UPI MDR Charges: શું દિવાળી બાદ હવે 2,000 થી વધુના UPI પેમેન્ટ પર લાગશે ચાર્જ? જાણો ગૂગલ પે અને ફોનપે યુઝર્સ પર શું થશે અસર
UPI MDR Charges: દિવાળી બાદ હવે 2,000થી વધુના UPI પેમેન્ટ પર 0.4% MDR ચાર્જ લાગુ થવાની તૈયારી છે. શું સામાન્ય ગ્રાહકોએ એક્સ્ટ્રા પૈસા ચૂકવવા પડશે કે માત્ર વેપારીઓએ? જાણો સંપૂર્ણ વિગત.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ અગાઉ આ નવા ચાર્જિસ 15 ઓક્ટોબરથી લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને સરકારે તેને દિવાળી પછી સુધી ટાળી દીધો હતો.
UPI MDR Charges Post Diwali Update: દિવાળીનો તહેવાર પૂર્ણ થઈ ચૂક્યો છે અને આવતીકાલે 11 નવેમ્બરના રોજ ભાઈબીજની સાથે જ તહેવારોની સીઝન પણ પૂરી થઈ રહી છે. ત્યારે હવે દેશભરના વેપારીઓ અને કરોડો સામાન્ય લોકોની નજર એક જ વાત પર ટકેલી છે કે UPI પેમેન્ટ્સ પર 'મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ' એટલે કે MDR ક્યારથી લાગુ થશે? શું હવે ગૂગલ પે (Google Pay), ફોનપે (PhonePe) અને પેટીએમ (Paytm) દ્વારા પેમેન્ટ કરવા પર વધારાનો ચાર્જ કપાશે? ચાલો જાણીએ આ નિયમની તમારા ખિસ્સા પર શું અસર પડશે.
ઉલ્લેખનીય છે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ અગાઉ આ નવા ચાર્જિસ 15 ઓક્ટોબરથી લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને સરકારે તેને દિવાળી પછી સુધી ટાળી દીધો હતો. હવે તહેવારો પૂર્ણ થતાં જ NPCI તરફથી ટૂંક સમયમાં નવી તારીખની જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
MDR લાગુ કરવાની તારીખ કેમ ટાળવામાં આવી હતી?
NPCI એ 13 ઓક્ટોબરના રોજ જારી કરેલા પોતાના સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટતા કરી હતી કે તહેવારો દરમિયાન વેપારીઓ અને ગ્રાહકો પર વધારાનો આર્થિક બોજ ન પડે તે માટે 'UPI એન્ડ સર્વિસિસ સ્ટીયરિંગ કમિટી' દ્વારા આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. NPCI એ તે સમયે જણાવ્યું હતું કે, "તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને કેટલાક પસંદગીના પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) UPI પેમેન્ટ્સ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) દિવાળી પછી તરત જ લાગુ કરવામાં આવશે, જેની તારીખનું નોટિફિકેશન અલગથી બહાર પાડવામાં આવશે."
MDR લાગુ થશે તો કેટલો ચાર્જ લાગશે?
NPCI દ્વારા 15 સપ્ટેમ્બરના રોજ જારી કરવામાં આવેલા FAQs (પ્રશ્નોત્તરી) મુજબ, નવા ચાર્જના નિયમો નીચે પ્રમાણે રહેશે:
2,000થી વધુના પેમેન્ટ પર 0.4% ચાર્જ: 2,000 થી વધુ મૂલ્યના માન્ય પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) એટલે કે દુકાનદારો કે વેપારીઓને કરવામાં આવતા UPI પેમેન્ટ્સ પર 0.4% MDR લાગશે.
મહત્તમ 300ની મર્યાદા: મોટી રકમના ડિજિટલ પેમેન્ટ્સ પર રાહત આપતા ચાર્જની મહત્તમ મર્યાદા (Capping) 300 નક્કી કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વેપારી 1 લાખનું UPI પેમેન્ટ રિસીવ કરે છે, તો 0.4%ના હિસાબે 400 ચાર્જ બને છે, પરંતુ કેપિંગના નિયમને કારણે વેપારીએ મહત્તમ 300 જ ચાર્જ ચૂકવવો પડશે.
ખાસ સેક્ટર્સ માટે રાહત દર: રેલવે, ટેલિકોમ, વીમા અને ફ્યુઅલ પેટ્રોલ-ડીઝલ જેવા મર્ચન્ટ સેગમેન્ટ માટે 2,000 થી ઉપરના પેમેન્ટ્સ પર 0.4% ને બદલે પ્રતિ ટ્રાન્ઝેક્શન માત્ર 5 નો ફ્લેટ કન્સેશનલ MDR લાગશે.
કેપિટલ માર્કેટ માટે 0.02% ચાર્જ: મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર અને સ્ટોક બ્રોકર્સને કરવામાં આવતા પેમેન્ટ્સ પર 0.02% (મહત્તમ 300) નો MDR લાગુ થશે.
શું સામાન્ય ગ્રાહકોએ પોતાના ખિસ્સામાંથી વધારાના પૈસા આપવા પડશે?
ના! સામાન્ય UPI યુઝર્સ માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે આ ચાર્જ 'મર્ચન્ટ-સાઈડ ટ્રાન્ઝેક્શન ફી' છે. તેનો અર્થ એ થાય છે કે MDR ની ચુકવણી માત્ર પેમેન્ટ મેળવનાર વેપારી કે દુકાનદારે કરવાની રહેશે, પેમેન્ટ કરનાર ગ્રાહકે પોતાના ખિસ્સામાંથી કોઈ વધારાનો ચાર્જ આપવાનો રહેશે નહીં.
શું એક વ્યક્તિથી બીજી વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરવા ફ્રી રહેશે?
હા, તે સંપૂર્ણપણે મફત રહેશે! સૂચિત MDR ના નિયમો પર્સન-ટુ-પર્સન (P2P) UPI ટ્રાન્સફર પર લાગુ થશે નહીં. એટલે કે મિત્રો અને પરિવારના સભ્યોને પૈસા મોકલવા, બિલ સ્પ્લિટ કરવું અથવા પોતાના જ એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનું પહેલાની જેમ જ સંપૂર્ણપણે ફ્રી રહેશે.
ક્યારે થશે સત્તાવાર તારીખની જાહેરાત?
હાલમાં NPCI તરફથી નવી સંશોધિત તારીખની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. અગાઉ NPCI એ દિવાળી બાદ તરત જ આ નિયમ લાગુ કરવાની વાત કહી હતી, તેથી પૂરી આશા છે કે આ મહિનામાં જ NPCI નોટિફિકેશન બહાર પાડીને નવી તારીખનું એલાન કરી દેશે.