Demat અને Mutual Fund રોકાણકારોને મોટી રાહત! SEBI એ બદલ્યા KYCના 8 નિયમો, હવે ખાતું ખોલાવતી વખતે નહીં આપવા પડે વારંવાર ડોક્યુમેન્ટ્સ
SEBI KYC New Rules: જો તમે શેરબજારમાં રોકાણ કરો છો અને એકથી વધુ ડીમેટ કે મ્યુચ્યુઅલ ફંડ ખાતા ધરાવો છો, તો SEBI એ KYC ના 8 નિયમો બદલ્યા છે. 24 ડિસેમ્બરથી લાગુ થનારા આ નિયમો વિશે જાણો સંપૂર્ણ વિગત.
SEBIના આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય રોકાણકારોની કાગળિયાની ઝંઝટ ઓછી કરવાનો અને તેમના KYC રેકોર્ડને અલગ-અલગ નાણાકીય સંસ્થાઓ વચ્ચે સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે.
SEBI KYC New Rules: શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા કરોડો રોકાણકારો માટે એક ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે. જો તમારી પાસે એકથી વધુ ડીમેટ ખાતા (Demat Accounts) છે અથવા તમે અલગ-અલગ કંપનીઓમાં રોકાણ કરવા માટે નવા ખાતા ખોલાવવા માંગો છો, તો હવે તમારે વારંવાર એકના એક ડોક્યુમેન્ટ્સ આપવાની અને મોબાઈલ નંબર વેરિફાઈ કરાવવાની જરૂર પડશે નહીં. માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એ રોકાણકારો માટે KYC પ્રક્રિયાને એકદમ સરળ બનાવવા 8 મોટા ફેરફારો કર્યા છે.
SEBIના આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય રોકાણકારોની કાગળિયાની ઝંઝટ ઓછી કરવાનો અને તેમના KYC રેકોર્ડને અલગ-અલગ નાણાકીય સંસ્થાઓ વચ્ચે સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. સેબીએ 25 નવેમ્બરના રોજ બહાર પાડેલા સર્ક્યુલરમાં આ ફેરફારોની જાહેરાત કરી છે અને આ નવા નિયમો આગામી 24 ડિસેમ્બરથી લાગુ થશે. ચાલો જાણીએ આ 8 મોટા ફેરફારોની સંપૂર્ણ વિગતો:
1. દર વખતે એકસરખા દસ્તાવેજો આપવાની ઝંઝટ ખતમ
અત્યાર સુધી અલગ-અલગ બ્રોકર કે મ્યુચ્યુઅલ ફંડ હાઉસ પાસે ખાતું ખોલાવતી વખતે રોકાણકારોએ ઘણી બધી વિગતો ફરીથી આપવી પડતી હતી. હવે નવા નિયમ મુજબ, ખાતું ખોલાવવાની પ્રારંભિક પ્રક્રિયા પૂરી થયાના 3 કામકાજના દિવસોની અંદર સંબંધિત સંસ્થાએ રોકાણકારની જરૂરી KYC વિગતો અને એકાઉન્ટ ઓપનિંગ ફોર્મનો પહેલો ભાગ KYC રજિસ્ટ્રેશન એજન્સી (KRA) પાસે જમા કરાવવો પડશે. તેમાં રોકાણકારની આવક, વ્યવસાય, રાજકીય રીતે પ્રભાવશાળી વ્યક્તિ (PEP) હોવાની માહિતી અને FATCA/CRS ને લગતી વિગતો સામેલ હશે. આ ઉપરાંત CKYC ઓળખ નંબર, ઉપલબ્ધ હોય તો DIGIPIN અને ઓળખપત્રની વેલિડિટી પૂરી થવાની તારીખ પણ નોંધવી પડશે.
2. KYCની વિગતો આપમેળે થશે અપડેટ
નવા નિયમો હેઠળ જ્યારે કોઈ રોકાણકાર કોઈ નવી સંસ્થા પાસે ખાતું ખોલાવશે, ત્યારે તે સંસ્થા KRA અને સેન્ટ્રલ KYC રેકોર્ડ રજિસ્ટ્રી (CKYCR) માંથી મળેલી સૌથી લેટેસ્ટ માહિતીના આધારે તેનો રેકોર્ડ અપડેટ કરી લેશે. તેનાથી રોકાણકારોએ દર વખતે જૂના ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા નહીં પડે. જોકે, જરૂરી ચકાસણી માટે સંસ્થાઓ કેટલીક વધારાની માહિતી માંગી શકે છે. સાથે જ રોકાણકારોને પોતાના KYC રેકોર્ડમાં થયેલા ફેરફારોની પુષ્ટિ (Confirm) કરવાનો વિકલ્પ પણ મળશે.
3. વારંવાર મોબાઈલ નંબરના વેરિફિકેશનમાંથી મુક્તિ
જો રોકાણકારનો મોબાઈલ નંબર પહેલાથી જ KRA ના રેકોર્ડમાં વેરિફાઈડ છે અને આધાર કાર્ડ સાથે લિંક થયેલો નોંધાયેલો છે, તો નવી સંસ્થાએ ખાતું ખોલતી વખતે ફરીથી મોબાઈલ નંબરનું વેરિફિકેશન કરાવવું જરૂરી રહેશે નહીં. આવા કિસ્સામાં ફરીથી મોબાઈલ વેરિફિકેશન કરવું સંપૂર્ણપણે વૈકલ્પિક રહેશે.
