Gold ETFમાં રોકાણનો ‘સુવર્ણ યુગ’! જાન્યુઆરીમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કરતા પણ વધુ રોકાણ, આંકડો 24,000 કરોડને પાર
Gold ETF Investment: જાન્યુઆરી 2026માં Gold ETFમાં રેકોર્ડબ્રેક 24,040 કરોડનું રોકાણ આવ્યું છે. ઈતિહાસમાં પહેલીવાર સોનાના રોકાણે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડને પછાડ્યું છે. જાણો શા માટે રોકાણકારો હવે સોના તરફ વળ્યા છે.
વર્ષની શરૂઆતમાં મોટાભાગના રોકાણકારો પોતાના પોર્ટફોલિયોને રી-બેલેન્સ કરતા હોય છે, જેમાં તેઓ જોખમ ઘટાડવા માટે સોનાનો ઉમેરો કરે છે.
Gold ETF Investment: ભારતીય રોકાણકારોનો સોના પ્રત્યેનો પ્રેમ ફરી એકવાર સાબિત થયો છે. જાન્યુઆરી 2026માં રોકાણકારોએ Gold Exchange-Traded Funds (ETFs)માં જે રીતે પૈસા રોક્યા છે, તેણે નવો ઈતિહાસ રચી દીધો છે. નવાઈની વાત એ છે કે, પહેલીવાર ગોલ્ડ ઈટીએફમાં આવેલું રોકાણ, શેરબજાર આધારિત ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ કરતા પણ વધી ગયું છે.
Gold ETF vs Equity Mutual Fund: કોણ કોનાથી આગળ?
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડાઓ ચોંકાવનારા છે. જાન્યુઆરી મહિનામાં ગોલ્ડ ઈટીએફમાં કુલ 24,040 કરોડનું શુદ્ધ રોકાણ (Net Inflow) થયું છે. જે ડિસેમ્બર મહિનાના 11,647 કરોડના રોકાણ કરતા બમણાથી પણ વધારે છે.
બીજી તરફ, સામાન્ય રીતે રોકાણકારોની પહેલી પસંદ ગણાતા ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં જાન્યુઆરીમાં 24,028.6 કરોડનું રોકાણ આવ્યું હતું. આમ, ગોલ્ડ ઈટીએફ નજીવા અંતરે પણ ઈક્વિટી ફંડ્સ કરતા આગળ નીકળી ગયું છે.
રોકાણકારો અચાનક સોના તરફ કેમ વળ્યા?
બજારના નિષ્ણાતોના મતે આ રેકોર્ડબ્રેક રોકાણ પાછળ મુખ્યત્વે બે કારણો જવાબદાર છે:
વધતી કિંમતો: જાન્યુઆરી મહિનામાં સોનાના ભાવ આસમાને પહોંચ્યા હતા. કિંમતો પ્રતિ 10 ગ્રામ 1.8 લાખ ના રેકોર્ડ સ્તર સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે રોકાણકારો આકર્ષાયા હતા.
વૈશ્વિક અસ્થિરતા: દુનિયાભરમાં ચાલી રહેલી ભૂ-રાજકીય (Geopolitical) તંગદિલી અને અનિશ્ચિતતાને કારણે રોકાણકારો શેરબજારના જોખમ સામે 'સેફ હેવન' ગણાતા સોનામાં રોકાણ કરવાનું વધુ સુરક્ષિત માની રહ્યા છે.
નિષ્ણાતો શું કહે છે?
નિષ્ણાંતો જણાવે છે કે, "છેલ્લા એક વર્ષમાં સોના અને ચાંદીએ અન્ય એસેટ ક્લાસ કરતા ઘણું સારું વળતર આપ્યું છે, જે રોકાણકારોને આકર્ષવાનું મુખ્ય કારણ છે." "હવે રોકાણકારો સોનાને માત્ર મુશ્કેલ સમયના સાથી તરીકે નથી જોતા, પરંતુ તેને એક મુખ્ય નાણાકીય રોકાણ વિકલ્પ તરીકે સ્વીકારી રહ્યા છે. હવે ગોલ્ડ એ પોર્ટફોલિયોનો મહત્વનો હિસ્સો બની ગયો છે."
Gold ETFના ફાયદા અને વધતી જતી લોકપ્રિયતા
રોકાણકારો ફિઝિકલ સોનાને બદલે ETF તરફ શા માટે વળ્યા છે? તેના પણ કેટલાક નક્કર કારણો છે:
ઓછો ખર્ચ (Low Cost).
હાઈ લિક્વિડિટી (જ્યારે ઈચ્છો ત્યારે વેચી શકાય).
સરળ ઉપલબ્ધતા.
વર્ષની શરૂઆતમાં મોટાભાગના રોકાણકારો પોતાના પોર્ટફોલિયોને રી-બેલેન્સ કરતા હોય છે, જેમાં તેઓ જોખમ ઘટાડવા માટે સોનાનો ઉમેરો કરે છે. આ કારણોસર મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચના નેહલ મેશ્રામ માને છે કે સોનાની માંગ સતત મજબૂત રહેશે.
કુલ રોકાણ અને AUMમાં ઉછાળો
ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી ગોલ્ડ ઈટીએફમાં કુલ રોકાણ 61,000 કરોડની નજીક પહોંચી ગયું છે. સતત આવી રહેલા રોકાણને કારણે જાન્યુઆરીના અંત સુધીમાં ગોલ્ડ ઈટીએફનું એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) વધીને 1.84 લાખ કરોડ થઈ ગયું છે, જે એક વર્ષ પહેલા 1.28 લાખ કરોડ હતું.
જોકે, આદિત્ય બિરલા સન લાઈફ AMCના એમડી એ. બાલાસુબ્રમણ્યમનું કહેવું છે કે, લાંબા ગાળાના સંપત્તિ સર્જન (Wealth Creation) માટે હજુ પણ ઈક્વિટી જ રોકાણકારોની પહેલી પસંદ રહેશે.
અન્ય ETFમાં પણ તેજી
માત્ર સોનું જ નહીં, પરંતુ અન્ય ઈટીએફ કેટેગરી (જેમ કે થીમેટિક અને ઇન્ડેક્સ ફંડ્સ)માં પણ રોકાણ વધ્યું છે. જાન્યુઆરીમાં આ કેટેગરીમાં 15,006 કરોડનું રોકાણ આવ્યું હતું, જે ડિસેમ્બરમાં 13,199 કરોડ હતું.
એમ્ફી (AMFI)ના સીઈઓ વેંકટ એન. ચલાસણીના મતે, સોના અને ચાંદીના ઈટીએફમાં સંતુલિત રોકાણ એ દર્શાવે છે કે રોકાણકારો હવે માત્ર વળતર જ નહીં, પણ પોર્ટફોલિયોની સ્થિરતા અને વિવિધતા (Diversification) પર પણ પૂરતું ધ્યાન આપી રહ્યા છે.