10 અને 20ની પ્લાસ્ટિકની નોટો પર RBIનું મોટું અપડેટ! આ તારીખથી તમારા હાથમાં આવશે નવી ચલણી નોટો, જાણો તેની ખાસિયતો
RBI Polymer Banknotes: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ટૂંક સમયમાં 10 અને 20 ની પ્લાસ્ટિકની નોટો બજારમાં મૂકશે. જાણો કઈ તારીખથી મળશે આ નવી નોટો અને જૂની નોટોનું શું થશે.
1 એપ્રિલ 2027થી તમારા હાથમાં 10 અને 20 ની નવી કડકડતી પ્લાસ્ટિકની નોટો આવી જશે.
RBI Polymer Banknotes: દુનિયાના અલગ-અલગ દેશોની રંગબેરંગી, ચમકતી અને પ્લાસ્ટિકની ચલણી નોટો જોઈને આપણને હંમેશા કુતૂહલ થતું હોય છે. હવે ભારતમાં પણ ભારતીય રિઝર્વ બેંક (RBI) કંઈક આવું જ કરવા જઈ રહી છે. દેશમાં 10 અને 20ની નવી પોલિમર (પ્લાસ્ટિક) નોટોના પાયલટ પ્રોજેક્ટને લોન્ચ કરવાની ફાઈનલ તારીખ નક્કી થઈ ગઈ છે. સૌથી મોટી અને રાહતની વાત એ છે કે RBI એ આ નવી નોટોની સાઈઝમાં કોઈ જ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે.
આગામી નાણાકીય વર્ષની શરૂઆતથી એટલે કે 1 એપ્રિલ 2027 થી તમારા હાથમાં 10 અને 20 ની નવી કડકડતી પ્લાસ્ટિકની નોટો આવી જશે. નોટોની સાઈઝ હાલની કાગળની નોટો જેવી જ રાખવામાં આવી હોવાથી, બેંકોને દેશભરના ATM મશીનોમાં ફેરફાર (Re-configuration) કરવાના તોતિંગ ખર્ચમાંથી મોટી મુક્તિ મળશે.
શા માટે લાવવામાં આવી રહી છે પ્લાસ્ટિકની નોટો? જાણો 5 મોટા કારણો
1. 30 વર્ષ સુધી ટકી રહેવાની ક્ષમતા: RBI ના ગવર્નર સંજય મલ્હોત્રાના જણાવ્યા મુજબ, દુનિયાના ઘણા દેશોમાં પોલિમર નોટો 30 વર્ષથી પણ વધુ સમય સુધી ખરાબ થયા વિના ચાલી છે. ભારતમાં 10 અને 20 જેવી નાની નોટોનો ઉપયોગ અને લેવડ-દેવડ સૌથી વધુ થાય છે, જેના કારણે કાગળની નોટો જલ્દી ફાટી જાય છે અથવા ગળી જાય છે. પ્લાસ્ટિકની નોટો આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે.
2. 200 કરોડ નોટોનું થશે ફિલ્ડ ટ્રાયલ: આરબીઆઈની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની BRBNMPL એ આ પ્રોજેક્ટ માટે ગ્લોબલ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EoI) જારી કર્યું છે. આ ટ્રાયલ હેઠળ 10 અને 20 ની 1-1 અબજ એટલે કે કુલ 200 કરોડ પોલિમર નોટો બજારમાં ઉતારવામાં આવશે.
3. કાગળની જૂની નોટો બંધ નહીં થાય: સરકારે સ્પષ્ટતા કરી છે કે આ માત્ર એક 'ફિલ્ડ ટ્રાયલ' છે. બજારમાં પ્લાસ્ટિકની નવી નોટો આવ્યા પછી પણ હાલની કાગળની નોટો બંધ કરવામાં આવશે નહીં. કાગળ અને પ્લાસ્ટિક એમ બંને પ્રકારની નોટો એકસાથે ચલણમાં ચાલુ રહેશે.
4. મોટી નોટો પ્લાસ્ટિકમાં નહીં આવે: RBI એ સ્પષ્ટ કર્યું છે કે હાલ પૂરતું 100, 200 કે 500 જેવી મોટી ચલણી નોટોને પ્લાસ્ટિક (પોલિમર) સ્વરૂપમાં લાવવાની કોઈ જ યોજના નથી.
5. 1,000ની નવી નોટની વાત સંપૂર્ણ અફવા: તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવી ખબરો વાયરલ થઈ હતી કે સરકાર 1,000 ની નવી પોલિમર નોટ લાવી રહી છે. જોકે, PIB ફેક્ટ ચેકે આ દાવાને સંપૂર્ણપણે ખોટો અને 'ફેક' ગણાવીને રદિયો આપ્યો છે.
બેંકોના કરોડો રૂપિયા બચી જશે
એક સરકારી બેંકના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, "હાલની નોટોની સાઈઝ જાળવી રાખવાના નિર્ણયથી બેંકોને ATM મશીનોના રી-કોન્ફિગરેશન પાછળ થતા કરોડો રૂપિયાના મૂડી ખર્ચ માંથી બચવામાં મદદ મળશે. શરૂઆતમાં આ માત્ર નાની નોટો માટેનો એક પાયલટ પ્રોજેક્ટ હોવાથી, આ નિર્ણયથી થનારી બચત બેંકિંગ સેક્ટર માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે."