15 ડિસેમ્બરથી બદલાઈ જશે મોટર ઇન્સ્યોરન્સના નિયમો: કાર અને બાઇક પોલિસી હવે 4 વિભાગમાં વહેંચાશે, જાણો વિગતવાર
IRDAIએ મોટર ઇન્સ્યોરન્સના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. 15 ડિસેમ્બરથી કાર અને બાઇકની પોલિસી 4 ભાગમાં વહેંચાશે. જાણો કયું કવર ફરજિયાત અને કયું મરજિયાત છે.
હવેથી પોલિસી શિડ્યુલમાં દરેક સેક્શન માટે કેટલું પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું છે તેની અલગ-અલગ વિગત લખાશે.
Motor Insurance New Rules: જો તમારી પાસે કાર કે બાઇક જેવા વાહનો છે, તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. આવનારી 15 ડિસેમ્બરથી મોટર ઇન્સ્યોરન્સ ખરીદવાની આખી પ્રક્રિયા બદલાઈ રહી છે. વીમા ક્ષેત્રની રેગ્યુલેટરી બોડી IRDAI (ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) એ પ્રાઇવેટ કાર અને ટૂ-વ્હીલરના ઇન્સ્યોરન્સ માટે 4 વિભાગવાળું નવું માળખું જાહેર કર્યું છે.
આ નવા નિયમનો મુખ્ય હેતુ વીમા કંપનીઓ દરેક કવર અને તેના પ્રીમિયમ વિશે વાહન માલિકને સ્પષ્ટ જાણકારી આપે તે છે. આનાથી વાહન માલિકો પોતાની જરૂરિયાત મુજબ વીમાનું કવરેજ પસંદ કરી શકશે.
હવે 4 ભાગમાં વહેંચાશે તમારી પોલિસી
નવા માળખા હેઠળ મોટર ઇન્સ્યોરન્સ પોલિસીને 4 અલગ-અલગ વિભાગોમાં વહેંચવામાં આવશે.
વિભાગ 1 (થર્ડ પાર્ટી લાયબિલિટી): આ કવર લેવું ફરજિયાત રહેશે. અકસ્માત સમયે જો કોઈ ત્રાહિત વ્યક્તિને ઈજા થાય, મૃત્યુ થાય કે તેની મિલકતને નુકસાન પહોંચે, તો તેની કાનૂની જવાબદારી આ વિભાગ હેઠળ કવર થશે.
વિભાગ 2 (મુસાફરો પ્રત્યે કાનૂની જવાબદારી): આ કવર મરજિયાત છે. કારમાં બેઠેલા પેસેન્જરો અથવા બાઇક પર પાછળ બેઠેલા રાઇડર પ્રત્યે માલિકની કાનૂની જવાબદારી આમાં આવરી લેવાશે.
વિભાગ 3 (પર્સનલ એક્સિડન્ટ કવર): આમાં બે ભાગ છે. વાહનના માલિક માટે આ કવર લેવું ફરજિયાત રહેશે. જ્યારે વાહનમાં બેઠેલા અન્ય લોકો કે ડ્રાઇવર માટેનું કવર મરજિયાત રહેશે.
વિભાગ 4 (ઓન ડેમેજ કવર): આ કવર પણ મરજિયાત છે. વાહન ચોરાઈ જાય કે તેને કોઈ ભૌતિક નુકસાન થાય ત્યારે આ કવરેજ કામ આવે છે.
સરળ શબ્દોમાં કહીએ તો, થર્ડ પાર્ટી કવર અને માલિકનું પર્સનલ એક્સિડન્ટ કવર જ લેવું પડશે, બાકીના કવર લેવા કે નહીં તે તમારી મરજી પર નિર્ભર રહેશે.
ઓપ્શન ફોર્મ પર ટીક કરીને પસંદ કરી શકાશે કવર
IRDAI એ વીમા કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ ગ્રાહકોને એક 'ઓપ્શન ફોર્મ' આપશે, જેમાં ચારેય વિભાગ સ્પષ્ટ લખેલા હશે. ગ્રાહક પોતાની પસંદગીના કવર સામે ટીક કરીને પોલિસી ખરીદી શકશે. આ પ્રક્રિયા ઓનલાઇન અને ઓફલાઇન બંને માધ્યમોમાં લાગુ પડશે. આ સિવાય ગ્રાહકને કસ્ટમર ઇન્ફોર્મેશન શીટ પણ આપવામાં આવશે.
પ્રીમિયમની સ્પષ્ટ જાણકારી મળશે
હવેથી પોલિસી શિડ્યુલમાં દરેક સેક્શન માટે કેટલું પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું છે તેની અલગ-અલગ વિગત લખાશે. આનાથી ગ્રાહકને ખબર પડશે કે તેમણે થર્ડ પાર્ટી માટે કેટલા પૈસા આપ્યા અને વાહનના પોતાના નુકસાન (ઓન ડેમેજ) માટે કેટલા ચૂકવ્યા.
જૂની પોલિસી ધરાવતા લોકો માટે પણ સુવિધા
જે લોકો પાસે પહેલાથી જ પોલિસી છે, તેઓ પોતાની ચાલુ પોલિસીની મુદત દરમિયાન પણ વિભાગ 2 નો ઉમેરો કરી શકશે. આ માટે તેમણે વધારાનું પ્રીમિયમ ચૂકવવું પડશે અને જે તે વીમા કંપની પાસેથી જ એન્ડોર્સમેન્ટ મેળવવાનું રહેશે. આ માટે ચાલુ પોલિસી રદ કરવાની જરૂર નહીં પડે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ લેવાયો નિર્ણય
IRDAI એ આ પરિપત્ર સુપ્રીમ કોર્ટના એક મહત્વપૂર્ણ ચુકાદા બાદ જારી કર્યો છે. સુપ્રીમ કોર્ટે વાહન વીમાની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે 4 સ્તરનું ઇન્સ્યોરન્સ માળખું બનાવવાની સૂચના આપી હતી.
15 ડિસેમ્બરથી થશે અમલ
આ નવું 4 સેક્શનવાળું માળખું, સરખા પ્રકારની પોલિસી વર્ડિંગ્સ અને ઓપ્શન ફોર્મ 15 ડિસેમ્બરથી તમામ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ માટે લાગુ થઈ જશે. ઉપરાંત IRDAI એ કંપનીઓને આ નવી વ્યવસ્થાને 'બીમા સુગમ' પ્લેટફોર્મ સાથે જોડવા પણ આદેશ આપ્યો છે.