New Income tax bill: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સંસદના આગામી બજેટ સત્રમાં કામ કરતા લોકોને મોટી રાહત આપી શકે છે. હકીકતમાં સરકાર એક નવું આવકવેરા બિલ રજૂ કરવાના મૂડમાં છે, જેનો ઉદ્દેશ્ય વર્તમાન આવકવેરા કાયદાને સરળ બનાવવા, તેને સમજી શકાય તેવો બનાવવા અને પાનાઓની સંખ્યામાં લગભગ 60 ટકા ઘટાડો કરવાનો છે. ટેક્સપેયર્સ માટે આ રાહતની વાત હશે કારણ કે તેઓ તેનાથી સંબંધિત પાસાઓને સરળતાથી સમજી શકશે.
સમિતિની રચના કરવામાં આવી હતી
નાણામંત્રી નિર્મલા સીતારમણે જુલાઈના બજેટમાં છ મહિનાની અંદર છ દાયકા જૂના આવકવેરા કાયદા, 1961ની વ્યાપક સમીક્ષાની જાહેરાત કરી હતી. આવકવેરા કાયદા, 1961ની વ્યાપક સમીક્ષા માટે સીતારમણ દ્વારા બજેટમાં જાહેરાત બાદ, CBDTએ સમીક્ષાની દેખરેખ રાખવા અને કાયદાને સંક્ષિપ્ત સ્પષ્ટ અને સમજવામાં સરળ બનાવવા માટે એક આંતરિક સમિતિની રચના કરી હતી. આનાથી વિવાદો, મુકદ્દમા ઘટશે અને કરદાતાઓને વધુ કર નિશ્ચિતતા મળશે. આ ઉપરાંત, કાયદાના વિવિધ પાસાઓની સમીક્ષા કરવા માટે 22 ખાસ પેટા સમિતિઓની રચના કરવામાં આવી છે.
બજેટ સત્ર ક્યારે શરૂ થાય છે?
બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 4 એપ્રિલ સુધી ચાલશે. પ્રથમ ભાગ (31 જાન્યુઆરી- 13 ફેબ્રુઆરી) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધનથી શરૂ થશે, ત્યારબાદ 2024-25 માટે આર્થિક સર્વેક્ષણની રજૂઆત થશે. નાણાકીય વર્ષ 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. સંસદ 10 માર્ચે ફરી શરૂ થશે અને 4 એપ્રિલ સુધી ચાલશે.