પાન કાર્ડના નવા નિયમો: 1 એપ્રિલ 2026થી બેંક ડિપોઝિટ અને કાર ખરીદવાની લિમિટ બદલાશે, જાણો સામાન્ય માણસને શું ફાયદો થશે?
PAN Card New Rules: 1 એપ્રિલ 2026 થી PAN Card અને કેશ વ્યવહારના નિયમોમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. બેંકમાં પૈસા જમા કરવાથી લઈને ગાડી ખરીદવા સુધી, જાણો નવા નિયમોથી તમને કેટલી રાહત મળશે.
નવા નિયમ મુજબ, હવે 5 લાખ રૂપિયાથી વધુ કિંમતની ગાડી કે મોટર સાયકલ ખરીદવા પર જ પાન કાર્ડ ફરજિયાત રહેશે.
PAN Card New Rules: જો તમે બેંકમાં અવારનવાર રોકડ જમા કરો છો, નવી ગાડી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અથવા હોટલમાં જઈને મોટું બિલ ચૂકવો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. સરકાર ઈન્કમ ટેક્સના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે અને 1 એપ્રિલ 2026 થી પાન કાર્ડને લગતા નવા નિયમો લાગુ થઈ શકે છે.
સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા ડ્રાફ્ટ મુજબ, હવે નાના-મોટા વ્યવહારોમાં લોકોને કાગળની માથાકૂટમાંથી મુક્તિ મળશે. ટૂંકમાં કહીએ તો, સામાન્ય માણસને નાના વ્યવહારોમાં પાન કાર્ડ બતાવવાની ઝંઝટ નહીં રહે, પરંતુ મોટા કેશ વ્યવહારો પર સરકાર બાજ નજર રાખશે. આનાથી સિસ્ટમમાં પારદર્શિતા આવશે.
ચાલો વિગતે જાણીએ કે બેંક ડિપોઝિટ, પ્રોપર્ટી, ગાડી અને હોટલ બિલને લઈને શું બદલાવ આવવાનો છે.
બેંકમાં પૈસા જમા કરવાની લિમિટ વધી
અત્યાર સુધી નિયમ એવો હતો કે જો તમે કોઈ બેંક, કો-ઓપરેટિવ બેંક કે પોસ્ટ ઓફિસમાં એક દિવસમાં 50,000 રૂપિયાથી વધુ રોકડ જમા કરો, તો તમારે પાન કાર્ડ આપવું ફરજિયાત હતું. પરંતુ હવે પ્રસ્તાવિત નવા નિયમો મુજબ આમાં મોટી રાહત મળી છે. હવે જો તમે આખા નાણાકીય વર્ષ દરમિયાન કુલ 10 લાખ રૂપિયા કે તેથી વધુ રકમ જમા કરશો, તો જ પાન કાર્ડની જરૂર પડશે. એટલે કે રોજિંદા નાના વ્યવહારો કરનારાઓને હવે વારંવાર પાન કાર્ડ બતાવવું નહીં પડે.
રોકડ ઉપાડવા પર પણ નવો નિયમ
પૈસા જમા કરવાની જેમ પૈસા ઉપાડવા માટે પણ નિયમો બદલાઈ રહ્યા છે. અત્યાર સુધી રોજના ઉપાડ પર કોઈ ખાસ લિમિટ નહોતી. પરંતુ નવા ડ્રાફ્ટ મુજબ, જો તમે વર્ષ દરમિયાન તમારા એક કે વધુ ખાતામાંથી કુલ 10 લાખ રૂપિયા કે તેથી વધુ કેશ ઉપાડો છો, તો તમારે પાન કાર્ડ રજૂ કરવું પડશે. આનો અર્થ એ છે કે મોટી રકમ ઉપાડનારા લોકો પર હવે ટ્રેકિંગ વધશે, પણ સામાન્ય માણસની નાની જરૂરિયાતો પર કોઈ અસર નહીં થાય.
