સરકાર દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ આ બોન્ડના વ્યાજ દરોની સમીક્ષા કરે છે અને તેને અપડેટ કરે છે. સૌથી ખાસ વાત એ છે કે આ બોન્ડ પર મળતું વ્યાજ દર 6 મહિને એટલે કે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ સીધું જ રોકાણકારના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવે છે.
RBI Floating Rate Savings Bonds: આ દિવાળીએ જો તમે એવી કોઈ રોકાણ સ્કીમ શોધી રહ્યા છો જેમાં જરાય જોખમ ન હોય અને બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ કરતા પણ સારું વળતર મળે, તો ભારતીય રિઝર્વ બેંકના ‘ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સ' (FRSB) તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. ભારત સરકાર વતી ખુદ RBI આ બોન્ડ બહાર પાડે છે, તેથી તેમાં તમારા પૈસા 100% સુરક્ષિત રહે છે અને પૈસા ડૂબવાનું જોખમ શૂન્ય હોય છે. ચાલો જાણીએ કે આરબીઆઈના આ ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સ શું છે, તેના પર કેટલું વ્યાજ મળે છે, રોકાણના નિયમો શું છે અને 5,00,000ના રોકાણ પર તમને કેટલો નફો મળશે.
FRSBમાં કેટલો વ્યાજ દર મળે છે?
આ બોન્ડમાં વ્યાજ દર ફિક્સ હોતો નથી, પરંતુ ફ્લોટિંગ એટલે કે સમયાંતરે બદલાતો રહે છે. તેનો વ્યાજ દર સરકારની નાની બચત યોજના ‘નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ' (NSC)ના વ્યાજ દર સાથે જોડાયેલો છે. નિયમ મુજબ, NSC પર જે વ્યાજ મળતું હોય, તેના કરતા FRSB પર હંમેશા 0.35% વધુ વ્યાજ આપવામાં આવે છે.
સરકાર દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ આ બોન્ડના વ્યાજ દરોની સમીક્ષા કરે છે અને તેને અપડેટ કરે છે. સૌથી ખાસ વાત એ છે કે આ બોન્ડ પર મળતું વ્યાજ દર 6 મહિને એટલે કે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ સીધું જ રોકાણકારના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવે છે.
કોણ રોકાણ કરી શકે અને કેટલી છે મર્યાદા?
ભારતનો કોઈપણ નાગરિક અને હિન્દુ અવિભાજિત પરિવાર આ બોન્ડમાં રોકાણ કરી શકે છે. જોકે, બિન-નિવાસી ભારતીયો (NRI) આ બોન્ડમાં રોકાણ કરવા માટે પાત્ર નથી. આ યોજનામાં ઓછામાં ઓછા 1,000 થી રોકાણની શરૂઆત કરી શકાય છે, જ્યારે મહત્તમ રોકાણની કોઈ જ મર્યાદા નથી. તમે ઈચ્છો તેટલા પૈસા તેમાં રોકી શકો છો.
લોક-ઇન પિરિયડ અને સમય પહેલા પૈસા ઉપાડવાના નિયમો
RBIના આ બોન્ડનો પાકતી મુદતનો સમયગાળો 7 વર્ષનો હોય છે. એટલે કે સામાન્ય સંજોગોમાં તમારા પૈસા 7 વર્ષ માટે લોક રહે છે. જોકે, સિનિયર સિટીઝન્સ ને તેમની ઉંમરના હિસાબે સમય કરતા પહેલા પૈસા ઉપાડવાની (Premature Withdrawal) વિશેષ રાહત આપવામાં આવી છે:
60 થી 70 વર્ષની ઉંમરના લોકો: ઓછામાં ઓછા 6 વર્ષના લોક-ઇન સમયગાળા પછી પૈસા ઉપાડી શકે છે.
70 થી 80 વર્ષની ઉંમરના લોકો: ઓછામાં ઓછા 5 વર્ષના લોક-ઇન સમયગાળા પછી પૈસા ઉપાડી શકે છે.
