તમારી હોમ અને કાર લોન થશે મોંઘી, RBI અપેક્ષા કરતા વધુ વધારી શકે છે રેપો રેટ | Moneycontrol Gujarati
Get App

તમારી હોમ અને કાર લોન થશે મોંઘી, RBI અપેક્ષા કરતા વધુ વધારી શકે છે રેપો રેટ

જો તમે હોમ કે કાર લોન લીધી છે અથવા લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. RBI ગવર્નર 7 ઓક્ટોબરે રેપો રેટમાં મોટા વધારાની જાહેરાત કરી શકે છે.

અપડેટેડ 03:02:17 PM Sep 29, 2026 પર
Story continues below Advertisement
આ આક્રમક વલણ પાછળનું મુખ્ય કારણ ફૂડ અને એનર્જીની કિંમતોમાં આવેલો જંગી ઉછાળો છે. આગામી 6 મહિનામાં મોંઘવારી વધુ વકરે તેવી શક્યતા છે.

RBI MPC: જો તમારા માથે હોમ લોન કે કાર લોન ચાલી રહી છે, તો તમારા ખિસ્સા પર બોજ વધવાની પૂરી શક્યતા છે. ભારતીય રિઝર્વ બેંક લોકોની અપેક્ષા કરતા વધારે ઇન્ટરેસ્ટ રેટ વધારી શકે છે. મોંઘવારીને કાબૂમાં લેવા માટે કેન્દ્રીય બેંક આકરા પગલાં લેવાના મૂડમાં છે.

7 ઓક્ટોબરે થશે મોનેટરી પોલિસીની જાહેરાત

RBI ની મોનેટરી પોલિસી કમિટીની મહત્વપૂર્ણ મીટિંગ આગામી 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. ત્રણ દિવસ ચાલનારી આ બેઠકના પરિણામો 7 ઓક્ટોબરે સામે આવશે. RBI ગવર્નર સંજય મલ્હોત્રા 7 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે નવી મોનેટરી પોલિસીની સત્તાવાર જાહેરાત કરશે, જેમાં વ્યાજ દરો વધારવાનો મોટો નિર્ણય લેવાઈ શકે છે.

રેપો રેટ 5.75 ટકા સુધી પહોંચવાનું અનુમાન

વિદેશી બ્રોકરેજ ફર્મ નોમુરાના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, RBI ઇન્ટરેસ્ટ રેટને લઈને અત્યંત આક્રમક વલણ અપનાવી શકે છે.નોમુરાનું માનવું છે કે આ વર્ષના ડિસેમ્બર સુધીમાં વ્યાજ દરોમાં કુલ 50 બેસિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે.ઓક્ટોબરની પોલિસીમાં રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ અને ત્યારબાદ ડિસેમ્બરમાં વધુ 25 બેસિસ પોઈન્ટ વધી શકે છે.આ વધારા સાથે દેશનો રેપો રેટ 5.75 ટકા પર પહોંચી જશે. એટલું જ નહીં, બજારના અન્ય નિષ્ણાતોના મતે આવતા વર્ષ સુધીમાં ઇન્ટરેસ્ટ રેટમાં લગભગ 125 બેસિસ પોઈન્ટ્સ સુધીનો તોતિંગ વધારો જોવા મળી શકે છે.


વ્યાજ દરો શા માટે વધી રહ્યા છે?

આ આક્રમક વલણ પાછળનું મુખ્ય કારણ ફૂડ અને એનર્જીની કિંમતોમાં આવેલો જંગી ઉછાળો છે. આગામી 6 મહિનામાં મોંઘવારી વધુ વકરે તેવી શક્યતા છે. નોમુરાએ સ્પષ્ટ કર્યું છે કે RBIનો આ રેપો રેટ વધારવાનો નિર્ણય માત્ર ને માત્ર વધતી મોંઘવારીને બ્રેક મારવા માટે છે. બ્રોકરેજ ફર્મના અંદાજ મુજબ, નાણાકીય વર્ષ FY27 માં સરેરાશ CPI ઇન્ફ્લેશન 5.2 ટકા રહી શકે છે, જે FY28 માં ઘટીને RBIના ટાર્ગેટ મુજબ 4 ટકા પર આવી જશે.

અમેરિકા-ઈરાન યુદ્ધ અને ક્રૂડ ઓઈલની અસર

મોંઘવારી વધવા પાછળ વૈશ્વિક પરિબળો પણ મોટા પાયે જવાબદાર છે. 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ભડકે બળ્યા છે. જૂન મહિનામાં ભાવમાં થોડી રાહત જોવા મળી હતી, પરંતુ હવે ફરીથી કિંમતો આસમાને પહોંચી છે.

આ પણ વાંચો-ચિપ્સ-બિસ્કિટ કે કોલ્ડ ડ્રિંક્સ ખાતા-પીતા પહેલા સાવધાન! પેકેટ પર લાગશે 'લાલ લેબલ', FSSAIનો નવો નિયમ જાણો

અમેરિકા-ઈરાન તણાવ પહેલા બ્રેન્ટ ક્રૂડનો ભાવ લગભગ 71 ડોલર પ્રતિ બેરલ હતો, જે હાલમાં ઉછળીને 106 ડોલર પ્રતિ બેરલની પાર પહોંચી ગયો છે. ક્રૂડ ઓઈલના આ સીધા ઉછાળાની અસર ભારતના રિટેલ ઇન્ફ્લેશન પર પડી છે, જે છેલ્લા 3 થી 4 મહિનાથી સતત વધી રહ્યું છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 29, 2026 3:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.