Personal Loan: તમારી પર્સનલ લોન વારંવાર કેમ રિજેક્ટ થાય છે? ક્યાંક તમે પણ આ 5 મોટી ભૂલો તો નથી કરી રહ્યા ને! | Moneycontrol Gujarati
Get App

Personal Loan: તમારી પર્સનલ લોન વારંવાર કેમ રિજેક્ટ થાય છે? ક્યાંક તમે પણ આ 5 મોટી ભૂલો તો નથી કરી રહ્યા ને!

Personal Loan Rejection Reasons: સારી સેલેરી હોવા છતાં તમારી પર્સનલ લોન રિજેક્ટ થાય છે? જાણો પર્સનલ લોન રિજેક્ટ થવા પાછળની 5 મોટી ભૂલો અને તેને સુધારવાની સરળ ટિપ્સ જેથી લોન જલ્દી પાસ થાય.

અપડેટેડ 12:17:33 PM Mar 03, 2026 પર
Story continues below Advertisement
Personal Loan Rejection Reasons: સારી સેલેરી હોવા છતાં તમારી પર્સનલ લોન રિજેક્ટ થાય છે?

Personal Loan Rejection Reasons: ઘણીવાર એવું બને છે કે કોઈ મોટી આર્થિક સમસ્યા ન હોવા છતાં, સારી સેલેરી અને સમયસર ટેક્સ ભરવા છતાં લોકોની પર્સનલ લોન (Personal Loan) ની એપ્લિકેશન અટકી જાય છે. જ્યારે લોન રિજેક્ટ થાય ત્યારે લોકોને લાગે છે કે બેંકનો નિર્ણય ખોટો છે.

પરંતુ હકીકત કંઈક અલગ જ હોય છે. બેંક માત્ર એ નથી જોતી કે ‘શું આ વ્યક્તિ EMI ભરી શકશે?', બેંક એ જુએ છે કે 'જો અચાનક જીવનમાં કોઈ મુશ્કેલી આવે, તો શું આ વ્યક્તિ આર્થિક બોજ સંભાળી શકશે?' બેંક સીધી રીતે ભલે કંઈ ન કહે, પણ નીચે આપેલી 5 ભૂલો બેંકને એલર્ટ કરી દે છે અને તમારી લોન રિજેક્ટ થઈ શકે છે.

1. ક્રેડિટ હિસ્ટ્રી અધૂરી કે ખરાબ હોવી

ઘણા લોકોને લાગે છે કે તેમણે ક્યારેય કોઈ લોનમાં ડિફોલ્ટ નથી કર્યું એટલે લોન સરળતાથી મળી જશે. પણ બેંક માત્ર ડિફોલ્ટ ન થવાથી સંતુષ્ટ નથી થતી. જો તમારી ક્રેડિટ હિસ્ટ્રી ખૂબ નાની હોય અથવા તમે ક્યારેય લોન કે ક્રેડિટ કાર્ડ વાપર્યા જ ન હોય, તો બેંકને તમારા પર ભરોસો કરવામાં તકલીફ પડે છે.

બીજી તરફ, જો છેલ્લા કેટલાક મહિનામાં EMI ભરવામાં મોડું થયું હોય, કોઈ લોન ‘Settled' (સેટલ) કરાવેલી હોય, કે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ ચૂક્યા હોવ, તો તે તમારા વર્ષોના સારા રેકોર્ડ પર પાણી ફેરવી શકે છે. બેંકને પરફેક્ટ નહીં, પણ ભરોસાપાત્ર પ્રોફાઈલ જોઈએ છે.


2. સેલેરી સારી છે, પણ હાથ તંગ છે

અહીં જ મોટાભાગના લોકો થાપ ખાઈ જાય છે. બેંક તમારી સેલેરીની રકમ કરતાં એ વધુ જુએ છે કે તેમાંથી કેટલા રૂપિયા પહેલેથી જ અન્ય ખર્ચાઓમાં બંધાયેલા છે. જો તમારી આવકનો મોટો હિસ્સો હોમ લોન, કારની EMI, સ્કૂલ ફી કે નાના-મોટા ઓનલાઈન હપ્તા ભરવામાં જતો રહેતો હોય, તો નવી EMI તમારા માટે વધારાનો બોજ બની શકે છે. બેંક માટે તમારી સેલેરી કરતાં એ જાણવું વધુ જરૂરી છે કે દર મહિને તમારા હાથમાં કેટલા રૂપિયા બચે છે.

