ITR Filing Deadline: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક આદેશ, કરદાતાઓને મળી મોટી રાહત, ITR ફાઈલિંગની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવવા નિર્દેશ!
ગુજરાત હાઈકોર્ટે નાણાંકીય વર્ષ 2024-25 માટે ટેક્સ ઓડિટ કરાવતા કરદાતાઓ માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર, 2025 સુધી લંબાવવા CBDTને આદેશ આપ્યો છે. જાણો સંપૂર્ણ વિગત અને તમને શું ફાયદો થશે.
ITR Filing Deadline: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક આદેશ, કરદાતાઓને મળી મોટી રાહત!
ITR Filing Deadline: ઇન્કમટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરતા કરદાતાઓ માટે ગુજરાતમાંથી એક મોટા રાહતના સમાચાર આવી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદામાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)ને નાણાંકીય વર્ષ 2024-25 (એસેસમેન્ટ યર 2025-26) માટે ITR ફાઈલ કરવાની ડેડલાઈન લંબાવીને 30 નવેમ્બર, 2025 કરવા માટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે.
આ નિર્ણયથી એવા હજારો કરદાતાઓને ફાયદો થશે જેમને પોતાના એકાઉન્ટ્સનું ટેક્સ ઓડિટ કરાવવું ફરજિયાત છે.
શા માટે કોર્ટે આપ્યો આ આદેશ?
ઈન્કમટેક્સ બાર એસોસિયેશન દ્વારા કરાયેલી એક પિટિશનની સુનાવણી દરમિયાન જસ્ટિસ ભાર્ગવ ડી. કારીયા અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચે આ આદેશ આપ્યો હતો. કોર્ટે અવલોકન કર્યું કે CBDT દ્વારા ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની તારીખ તો 31 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી, પરંતુ ITR ફાઈલિંગની તારીખ લંબાવવામાં આવી ન હતી.
હાઈકોર્ટે આવકવેરા કાયદાની કલમ-44 ABનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, કાયદાનો સ્પષ્ટ હેતુ છે કે ટેક્સ ઓડિટ રિપોર્ટ અને ITR ફાઈલિંગની નિયત તારીખ વચ્ચે ઓછામાં ઓછો એક મહિનાનો સમયગાળો હોવો જોઈએ. આ સમયગાળો કરદાતાઓને તેમના ઓડિટેડ એકાઉન્ટ્સના આધારે ચોકસાઈપૂર્વક રિટર્ન ફાઈલ કરવા માટે જરૂરી છે.
કોર્ટે કરી કડક ટિપ્પણી
કોર્ટે CBDTના વલણ પર ટિપ્પણી કરતાં કહ્યું કે, "જ્યારે ટેક્સ ઓડિટ રિપોર્ટની તારીખ લંબાવવામાં આવી, તો પછી ITR ફાઈલિંગની તારીખ કેમ નહિ? આ બંને તારીખો વચ્ચે એક મહિનાનો તફાવત જાળવી રાખવો એ કાયદાકીય જરૂરિયાત છે." કોર્ટે વધુમાં જણાવ્યું કે આ એક સામાન્ય પ્રક્રિયા છે અને ભૂતકાળમાં પણ આવું થતું આવ્યું છે, તેથી તારીખ લંબાવવા પર કોઈ પ્રતિબંધ ન હોવો જોઈએ.
CBDTને તાત્કાલિક સર્ક્યુલર બહાર પાડવા હુકમ
ગુજરાત હાઈકોર્ટે CBDTને સખત નિર્દેશ આપતા કહ્યું છે કે જે કરદાતાઓ માટે ઓડિટ જરૂરી છે, તેમના માટે ITR ફાઈલિંગની છેલ્લી તારીખ 30 નવેમ્બર, 2025 સુધી લંબાવવાનો એક ઓફિશિયલ સર્ક્યુલર તાત્કાલિક ધોરણે બહાર પાડવામાં આવે. આટલું જ નહીં, કોર્ટે આ આદેશના પાલન અંગે એક પ્રોગ્રેસ રિપોર્ટ પણ રજૂ કરવા જણાવ્યું છે. આ કેસની આગામી સુનાવણી 16 ઓક્ટોબરના રોજ નક્કી કરવામાં આવી છે. હાઈકોર્ટના આ નિર્ણયથી ગુજરાત સહિત દેશભરના પ્રોફેશનલ્સ અને કરદાતાઓમાં રાહતની લાગણી ફેલાઈ છે.