LTCG ટેક્સ પર મળી શકે છે મોટી ખુશખબરી! 3 વર્ષ બાદ શેર વેચવા પર નહીં લાગે એક પણ રૂપિયો ટેક્સ? SBIના રિપોર્ટથી રાહતના સંકેત
LTCG Tax Relief: શેરબજારના રોકાણકારો માટે મોટા સમાચાર. SBI રિસર્ચે 3 વર્ષથી વધુ સમયના શેર રોકાણ પર LTCG ટેક્સ સંપૂર્ણ નાબૂદ કરવાની અને છૂટની મર્યાદા 2 લાખ કરવાની ભલામણ કરી છે.
SBI રિસર્ચે આંકડા ટાંકીને સમજાવ્યું છે કે નાણાકીય વર્ષ 2025 (FY25)માં સરકારનું LTCG ટેક્સ કલેક્શન વધીને 1.3 લાખ કરોડ રહ્યું હતું, જેનું મુખ્ય કારણ તેના આગળના વર્ષમાં શેરબજારમાં મળેલું 30% નું જબરદસ્ત રિટર્ન હતું. પરંતુ હવે બજારની પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે.
LTCG Tax Relief: ભારતીય શેરબજારના રોકાણકારોને ટૂંક સમયમાં જ ટેક્સના મોરચે મોટી રાહત મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. તાજેતરમાં જ માર્કેટ રેગ્યુલેટર સેબી એ બજારમાં ફરીથી તેજી અને હરિયાળી લાવવા માટે એક મોટો પ્રસ્તાવ મૂક્યો હતો, ત્યારે હવે દેશની સૌથી મોટી બેંકની રિસર્ચ વિંગ ‘SBI રિસર્ચ’ એ પણ સરકાર સમક્ષ એક મહત્વપૂર્ણ ભલામણ રજૂ કરી છે.
પોતાના તાજેતરના 'ઇકોરેપ' (Ecowrap) રિપોર્ટમાં SBI રિસર્ચે સૂચન કર્યું છે કે સરકાર રાજકોષીય ખાધના લક્ષ્યાંકોને કોઈપણ મોટા નુકસાન પહોંચાડ્યા વિના તમામ શ્રેણીના રોકાણકારો માટે લોન્ગ-ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ (LTCG Tax) નાબૂદ કરી શકે છે. રિપોર્ટ મુજબ, જો આ ટેક્સ હટાવવામાં આવે તો નાણાકીય વર્ષ 2028 (FY28) માં સરકારને અંદાજે 40,000થી 50,000 કરોડની આવકનું નુકસાન થઈ શકે છે. જોકે, આ રકમ દેશના કુલ જીડીપી (GDP) ના માત્ર 0.1 થી 0.2 ટકા જેટલી જ હોવાથી સરકાર તેને સરળતાથી સહન કરી શકે છે.
LTCG ટેક્સ નાબૂદ કરવાની જરૂર કેમ પડી?
SBI રિસર્ચે આંકડા ટાંકીને સમજાવ્યું છે કે નાણાકીય વર્ષ 2025 (FY25)માં સરકારનું LTCG ટેક્સ કલેક્શન વધીને 1.3 લાખ કરોડ રહ્યું હતું, જેનું મુખ્ય કારણ તેના આગળના વર્ષમાં શેરબજારમાં મળેલું 30% નું જબરદસ્ત રિટર્ન હતું. પરંતુ હવે બજારની પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે:
FPIsની ભારે વેચવાલી: છેલ્લા 3 વર્ષમાં નિફ્ટીનું સરેરાશ રિટર્ન માત્ર 0.5% જેટલું જ રહ્યું છે અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ ભારતીય બજારમાંથી અંદાજે 4.8 લાખ કરોડ પાછા ખેંચી લીધા છે.
ટેક્સ કલેક્શનમાં ઘટાડાનો અંદાજ: બજારની નરમાઈને કારણે FY26માં LTCG કલેક્શન 1 લાખ કરોડ અને FY27 માં ઘટીને માત્ર 40,000 થી 50,000 કરોડ પર આવી જવાનો અંદાજ છે. આ સ્થિતિમાં જો સરકાર આ ટેક્સ સંપૂર્ણ હટાવી દે છે, તો સરકારી તિજોરી પર તેની અસર ખૂબ જ મર્યાદિત રહેશે અને સામે વિદેશી મૂડીને ફરીથી ભારતમાં આકર્ષિત કરી શકાશે.
SBI રિસર્ચના 5 સૌથી મોટા સૂચનો
શેરબજાર અને રોકાણકારોના હિતમાં SBI રિસર્ચ દ્વારા સરકારને નીચે મુજબના 5 મુખ્ય સૂચનો કરવામાં આવ્યા છે:
1. 3 વર્ષ બાદ ઝીરો ટેક્સ: 1 થી 2 વર્ષના સમયગાળાવાળા રોકાણ પર હાલનો 12.5% ટેક્સ ચાલુ રાખવામાં આવે. પરંતુ 2 થી 3 વર્ષના હોલ્ડિંગ પિરિયડ પરના નફા પર માત્ર 5% ટેક્સ લાગે અને 3 વર્ષથી વધુ સમય સુધી હોલ્ડ કરવામાં આવેલા રોકાણ પર LTCG ટેક્સ શૂન્ય (0%) કરી દેવો જોઈએ.
2. ટેક્સ છૂટની મર્યાદા 2 લાખ કરવી: સામાન્ય રિટેલ રોકાણકારોને રાહત આપવા માટે વાર્ષિક LTCG ટેક્સ છૂટની મર્યાદા હાલના 1.25 લાખથી વધારીને 2 લાખ કરવી જોઈએ અને ભવિષ્યમાં તેને મોંઘવારીના દર સાથે જોડવી જોઈએ.
3. STTમાં 50%નો વધારો: LTCG ટેક્સ ખતમ કરવાથી સરકારને જે આવકની ખોટ જાય, તેની ભરપાઈ કરવા માટે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સમાં 50%નો વધારો કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ પગલાંથી FY28માં સરકારને અંદાજે 45,000 કરોડની વધારાની આવક મળી શકે છે.
4. મ્યુચ્યુઅલ ફંડમાં રી-ઇન્વેસ્ટમેન્ટ પર છૂટ: મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડવા પર લાગતા LTCG ટેક્સમાં રાહત આપવી જોઈએ, જો રોકાણકાર તે ઉપાડેલી રકમને 90 દિવસની અંદર ફરીથી કોઈ માન્ય ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકી દે.
5. વિદેશી રોકાણને પ્રોત્સાહન: ઉલ્લેખનીય છે કે, SBI રિસર્ચે સૌથી પહેલા 12 ઓક્ટોબરના પોતાના રિપોર્ટમાં LTCG ટેક્સ હટાવવાનું સૂચન કર્યું હતું, જેથી વિદેશી રોકાણકારો (FPI)ની સતત ચાલી રહેલી વેચવાલીને રોકી શકાય અને ભારતીય શેરોમાં વૈશ્વિક રોકાણકારોનો રસ ફરીથી વધારી શકાય.
(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે. શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે પૈસા રોકતા પહેલા હંમેશા તમારા ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ અવશ્ય લો.)