નાના વેપારીઓ અને મહિલાઓને મોદી સરકારની મોટી ભેટ, 9,000 કરોડના પેકેજ સાથે બંને યોજનાઓ 2031 સુધી લંબાવાઈ | Moneycontrol Gujarati
Get App

નાના વેપારીઓ અને મહિલાઓને મોદી સરકારની મોટી ભેટ, 9,000 કરોડના પેકેજ સાથે બંને યોજનાઓ 2031 સુધી લંબાવાઈ

કેન્દ્ર સરકારે નાના ઉદ્યોગસાહસિકો અને મહિલાઓને મોટી ભેટ આપતા મુદ્રા અને સ્ટેન્ડ-અપ ઈન્ડિયા યોજનાને 2031 સુધી લંબાવી છે અને 9,000 કરોડથી વધુનું પેકેજ મંજૂર કર્યું છે. જાણો નવા નિયમો.

અપડેટેડ 06:45:00 PM Nov 11, 2026 પર
Story continues below Advertisement
આ નવી વિસ્તૃત વ્યવસ્થા હેઠળ ગેરંટી સુવિધા PMMY અંતર્ગત પાત્ર સૂક્ષ્મ ઉદ્યોગોને આપવામાં આવતી 20 લાખ સુધીની લોનને કવર કરશે.

MUDRA and Stand-Up India Scheme: દેશના નાના વેપારીઓ, ઉદ્યોગસાહસિકો, મહિલાઓ અને વંચિત વર્ગ માટે એક ખૂબ જ મોટા ખુશખબર સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અને સ્ટેન્ડ-અપ ઈન્ડિયા યોજના હેઠળ ક્રેડિટ ગેરંટી સપોર્ટ ચાલુ રાખવા માટે 9,000 કરોડથી વધુના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સરકાર દ્વારા આ બંને મહત્વકાંક્ષી યોજનાઓને આગામી 5 વર્ષ માટે લંબાવી દેવામાં આવી છે, જે હવે 31 માર્ચ 2031 સુધી લાગુ રહેશે.

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો તરફથી જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન મુજબ, આ મંજૂરીમાં સૂક્ષ્મ એકમો માટેના ક્રેડિટ ગેરંટી ફંડ માટે 5,000 કરોડ અને વિસ્તૃત કરવામાં આવેલા સ્ટેન્ડ-અપ ઈન્ડિયા કાર્યક્રમ માટે 4,111 કરોડ ની જોગવાઈ સામેલ છે.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના : શું થયા છે મોટા ફેરફારો?


મુદ્રા લોનના સુધારેલા માળખા હેઠળ સરકારે નાના વેપારીઓને અનેક મોટી રાહતો આપી છે.

ગેરંટી ફીમાં ઘટાડો: મુદ્રા લોન માટેની વાર્ષિક ગેરંટી ફી 1% થી ઘટાડીને 0.75% કરી દેવામાં આવી છે. સરકારને આશા છે કે આ ક્રેડિટ ગેરંટી સુવિધા ચાલુ રહેવાથી આગામી 5 વર્ષમાં 12.6 લાખ કરોડ ની લોનનું વિતરણ કરી શકાશે.

20 લાખ સુધીની લોન કવર થશે: આ નવી વિસ્તૃત વ્યવસ્થા હેઠળ ગેરંટી સુવિધા PMMY અંતર્ગત પાત્ર સૂક્ષ્મ ઉદ્યોગોને આપવામાં આવતી 20 લાખ સુધીની લોનને કવર કરશે.

જન ધન અને સ્વયં સહાય જૂથોને લાભ: આ ઉપરાંત, પ્રધાનમંત્રી જન ધન યોજના  ખાતાઓ દ્વારા આપવામાં આવતા 10,000 સુધીના ઓવરડ્રાફ્ટ અને 10 લાખથી 20 લાખ સુધીનો પોર્ટફોલિયો ધરાવતા સ્વયં સહાય જૂથો (SHGs) ની લોનનો પણ તેમાં સમાવેશ કરવામાં આવશે.

અત્યાર સુધીનો રેકોર્ડ: સપ્ટેમ્બર 2026 સુધીમાં, મુદ્રા યોજનાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી ધિરાણ આપતી સંસ્થાઓએ 60.36 કરોડથી વધુ લોન મંજૂર કરી છે, જેની કુલ રકમ 43.34 લાખ કરોડ થાય છે. આ માળખાથી નાના ઉદ્યોગસાહસિકોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી બેંક લોન મળી શકશે, જેનાથી તેમને પોતાનો બિઝનેસ શરૂ કરવામાં અને આગળ વધારવામાં મદદ મળશે.

સ્ટેન્ડ-અપ ઈન્ડિયા યોજના: 2.5 લાખ નવા ઉદ્યોગસાહસિકોને જોડવાનો લક્ષ્યાંક

કેબિનેટે સ્ટેન્ડ-અપ ઈન્ડિયા યોજનાને પણ આગામી 5 વર્ષ એટલે કે 31 માર્ચ 2031 સુધી લંબાવવાની મંજૂરી આપી દીધી છે. આ સમયગાળા દરમિયાન મહિલાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયના વધારાના 2.5 લાખ નવા ઉદ્યોગસાહસિકોને આર્થિક સહાય પૂરી પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

10 લાખથી 1 કરોડ સુધીની લોન: આ યોજના હેઠળ પાત્ર લોનધારકો નવો બિઝનેસ સ્થાપવા માટે 10 લાખથી વધુ અને 1 કરોડ સુધીની લોન લઈ શકે છે. આ લોન મેન્યુફેક્ચરિંગ, સર્વિસિસ, ટ્રેડિંગ અને કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ માટે મળે છે.

85% સુધી ફાઈનાન્સ અને ગેરંટી કવરેજ: આ લોન પ્રોજેક્ટના કુલ ખર્ચના 85% સુધીનું ફાઈનાન્સ કરી શકે છે, જ્યારે ક્રેડિટ ગેરંટી કવરેજ પણ લોનની રકમના 85% નક્કી કરવામાં આવ્યું છે. વિસ્તૃત માળખા હેઠળ તેની ગેરંટી ફીને પ્રમાણિત કરીને 0.50% કરી દેવામાં આવી છે.

2.75 લાખથી વધુ લોકોને મળ્યો લાભ: એપ્રિલ 2016 માં શરૂ કરવામાં આવેલી આ યોજનાના માધ્યમથી અત્યાર સુધીમાં 2.75 લાખથી વધુ મહિલા અને SC/ST ઉદ્યોગસાહસિકોને લોન મળી ચૂકી છે.સરકારના આ બંને મોટા નિર્ણયોનો મુખ્ય ઉદ્દેશ્ય નાના વ્યવસાયો માટે બેંક લોનની ઉપલબ્ધતા વધારવાનો અને ઐતિહાસિક રીતે વંચિત રહેલા સમુદાયોમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાનો છે.

આ પણ વાંચો-Cabinet Decisions: ખેડૂતો અને નાના વેપારીઓને મોદી સરકારની મોટી ભેટ, રવિ પાક માટે 62,370 કરોડની ખાતર સબસિડી અને 5,000 કરોડના મુદ્રા ફંડને મંજૂરી

MoneyControl News

MoneyControl News

First Published: Nov 11, 2026 6:45 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.