PM Surya Ghar Yojana: ગુજરાતમાં હવે માત્ર 5,400માં ઘરની છત પર લાગશે સોલાર પેનલ, ભૂપેન્દ્ર પટેલ સરકારે જાહેર કરી વધારાની સબસિડી
ગુજરાત સરકારે પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ 1,000 કરોડની વધારાની સબસિડી જાહેર કરી છે. હવે માત્ર 2,700 થી 5,400 માં સોલાર પેનલ લગાવી શકાશે. જાણો સંપૂર્ણ વિગત.
ન્યૂઝ એજન્સી PTI ના અહેવાલ મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણય બાદ ઘરોમાં સોલાર પેનલ લગાવવાનો ખર્ચમાં મોટો ઘટાડો થયો છે.
PM Surya Ghar Yojana: ગુજરાત સરકારે રાજ્યના સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકોને મોટી રાહત આપતા 'પીએમ સૂર્ય ઘર યોજના' હેઠળ વધારાની સબસિડી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજના માટે 1,000 કરોડ રૂપિયાની વધારાની સહાયની જાહેરાત કરી છે. સરકારના આ પગલાથી હવે ઘરની છત પર સોલાર પેનલ લગાવવાનું પહેલા કરતાં ઘણું સસ્તું થઈ જશે અને રાજ્યના 3 લાખથી વધુ પરિવારોને તેનો સીધો લાભ મળવાની આશા છે.
સોલાર રૂફટોપ લગાવવામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર
સોલાર રૂફટોપ પેનલ લગાવવાના મામલે ગુજરાત પહેલાંથી જ દેશના અગ્રણી રાજ્યોમાં સામેલ છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 14 લાખથી વધુ ઘરોની છત પર સોલાર પેનલ લગાવવામાં આવી ચૂકી છે.તેમાંથી 8.5 લાખથી વધુ પરિવારોએ 'પીએમ સૂર્ય ઘર યોજના' હેઠળ આ સુવિધાનો લાભ લીધો છે.હવે રાજ્ય સરકાર તરફથી મળનારી વધારાની સબસિડીથી આ યોજનાને વધુ વેગ મળશે. ખાસ કરીને 2 કિલોવોટની સોલાર પેનલની સુવિધાથી મધ્યમ વર્ગના પરિવારોને સૌથી વધુ ફાયદો થશે. જે ઘરોમાં દર મહિને અંદાજે 200 થી 350 યુનિટ વીજળી વપરાય છે, તેમના માટે આ યોજના ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
માત્ર 2,700 થી 5,400 માં લાગશે સોલાર પેનલ: જાણો કેટલો ઘટ્યો ખર્ચ?
ન્યૂઝ એજન્સી PTI ના અહેવાલ મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણય બાદ ઘરોમાં સોલાર પેનલ લગાવવાનો ખર્ચમાં મોટો ઘટાડો થયો છે.
અગાઉનો ખર્ચ: પહેલાં 1 કિલોવોટ (1 kW) ની સોલાર પેનલ લગાવવા માટે લોકોએ 21,600 રૂપિયા ચૂકવવા પડતા હતા.
સામાન્ય વર્ગ માટે નવો ખર્ચ: સરકારની વધારાની સબસિડી બાદ હવે સામાન્ય વર્ગના લોકોએ માત્ર 5,400 રૂપિયા જ આપવા પડશે.
SC/ST વર્ગ માટે નવો ખર્ચ: અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC/ST) વર્ગના લોકોએ માત્ર 2,700 રૂપિયા જ ચૂકવવાના રહેશે.
વીજ બિલ થશે શૂન્ય (0): સોલાર પેનલ લગાવવાથી પરિવારોને દર મહિને 2,000 થી 2,500 રૂપિયા સુધીની બચત થઈ શકે છે. આ ઉપરાંત, દર મહિને આવતું 4,000 થી 5,000 રૂપિયાનું વીજળીનું બિલ પણ શૂન્ય (0) થઈ શકે છે.
સરળ પ્રક્રિયા અને સીધા બેંક ખાતામાં જમા થાય છે સબસિડી
આ યોજનાનો લાભ લેનાર એક લાભાર્થીએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે, તેમને સરકાર તરફથી મળતી 78,000 રૂપિયાની સબસિડી ખૂબ જ સરળતાથી મળી ગઈ હતી. તેના માટેની કાગળિયાની પ્રક્રિયા પણ એકદમ સરળ હતી અને સબસિડીની રકમ સીધી જ તેમના બેંક ખાતામાં જમા થઈ ગઈ હતી.
ઓછા ખર્ચમાં વધુ બચત અને સ્વચ્છ વીજળી પૂરી પાડવાની દિશામાં ગુજરાત સરકારની આ પહેલ એક મોટું કદમ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય વધુમાં વધુ ઘરોને સૌર ઊર્જા સાથે જોડવાનો, સામાન્ય જનતાનું વીજળીનું બિલ ઘટાડવાનો અને લોકોને વીજળીના મામલે આત્મનિર્ભર બનાવવાનો છે.