PMAY 2.0: ઘર ખરીદવાનું સપનું થશે પૂરું, સરકાર આપી રહી છે 1.80 લાખની સબસિડી, જાણો અરજીની રીત
PMAY 2.0 Benefits: શું તમે તમારું પહેલું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? PMAY 2.0 યોજના હેઠળ સરકાર 1.80 લાખ સુધીની વ્યાજ સબસિડી આપી રહી છે. જાણો પાત્રતા, ટેક્સ લાભો અને અરજી કરવાની છેલ્લી તારીખ વિશે.
PMAY 2.0 Benefits: શું તમે તમારું પહેલું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? PMAY 2.0 યોજના હેઠળ સરકાર 1.80 લાખ સુધીની વ્યાજ સબસિડી આપી રહી છે.
PMAY 2.0 Benefits: આજના મોંઘવારીના સમયમાં પોતાના ઘરનું સપનું પૂરું કરવું દરેક સામાન્ય માણસ માટે એક મોટો પડકાર છે. પ્રોપર્ટીના આસમાને પહોંચેલા ભાવ અને લોનના ઊંચા વ્યાજદર બજેટ ખોરવી નાખે છે. પરંતુ, જો તમે પહેલીવાર ઘર ખરીદી રહ્યા છો, તો તમારા માટે રાહતના સમાચાર છે.
સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) 2.0 દ્વારા ઘર ખરીદનારાઓને મોટી ભેટ આપી છે. આ યોજનામાં વ્યાજ સબસિડી, ટેક્સમાં છૂટ અને લોનના સરળ વિકલ્પોને કારણે હવે EMI નો બોજ ઘણો હળવો થઈ જશે. ચાલો જાણીએ આ યોજનાનો લાભ તમે કેવી રીતે ઉઠાવી શકો છો.
PMAY 2.0થી મળશે સીધી આર્થિક રાહત
સરકારી મદદનો સૌથી મોટો આધાર સ્તંભ PMAY 2.0 છે. આ યોજના ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ લોન લઈને ઘર ખરીદવા માંગે છે. આ સ્કીમ હેઠળ, જો તમે પાત્રતા ધરાવો છો, તો તમને 25 લાખ સુધીની લોન પર વધુમાં વધુ 1.80 લાખની વ્યાજ સબસિડી મળી શકે છે.
સૌથી સારી વાત એ છે કે આ સબસિડી 5 વર્ષના સમયગાળામાં વાર્ષિક હપ્તાના રૂપમાં સીધી તમારા લોન એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. જેના કારણે તમારી લોનની મૂળ રકમ (Principal Amount) ઘટી જાય છે અને તેની સીધી અસર તમારી EMI પર પડે છે, એટલે કે હપ્તો આપોઆપ નાનો થઈ જાય છે.
કોને મળશે આ યોજનાનો લાભ?
PMAY 2.0 ને અલગ-અલગ આવક જૂથોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવી છે, જેથી દરેક વર્ગના લોકો તેનો લાભ લઈ શકે, EWS (આર્થિક રીતે નબળા વર્ગ): જેમની વાર્ષિક આવક 3 લાખ સુધી છે. LIG (ઓછી આવક ધરાવતું જૂથ): જેમની વાર્ષિક આવક 3 લાખથી 6 લાખ ની વચ્ચે છે. MIG (મધ્યમ આવક જૂથ): જેમની વાર્ષિક આવક 6 લાખથી 9 લાખ સુધી છે. જો તમારી આવક આ મર્યાદામાં આવે છે અને તમે અન્ય શરતો પૂરી કરો છો, તો તમે આ યોજના માટે અરજી કરી શકો છો.
ટેક્સમાં છૂટથી લોન થશે સસ્તી
માત્ર સબસિડી જ નહીં, પણ ટેક્સમાં મળતા લાભો પણ હોમ લોનને સસ્તી બનાવે છે. ઈન્કમ ટેક્સ એક્ટ હેઠળ ઘર ખરીદનારાઓને બે પ્રકારના ફાયદા મળે છે:
સેક્શન 24(b): હોમ લોનના વ્યાજ પર વાર્ષિક 2 લાખ સુધીનું ટેક્સ ડિડક્શન મળી શકે છે.
સેક્શન 80C: લોનની મૂળ રકમ (Principal Amount) ની ચુકવણી પર 1.5 લાખ સુધીની છૂટ મળે છે.
આ બંને લાભો ભેગા મળીને લાંબા ગાળે તમારી લોનનો ખર્ચ ખાસ્સો ઘટાડી દે છે.
બેંકો દ્વારા મળતી વિશેષ સુવિધાઓ
સરકાર ઉપરાંત બેંકો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પણ ફર્સ્ટ-ટાઈમ હોમ બાયર્સ (પ્રથમ વખત ઘર ખરીદનારા) માટે આકર્ષક સ્કીમો લાવી રહી છે:
સ્ટેપ-અપ લોન: જેમાં શરૂઆતમાં EMI ઓછી હોય છે અને જેમ તમારી આવક વધે તેમ EMI વધે છે.
લાંબી મુદત: હવે 30 વર્ષ સુધીની લોન સરળતાથી મળે છે, જેથી માસિક હપ્તો નાનો આવે.
મહિલાઓ માટે છૂટ: જો લોન મહિલાના નામે હોય તો વ્યાજદરમાં વધારાની રાહત આપવામાં આવે છે.
PMAY-U 2.0 શું છે અને તેનો લક્ષ્યાંક
પ્રધાનમંત્રી આવાસ યોજના-અર્બન (PMAY-U) 2.0 નો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિસ્તારોમાં 'સૌ માટે આવાસ' પૂરો પાડવાનો છે. આ યોજના એપ્રિલ 2022 માં શરૂ થઈ હતી અને ડિસેમ્બર 2025 સુધી અમલમાં રહેશે.
આ યોજનામાં વિધવાઓ, એકલ મહિલાઓ, સિનિયર સિટિઝન્સ, દિવ્યાંગો, SC/ST અને લઘુમતી સમુદાયોને ખાસ પ્રાથમિકતા આપવામાં આવી છે. આ ઉપરાંત, ઘર બનાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી 2.50 લાખ સુધીની આર્થિક મદદ (AHP અને BLC હેઠળ) પણ મળે છે.
અરજી કેવી રીતે કરવી અને છેલ્લી તારીખ
જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો, તો તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો:
ઓનલાઈન: સત્તાવાર વેબસાઈટ pmaymis.gov.in પર જઈને અરજી કરી શકાય છે.
ઓફલાઈન: માન્યતા પ્રાપ્ત બેંકો અથવા હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓનો સંપર્ક કરી શકો છો.
જરૂરી દસ્તાવેજો: આધાર કાર્ડ, આવકનો પુરાવો, સરનામાનો પુરાવો અને એક ઘોષણા પત્ર કે તમારા નામે ભારતમાં બીજે ક્યાંય પાકું ઘર નથી.
ખાસ નોંધો કે આ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. તો રાહ જોયા વગર આજે જ તમારી પાત્રતા તપાસો અને ઘરના સપનાને હકીકતમાં બદલો.