3. ક્રેડિટ કાર્ડનો વધુ પડતો ઉપયોગ

ભલે તમે ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ભરતા હોવ, પણ જો તમે દર મહિને કાર્ડની લિમિટ પૂરેપૂરી વાપરી નાખતા હોવ (High Credit Utilization), તો તે ખતરાની ઘંટી છે. બેંકને લાગે છે કે તમારા ખર્ચા તમારી આવક જેટલા જ છે. બેંકને એ ડર રહે છે કે મુશ્કેલ સમયમાં તમે પહેલા ક્રેડિટ કાર્ડનું બિલ ભરશો અને પર્સનલ લોનની EMI પર તેની અસર પડશે. એટલે લિમિટમાં રહીને કાર્ડ વાપરવું વધુ હિતાવહ છે.

4. નોકરી કે આવકમાં વારંવાર બદલાવ

પર્સનલ લોનમાં તમારે કંઈ ગીરવે મૂકવાનું હોતું નથી, તેથી બેંક માત્ર તમારી ભવિષ્યની આવક પર ભરોસો કરે છે. જો તમે હાલમાં જ નોકરી બદલી હોય, વારંવાર નોકરીઓ બદલતા હોવ, નોકરીમાં લાંબો બ્રેક લીધો હોય કે હજુ પ્રોબેશન પિરિયડમાં હોવ, તો બેંક લોન આપતા ખચકાય છે. આવું જ ફ્રીલાન્સર કે બિઝનેસમેન માટે પણ થાય છે જેમની આવક દર મહિને સમાન નથી હોતી. બેંક માટે ચમકદાર પણ અસ્થિર પ્રોફાઈલ કરતાં, સાધારણ પણ સ્થિર પ્રોફાઈલ વધુ મજબૂત માનવામાં આવે છે.

5. એકસાથે અનેક જગ્યાએ લોન માટે એપ્લાય કરવું

આ એક એવી ભૂલ છે જે લોકો અજાણતા કરે છે. જ્યારે એક જગ્યાએ લોન રિજેક્ટ થાય, ત્યારે લોકો તરત જ બીજી 4 થી 5 બેંકોમાં એપ્લાય કરી દે છે. લોકોને લાગે છે કે ક્યાંકથી તો લોન મળી જ જશે. પણ દરેક નવી એપ્લિકેશનનો રેકોર્ડ રહે છે. બેંક આ જોઈને સમજી જાય છે કે તમને પૈસાની ખૂબ જ તાતી જરૂરિયાત છે, જેનાથી તમારો ક્રેડિટ સ્કોર અને ભરોસો બંને ઘટે છે.

બેંક ખરેખર શું જુએ છે?

પર્સનલ લોન એ તમારી સેલેરીનો નહીં, પણ તમારી આર્થિક દબાણ સહન કરવાની ક્ષમતાનો ટેસ્ટ છે. જો તમારી લોન પાસ નથી થઈ રહી, તો ઉકેલ ખૂબ જ સરળ છે. તમારા ક્રેડિટ કાર્ડનું બેલેન્સ ઘટાડો, મહિનાના બાંધેલા ખર્ચા ઓછા કરો, નોકરીમાં સ્થિરતા જાળવો અને વારંવાર એપ્લાય કરવાને બદલે થોડો સમય રાહ જુઓ. એક શાંત અને સંતુલિત આર્થિક પ્રોફાઈલ બેંકને હંમેશા પસંદ આવે છે અને તેમાં લોન મળવાના ચાન્સ સૌથી વધુ હોય છે.

આ પણ વાંચો- સોનાના ભાવમાં મોટો ઉછાળો: મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે ગોલ્ડ રેટ આસમાને, 4 દિવસમાં 3%નો વધારો

MoneyControl News

MoneyControl News

First Published: Mar 03, 2026 12:17 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.