વાહન ખરીદવા માટે હવે આટલી છૂટ
જો તમે કાર કે બાઈક ખરીદવા જાઓ તો અત્યાર સુધી કિંમત ગમે તેટલી હોય, પાન કાર્ડ આપવું પડતું હતું. પરંતુ 1 એપ્રિલ 2026 થી આ બદલાઈ શકે છે. નવા નિયમ મુજબ, હવે 5 લાખ રૂપિયાથી વધુ કિંમતની ગાડી કે મોટર સાયકલ ખરીદવા પર જ પાન કાર્ડ ફરજિયાત રહેશે. ટ્રેક્ટર જેવા વાહનોને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. એટલે કે જે લોકો સસ્તી બાઈક કે નાની ગાડી ખરીદશે, તેમને હવે પાન કાર્ડ વગર પણ ચાલી જશે.
પ્રોપર્ટી ખરીદ-વેચાણમાં ડબલ લિમિટ
જમીન-મકાન કે પ્રોપર્ટીના સોદામાં પહેલા 10 લાખ રૂપિયાથી વધુની ડીલ પર પાન કાર્ડ જરૂરી હતું. હવે આ લિમિટ વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે. આ ફેરફારથી નાના શહેરો અને ગામડાઓમાં જ્યાં પ્રોપર્ટીની કિંમત ઓછી હોય છે, ત્યાં લોકોને પેપરવર્કમાં મોટી રાહત મળશે. જોકે, મોટા રોકાણો પર તો સરકારની નજર રહેશે જ.
હોટલ અને રેસ્ટોરન્ટના બિલમાં રાહત
ઘણીવાર આપણે હોટલ કે બેન્ક્વેટ હોલમાં કોઈ ફંક્શન માટે પેમેન્ટ કરતા હોઈએ છીએ. પહેલા 50,000 થી વધુના કેશ પેમેન્ટ પર પાન કાર્ડ માંગવામાં આવતું હતું. હવે ડ્રાફ્ટ નિયમોમાં આ લિમિટ વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. એટલે કે ફેમિલી ડિનર કે નાની પાર્ટી માટે કેશ પેમેન્ટ કરવું હવે સરળ બનશે.
વિદેશ પ્રવાસ અને ઇવેન્ટ્સ માટે શું બદલાયું?
વિદેશ પ્રવાસ: ફોરેન કરન્સી ખરીદવી હોય કે વિદેશ પ્રવાસનું પેકેજ લેવું હોય, પહેલા 50,000 થી વધુના કેશ પેમેન્ટ પર પાન કાર્ડ જોઈતું હતું. હવે આ લિમિટ વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવી છે. ફેમિલી સાથે નાની ટ્રીપ પર જનારાઓને આનાથી ફાયદો થશે.
ઇવેન્ટ મેનેજમેન્ટ: લગ્ન પ્રસંગે કે અન્ય કોઈ ઇવેન્ટ માટે કોન્ટ્રાક્ટ આપતી વખતે કેશ પેમેન્ટની લિમિટ પણ 50,000 થી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.
ઇન્સ્યોરન્સમાં નિયમ કડક બન્યો
બીજી તરફ, ઇન્સ્યોરન્સ ક્ષેત્રે નિયમો થોડા કડક બનાવવામાં આવ્યા છે. પહેલા વર્ષે 50,000 થી વધુ પ્રીમિયમ હોય તો જ પાન કાર્ડ જોઈતું હતું. હવે નવા નિયમ મુજબ, વીમા કંપની સાથે કોઈપણ એકાઉન્ટ આધારિત સંબંધ (Account-based relationship) શરૂ કરતા પહેલા જ પાન કાર્ડ આપવું ફરજિયાત બનશે. આનાથી પોલિસી ધારકોની વિગતોમાં વધુ પારદર્શિતા આવશે.
આ તમામ ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સામાન્ય માણસને નાના વ્યવહારોમાં થતી હેરાનગતિ ઓછી થાય અને મોટા પાયે થતા રોકડ વ્યવહારો પર સરકારની પકડ મજબૂત બને.