથમિકતાઓ નક્કી કરવી ખૂબ જરૂરી છે.
સૌથી પહેલા ઈમરજન્સી ફંડ, નજીકના ભવિષ્યના ખર્ચાઓ અને દેવું (Debt) મેનેજ કરવા પર ફોકસ કરો. ત્યારબાદ ઘર ખરીદવું, બાળકોનું શિક્ષણ અને વેલ્થ ક્રિએશન જેવા લાંબા ગાળાના લક્ષ્યો પર ધ્યાન આપો. તમારી રોકાણની સ્ટ્રેટેજી એવી હોવી જોઈએ જે તમારી જોખમ (Risk) લેવાની ક્ષમતા સાથે મેળ ખાતી હોય.
3. જો નવી ટેક્સ રીજીમ (New Tax Regime) પસંદ કરી હોય તો ધ્યાન આપો
જો તમે આવતા નાણાકીય વર્ષથી ઈન્કમ ટેક્સની નવી રીજીમ (New Regime) પસંદ કરવાનું મન બનાવી લીધું છે, તો તમારે રોકાણની પદ્ધતિ બદલવી પડશે. નવી રીજીમમાં ટેક્સ-સેવિંગ્સ માટેના ડિડક્શન મળતા નથી. તેથી, તમારે ટેક્સ બચાવવા માટે ખાસ રોકાણ કરવાની જરૂર રહેતી નથી. ઉદાહરણ તરીકે, મ્યુચ્યુઅલ ફંડની ટેક્સ સેવિંગ સ્કીમ (ELSS) માં 3 વર્ષનો લોક-ઈન પિરિયડ હોય છે. જો તમને ટેક્સ કપાતનો લાભ નથી જોઈતો, તો તમે આવી સ્કીમને બદલે નોર્મલ સ્કીમમાં રોકાણ કરી શકો છો, જ્યાં તમારા પૈસા લાંબા સમય સુધી બ્લોક નથી રહેતા.
4. મોંઘી પર્સનલ લોન બંધ કરી દો
જો તમે કોઈ પર્સનલ લોન લીધી હોય અને તેનો વ્યાજ દર (Interest Rate) ખૂબ વધારે હોય, તો તેને જલ્દી બંધ કરવાનો પ્લાન બનાવો. પર્સનલ લોનનું વ્યાજ વાર્ષિક 11થી 18 ટકા જેટલું હોઈ શકે છે, જ્યારે તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં પડેલા પૈસા પર ઘણું ઓછું વ્યાજ મળે છે. સેવિંગ્સ એકાઉન્ટના વધારાના બેલેન્સનો ઉપયોગ કરીને આવી મોંઘી લોન ભરપાઈ કરી દેવી જોઈએ.
5. દર વર્ષે SIP માં 10% નો વધારો જરૂરી
માત્ર રોકાણ કરવું પૂરતું નથી, પરંતુ સમય સાથે તેમાં વધારો કરવો પણ જરૂરી છે. તમારે તમારી SIP (Systematic Investment Plan) ની રકમમાં દર વર્ષે ઓછામાં ઓછો 10 ટકાનો વધારો કરવો જોઈએ. ઘણા લોકો વર્ષો સુધી એક સરખી રકમની SIP ચાલુ રાખે છે, જેના કારણે તેઓ કમ્પાઉન્ડિંગનો પૂરો ફાયદો ઉઠાવી શકતા નથી. દર વર્ષે થોડી રકમ વધારવાથી લાંબા ગાળે તમને મોટું રિટર્ન મળી શકે છે.
6. ઈમરજન્સી ફંડ ફરીથી ભરી લો
નિષ્ણાતોનું કહેવું છે કે તમારા ઈમરજન્સી ફંડનું રિવ્યૂ કરવું પણ એટલું જ મહત્વનું છે. ઘણીવાર આપણે મુસીબતના સમયે ઈમરજન્સી ફંડમાંથી પૈસા ઉપાડી લઈએ છીએ, જેનાથી તેનું બેલેન્સ ઘટી જાય છે. જો તમારું ફંડ ઓછું થઈ ગયું હોય, તો તેને ફરીથી જૂના લેવલ પર અથવા તેનાથી વધારે કરવા માટે પ્લાનિંગ કરો, કારણ કે મુસીબત ક્યારે આવશે તે કહી શકાતું નથી.
નવા વર્ષે આ નાની-નાની બાબતોનું ધ્યાન રાખીને તમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનાવી શકો છો. યોગ્ય પ્લાનિંગથી માત્ર પૈસાની બચત જ નથી થતી, પરંતુ ભવિષ્યની ચિંતાઓ પણ દૂર થાય છે.