80 વર્ષથી વધુ ઉંમરના લોકો: માત્ર 4 વર્ષના લઘુત્તમ લોક-ઇન સમયગાળા પછી પોતાના પૈસા ઉપાડી શકે છે.
ટેક્સ અને બોન્ડ ટ્રાન્સફર કરવાના નિયમો
FRSBમાંથી મળતું વ્યાજ સંપૂર્ણપણે ટેક્સને પાત્ર હોય છે. આ વ્યાજ તમારી વાર્ષિક આવકમાં ઉમેરાય છે અને તમારા ઇન્કમ ટેક્સ સ્લેબના હિસાબે તેના પર ટેક્સ લાગે છે. જો એક નાણાકીય વર્ષમાં મળતું કુલ વ્યાજ 10,000 કરતા વધી જાય, તો તેના પર TDS કાપવામાં આવે છે.
આ બોન્ડ્સને શેરબજાર કે સેકન્ડરી માર્કેટમાં ખરીદી કે વેચી શકાતા નથી. આ ઉપરાંત, આ બોન્ડને બેંક કે NBFC પાસે ગિરવે (Mortgage) મૂકીને તેના પર લોન પણ લઈ શકાતી નથી. માત્ર રોકાણકારના મૃત્યુના કિસ્સામાં જ આ બોન્ડ તેમના નોમિની (વારસદાર) ના નામે ટ્રાન્સફર થઈ શકે છે.
FRSB માં રોકાણ કેવી રીતે કરવું?
તમે નીચે મુજબના બે રસ્તે ખૂબ જ સરળતાથી RBI ના આ બોન્ડમાં રોકાણ કરી શકો છો:
RBI રિટેલ ડાયરેક્ટ પોર્ટલ: તમે આરબીઆઈના સત્તાવાર પોર્ટલ rbiretaildirect.org.in પર જઈને તમારું 'રિટેલ ડાયરેક્ટ ગિલ્ટ' (RDG) એકાઉન્ટ ખોલાવી શકો છો અને કોઈપણ કમિશન વિના સીધા જ ડિજિટલ રીતે બોન્ડ ખરીદી શકો છો.
બેંકો મારફતે: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, ICICI બેંક, HDFC બેંક અને એક્સિસ બેંક જેવી મુખ્ય સરકારી અને ખાનગી બેંકોની શાખામાં જઈને અથવા તેમના નેટ બેંકિંગ દ્વારા પણ આ બોન્ડ માટે અરજી કરી શકાય છે.
5,00,000ના રોકાણ પર નફાનું સંપૂર્ણ ગણિત
હાલમાં આ બોન્ડ્સ પર વાર્ષિક 8.05%ના દરે વ્યાજ મળી રહ્યું છે. આ હિસાબે જો તમે તેમાં 5,00,000નું રોકાણ કરો છો, તો તમારી કમાણીનું ગણિત નીચે મુજબ રહેશે:
દર 6 મહિને ખાતામાં પૈસા: આ બોન્ડ પર દર 6 મહિને વ્યાજ ચૂકવવામાં આવતું હોવાથી, દર છ મહિને તમારા બેંક ખાતામાં સીધા જ 20,125 જમા થઈ જશે.
7 વર્ષમાં કુલ વ્યાજ: જો આગામી સમયમાં પણ વ્યાજ દર આ જ સ્તરે જળવાઈ રહે છે, તો 7 વર્ષના લોક-ઇન સમયગાળા દરમિયાન તમને કુલ વ્યાજ પેટે અંદાજે 2,81,750 નો ચોખ્ખો નફો મળશે.
મેચ્યોરિટી પર કુલ રકમ: 7 વર્ષ પૂરા થતાં વ્યાજની કમાણી ઉપરાંત તમારી મૂળ રકમ 5,00,000 સંપૂર્ણ સુરક્ષિત રીતે તમને પરત મળી જશે.
(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે. બજારમાં રોકાણ જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે પૈસા રોકતા પહેલા હંમેશા તમારા ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ અવશ્ય લો.)