4. ખાતું બંધ થતાં જ KYC ડેટા શેર કરવાનું થશે બંધ
અન્ય ખાતાઓ માટે: જો કોઈ રોકાણકાર પોતાનું ખાતું બંધ કરી દે છે, તો મ્યુચ્યુઅલ ફંડ સિવાયની સંસ્થાઓએ ખાતું બંધ થયાના 5 કામકાજના દિવસોમાં KRA ને તેની જાણ કરવી પડશે. ત્યારબાદ KRA એ 2 કામકાજના દિવસોમાં સંબંધિત રેકોર્ડ અપડેટ કે અલગ કરવો પડશે.
મ્યુચ્યુઅલ ફંડ માટે: જો કોઈ રોકાણકારના કોઈપણ ફોલિયોમાં 6 મહિના સુધી કોઈ ટ્રાન્ઝેક્શન કે રોકાણ ન થાય અને તમામ ફોલિયોમાં બેલેન્સ શૂન્ય (0) હોય, તો ફંડ હાઉસ અથવા રજિસ્ટ્રારે તેની જાણ KRA ને કરવી પડશે. ત્યારબાદ KRA તે મ્યુચ્યુઅલ ફંડ સાથે રોકાણકારની KYC માહિતી શેર કરવાનું બંધ કરી દેશે.
5. ખાતું ન ખુલે તો KYC રેકોર્ડ પણ હટાવી દેવાશે
ઘણીવાર રોકાણકારો કોઈ બ્રોકર કે સંસ્થા પાસે ખાતું ખોલાવવાની પ્રક્રિયા શરૂ કરે છે પરંતુ પાછળથી ખાતું ખોલાવતા નથી. નવા નિયમ અનુસાર, જો કોઈ સંસ્થા KRA પાસેથી રોકાણકારની KYC માહિતી લીધા પછી 21 કામકાજના દિવસોમાં તેનું ખાતું ખોલતી નથી, તો તેણે આગામી 5 કામકાજના દિવસોમાં KRA ને જાણ કરવી પડશે. માહિતી મળ્યાના 2 કામકાજના દિવસોમાં KRA તે સંસ્થા પાસેથી રોકાણકારનો KYC રેકોર્ડ હટાવી દેશે.
6. નામ બદલવા પર દસ્તાવેજ જમા કરાવવા બનશે એકદમ સરળ
લગ્ન કે અન્ય કોઈ કારણોસર નામ બદલનારા રોકાણકારોને પણ SEBI એ મોટી રાહત આપી છે. જો તેમનું નવું નામ PAN અને આધાર કાર્ડ બંનેમાં પહેલાથી જ નોંધાયેલું છે, તો તેમણે નામ બદલવાનો કોઈ અલગ પુરાવો આપવો પડશે નહીં. અને જો બંને ડોક્યુમેન્ટ્સમાં નવું નામ અપડેટ નથી, તો રોકાણકાર લગ્નનું પ્રમાણપત્ર, પતિનું નામ લખેલો પાસપોર્ટ અથવા ગેઝેટ નોટિફિકેશન જેવા નિર્ધારિત દસ્તાવેજો આપીને કામ ચલાવી શકશે.
7. બીજી સંસ્થાઓમાં KYC નો સરળ ઉપયોગ
જે KYC રેકોર્ડમાં તમામ જરૂરી માહિતીનું વેરિફિકેશન સત્તાવાર ડેટાબેઝથી થઈ ચૂક્યું હશે, તેને 'વેલિડેટેડ' (Validated) શ્રેણીમાં રાખવામાં આવશે. આ માટે હાલના અથવા કાયમી સરનામામાંથી ઓછામાં ઓછા એકનું વેરિફિકેશન અને PAN-આધાર લિંક હોવું ફરજિયાત છે. આવા રેકોર્ડ બીજી રજિસ્ટર્ડ સંસ્થાઓ સાથે પણ વાપરી શકાશે. KRA દરેક માહિતીના વેરિફિકેશનની સ્થિતિ પણ શેર કરશે, જેથી સંસ્થા સમજી શકે કે રોકાણકાર પાસેથી હજુ કયા દસ્તાવેજની જરૂર બાકી છે.
8. વિદેશી નાગરિકો અને OCI કાર્ડધારકો માટે શું બદલાયું?
ભારતમાં રહેતા કેટલાક વિદેશી નાગરિકો અને OCI કાર્ડધારકો માટે પણ નિયમો હળવા કરાયા છે. જે OCI કાર્ડધારકો અને વિદેશી નાગરિકો આવકવેરા કાયદા, 2025 (Income Tax Act, 2025) હેઠળ ભારતના નિવાસી (Resident) ગણાય છે, તેમણે હવે વિદેશના સરનામાનો પુરાવો આપવો પડશે નહીં. જોકે, તેમણે ભારતમાં પોતાના રહેઠાણના સરનામાનો પ્રમાણિત પુરાવો આપવો ફરજિયાત રહેશે.