હવે રિકવરી એજન્ટોની દાદાગીરી નહીં ચાલે! RBIએ જાહેર કર્યા કડક નિયમો, લોન લેનારાઓને મળશે મોટી રાહત | Moneycontrol Gujarati
Get App

હવે રિકવરી એજન્ટોની દાદાગીરી નહીં ચાલે! RBIએ જાહેર કર્યા કડક નિયમો, લોન લેનારાઓને મળશે મોટી રાહત

RBI New Rules: જો તમે લોન લીધી છે તો આ સમાચાર તમારા માટે રાહતના છે. RBIએ રિકવરી એજન્ટો માટે નવા અને કડક નિયમો જાહેર કર્યા છે. હવે એજન્ટો મનફાવે ત્યારે ફોન કે ગેરવર્તન કરી શકશે નહીં. જાણો તમારા અધિકારો વિશે.

અપડેટેડ 01:01:28 PM Feb 13, 2026 પર
Story continues below Advertisement
RBI New Rules: જો તમે લોન લીધી છે તો આ સમાચાર તમારા માટે રાહતના છે.

RBI New Rules: જો તમે કોઈ બેંક કે સંસ્થા પાસેથી લોન લીધી હોય અને તેના હપ્તા ભરવામાં મોડું થાય તો ઘણીવાર રિકવરી એજન્ટોના ત્રાસનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સામાન્ય માણસની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લોન રિકવરી પ્રક્રિયાને લઈને RBI એ નવા નિયમો જાહેર કર્યા છે, જેના કારણે હવે એજન્ટોની મનમાની અને ગેરવર્તણૂક પર બ્રેક લાગશે.

આ નવા નિયમો તમામ કોમર્શિયલ બેંકો, ગ્રામીણ બેંકો, સહકારી બેંકો અને NBFC (નોન-બેંકિંગ ફાયનાન્શિયલ કંપનીઓ) ને લાગુ પડશે. ચાલો સાદી અને સરળ ભાષામાં સમજીએ કે આ નવા નિયમો શું છે અને તેનાથી તમને શું ફાયદો થશે.

બેંકોએ બનાવવી પડશે સ્પષ્ટ નીતિ

RBIએ તમામ નાણાકીય સંસ્થાઓને આદેશ આપ્યો છે કે તેમણે રિકવરી એજન્ટોની નિમણૂક માટે એક સ્પષ્ટ નીતિ બનાવવી પડશે. બેંકોએ હવે એજન્ટોની ભરતી કરતી વખતે તેમની યોગ્યતા અને આચારસંહિતાનું ધ્યાન રાખવું પડશે. એટલું જ નહીં, ગ્રાહકો છેતરાય નહીં તે માટે બેંકોએ પોતાની વેબસાઇટ અને દરેક શાખા પર અધિકૃત રિકવરી એજન્ટોનું લિસ્ટ જાહેર કરવું પડશે.

ગ્રાહક ફરિયાદ કરે તો રિકવરી અટકશે


આ નિયમોમાં સૌથી મોટી રાહત એ છે કે જો કોઈ ગ્રાહક રિકવરી એજન્ટ કે પ્રક્રિયા સામે ફરિયાદ નોંધાવે, તો જ્યાં સુધી તે ફરિયાદનું નિરાકરણ ન આવે ત્યાં સુધી બેંકે રિકવરીની પ્રક્રિયા અટકાવી દેવી પડશે. હા, જો તપાસમાં ગ્રાહકની ફરિયાદ ખોટી સાબિત થાય તો જ પ્રક્રિયા આગળ વધશે. આનો અર્થ એ થયો કે હવે ગ્રાહકનું સાંભળવામાં આવશે.

રિકવરી એજન્ટો માટે કડક લાયકાત

હવે ગમે તે વ્યક્તિ ઉઠીને રિકવરી એજન્ટ બની શકશે નહીં. એજન્ટ પાસે ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ બૅંકિંગ ઍન્ડ ફાયનાન્સ’ (IIBF) નું સર્ટિફિકેટ હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે. બેંકે એજન્ટની નિમણૂક કરતા પહેલા તેનું પોલીસ વેરિફિકેશન અને ઓળખની પૂરેપૂરી તપાસ કરવી પડશે. જો કોઈ એજન્ટ નિયમ તોડશે તો બેંકે તેનો કોન્ટ્રાક્ટ રદ કરવો પડશે.

ફોન કરવા અને ઘરે આવવા માટે સમય નક્કી

ઘણીવાર એજન્ટો વહેલી સવારે કે મોડી રાત્રે ફોન કરીને ગ્રાહકોને પરેશાન કરતા હોય છે. હવે તેના પર પ્રતિબંધ મૂકાયો છે. રિકવરી માટે એજન્ટો સવારે 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી જ ગ્રાહકનો સંપર્ક કરી શકશે. જો ગ્રાહક કોઈ ચોક્કસ સમયે ફોન ન કરવા વિનંતી કરે, તો એજન્ટોએ તેનું માન રાખવું પડશે. પરિવારમાં કોઈનું મૃત્યુ થયું હોય, લગ્ન પ્રસંગ હોય કે કોઈ તહેવાર હોય ત્યારે એજન્ટો ગ્રાહકને ફોન કરી શકશે નહીં કે ઘરે જઈ શકશે નહીં.

ધમકી કે ગાળાગાળી પર સંપૂર્ણ પ્રતિબંધ

RBI એ સ્પષ્ટ કર્યું છે કે વસૂલાત માટે માનવીય અભિગમ અપનાવવો પડશે. એજન્ટો ગ્રાહક સાથે ગાળાગાળી, ધમકી કે શારીરિક હિંસા કરી શકશે નહીં. સોશિયલ મીડિયા પર મેસેજ કરીને કે ગ્રાહકના સગા-સંબંધીઓને મેસેજ કરીને બદનામ કરી શકાશે નહીં. ગ્રાહક સાથે ફોન પર થતી તમામ વાતચીતનું રેકોર્ડિંગ કરવું ફરજિયાત છે અને ગ્રાહકને તેની જાણ પણ કરવી પડશે.

ગુપ્તતા અને નોટિસ

હવે અચાનક કોઈ એજન્ટ તમારા ઘરે ટપકી નહીં પડે. રિકવરી એજન્ટને કેસ સોંપતા પહેલા બેંકે ગ્રાહકને લેખિત નોટિસ, SMS કે ઈમેલ દ્વારા જાણ કરવી પડશે કે કયો એજન્ટ આવશે. તેમજ ગ્રાહકની અંગત માહિતીની ગુપ્તતા જાળવવી એ બેંકની જવાબદારી રહેશે.

આમ, RBI ના આ નવા નિયમોથી લોન લેનારા સામાન્ય નાગરિકોને માનસિક ત્રાસમાંથી મુક્તિ મળશે અને બેંકિંગ પ્રક્રિયા વધુ પારદર્શક બનશે.

આ પણ વાંચો- બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન: તારિક રહેમાન બનશે PM, ભારત માટે આ 5 કારણે છે ‘Good News', PM મોદીએ પાઠવી શુભેચ્છા

MoneyControl News

MoneyControl News

First Published: Feb 13, 2026 1:01 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.