Personal Loan EMI: પર્સનલ લોન જલ્દી પૂરી કરવી છે? આ 5 સ્માર્ટ રીતો અપનાવો અને બચાવો 45,000 રૂપિયા સુધીનું વ્યાજ | Moneycontrol Gujarati
Get App

Personal Loan EMI: પર્સનલ લોન જલ્દી પૂરી કરવી છે? આ 5 સ્માર્ટ રીતો અપનાવો અને બચાવો 45,000 રૂપિયા સુધીનું વ્યાજ

શું તમે તમારી પર્સનલ લોન જલ્દી પૂરી કરીને વ્યાજના પૈસા બચાવવા માંગો છો? અહીં જાણો પાર્ટ-પેમેન્ટ અને EMIના 5 એવા સ્માર્ટ રસ્તા જેનાથી તમે હજારો રૂપિયા બચાવી શકશો.

અપડેટેડ 06:01:12 PM Oct 02, 2026 પર
Story continues below Advertisement
લોન જલ્દી પૂરી કરવાનો સૌથી સીધો રસ્તો પાર્ટ-પેમેન્ટ છે. આમાં તમે તમારા નિયમિત EMI સિવાય અમુક મોટી રકમ સીધી લોન એકાઉન્ટમાં જમા કરાવો છો, જેનાથી લોનનું મૂળ મુદ્દલ ઘટી જાય છે.

Personal Loan EMI: પર્સનલ લોન લેતી વખતે EMIની રકમ જોઈને આપણને એવું લાગે છે કે દર મહિને એક નિશ્ચિત રકમ કપાતી રહેશે અને નક્કી કરેલા સમયે લોન પૂરી થઈ જશે. પરંતુ, હકીકતમાં તમે લોનની રકમ કરતા ઘણું વધારે વ્યાજ બેંકને ચૂકવતા હોવ છો. જો તમારે વ્યાજનો આ બોજ ઓછો કરવો હોય અને દેવામાંથી જલ્દી મુક્ત થવું હોય, તો થોડું સ્માર્ટ પ્લાનિંગ ઘણો મોટો ફરક લાવી શકે છે.

સમજો લોનની ગણતરીનું ઉદાહરણ

ધારો કે તમે 5 લાખ રૂપિયાની પર્સનલ લોન 12% ના વાર્ષિક વ્યાજ દરે 5 વર્ષ માટે લીધી છે. આ લોનનો EMI અંદાજે 11,122 રૂપિયા આવશે. જો તમે 60 મહિના સુધી સતત આ EMI ચૂકવો છો, તો તમે બેંકને કુલ 6.67 લાખ રૂપિયા ચૂકવશો. એટલે કે, તમે ખાલી વ્યાજ પેટે જ 1.67 લાખ રૂપિયા આપ્યા છે.

હવે જાણીએ લોન જલ્દી પૂરી કરવાના અને વ્યાજ બચાવવાના 5 સ્માર્ટ રસ્તા

1. પાર્ટ-પેમેન્ટ દ્વારા મુદ્દલ ઘટાડો


લોન જલ્દી પૂરી કરવાનો સૌથી સીધો રસ્તો પાર્ટ-પેમેન્ટ છે. આમાં તમે તમારા નિયમિત EMI સિવાય અમુક મોટી રકમ સીધી લોન એકાઉન્ટમાં જમા કરાવો છો, જેનાથી લોનનું મૂળ મુદ્દલ ઘટી જાય છે. મુદ્દલ જેટલું ઓછું થશે, આવનારા મહિનાઓમાં વ્યાજ પણ એટલું જ ઓછું લાગશે.

ઉદાહરણ તરીકે: જો 12 EMI ભર્યા પછી તમે 1 લાખ રૂપિયાનું પાર્ટ-પેમેન્ટ કરો છો, તો તમારી બાકી રહેલી 4.22 લાખ રૂપિયાની લોન ઘટીને સીધી 3.22 લાખ રૂપિયા થઈ જશે.

2. પાર્ટ-પેમેન્ટ પછી પણ EMI સમાન રાખો

લોકો મોટાભાગે પાર્ટ-પેમેન્ટ કર્યા પછી EMI ની રકમ ઘટાડી દે છે. પરંતુ જો લોન જલ્દી પૂરી કરવી હોય તો બેંકને કહીને તમારો EMI 11,122 રૂપિયા જ ચાલુ રાખો. આમ કરવાથી લોનનો સમયગાળો ઘટી જશે. ઉપરના ઉદાહરણ મુજબ, જો તમે EMI સરખો રાખશો તો બાકીની લોન 35 મહિનામાં જ પૂરી થઈ જશે. એટલે કે 5 વર્ષની લોન 47 મહિનામાં ખતમ થઈ જશે અને તમે સીધા 45,000 રૂપિયાનું વ્યાજ બચાવી શકશો.

3. બોનસ અને ઇન્સેન્ટિવનો ઉપયોગ કરો

નોકરીમાં મળતું દિવાળી બોનસ, ઇન્સેન્ટિવ કે ક્યાંકથી આવેલી એકસામટી રકમને બિનજરૂરી ખર્ચ કરવાને બદલે તેનો અમુક હિસ્સો લોનમાં જમા કરી દો. ધારો કે તમને 50,000 રૂપિયાનું બોનસ મળે છે, તો તે રકમથી સીધું પાર્ટ-પેમેન્ટ કરી દો. લોનની શરૂઆતમાં જ આવું કરવાથી પાછળથી વ્યાજમાં મોટો ફાયદો મળે છે.

4. વર્ષમાં એકવાર વધારાની રકમ જમા કરો

દરેક વ્યક્તિ પાસે એકસાથે 1 લાખ રૂપિયા જેવી મોટી રકમ નથી હોતી. આવા સંજોગોમાં તમે તમારી ક્ષમતા મુજબ વર્ષમાં એકવાર વધારાની રકમ લોનમાં જમા કરી શકો છો. જો તમે દર વર્ષે એક વધારાના EMI જેટલી રકમ (જેમ કે 11,122 રૂપિયા) પણ જમા કરશો, તો પણ તમારી લોન નિર્ધારિત સમય કરતા વહેલી પૂરી થશે.

5. ફોરક્લોઝર કે પ્રી-પેમેન્ટ ચાર્જ ચોક્કસ તપાસો

લોન જલ્દી પૂરી કરવાનો અર્થ એ નથી કે તમે આડેધડ પૈસા ભરીને લોન બંધ કરાવી દો. દરેક બેંકના નિયમો અલગ હોય છે. કેટલીક બેંકો સમય કરતા પહેલા લોન પૂરી કરવા પર દંડ વસૂલતી હોય છે. ધારો કે, તમે વહેલી લોન ભરીને 40,000 રૂપિયાનું વ્યાજ બચાવી રહ્યા છો, પરંતુ બેંક તમારી પાસેથી 15,000 નો ચાર્જ વસૂલી રહી છે, તો તમારે ગણતરી કરવી જોઈએ કે ફાયદો છે કે નુકસાન. વધુમાં, લોન ભરવાની ઉતાવળમાં એ વાતનું પણ ધ્યાન રાખો કે તમારી પાસે ઇમરજન્સી ફંડ તરીકે પૂરતા પૈસા બચ્યા હોય.

આ પણ વાંચો-Banks Best FD Schemes: કઈ બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ પર મળે છે સૌથી વધુ વ્યાજ? જાણો લેટેસ્ટ રેટ્સ

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 02, 2026 6:01 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.