ચિપ્સ-બિસ્કિટ કે કોલ્ડ ડ્રિંક્સ ખાતા-પીતા પહેલા સાવધાન! પેકેટ પર લાગશે 'લાલ લેબલ', FSSAIનો નવો નિયમ જાણો
ચિપ્સ, બિસ્કિટ કે કોલ્ડ ડ્રિંક્સ પર હવે FSSAI કેનેડા મોડેલ મુજબ 'લાલ ષટ્કોણીય લેબલ' લગાવશે. વધુ ખાંડ, મીઠું કે ફેટવાળા પેકેટ દૂરથી જ ઓળખાશે. જાણો આ નવો નિયમ.
પેકેટની આગળ જ લાલ રંગનું આ નિશાન હોવાથી ગ્રાહકોને દૂરથી જ ખબર પડી જશે કે આ પ્રોડક્ટ તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
FSSAI new rules : શું તમને પણ પેકેટવાળા ચિપ્સ, બિસ્કિટ કે કોલ્ડ ડ્રિંક્સ બહુ ભાવે છે? જો હા, તો હવે બજારમાંથી આ વસ્તુઓ ખરીદતા પહેલા તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. ભારતીયોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક મોટો અને કડક નિર્ણય લેવા જઈ રહી છે. નવા પ્રસ્તાવ મુજબ, હવે બજારમાં મળતા અનહેલ્ધી પેકેજ્ડ ફૂડ પર સ્પષ્ટ દેખાય તેવું લાલ રંગનું ચેતવણી લેબલ લગાવવું ફરજિયાત બનાવવામાં આવશે.
કેનેડાના મોડેલ પરથી લેવાયો આઈડિયા
દુનિયાના અનેક વિકસિત દેશો, ખાસ કરીને કેનેડામાં જંક ફૂડના નુકસાન અંગે ગ્રાહકોને જાગૃત કરવા માટે એક ખાસ લેબલિંગ સિસ્ટમ છે. લેટેસ્ટ માહિતી અનુસાર, આ જ કેનેડિયન મોડેલને હવે ભારતમાં લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ નવા નિયમ મુજબ, જો કોઈ પણ પેકેટબંધ ખાદ્ય પદાર્થમાં નક્કી કરેલા ધોરણ કરતા વધુ ખાંડ, મીઠું કે ફેટ હશે, તો તેના પેકેટના આગળના ભાગ પર જ લાલ રંગનું ષટ્કોણીય લેબલ લગાવવું પડશે.
પેકેટ પર સ્પષ્ટ લખાશે આ ચેતવણી
જો કોઈ બિસ્કિટ કે ડ્રિંકમાં ખાંડ વધુ હશે, તો તેના પર મોટેથી 'High in Sugar' લખાશે. જો ચિપ્સ કે નમકીનમાં મીઠું અથવા ફેટ વધુ હશે, તો 'High in Salt/Saturated Fat' એવું સ્પષ્ટ છાપેલું હશે. પેકેટની આગળ જ લાલ રંગનું આ નિશાન હોવાથી ગ્રાહકોને દૂરથી જ ખબર પડી જશે કે આ પ્રોડક્ટ તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
શા માટે લેવાયો આ મોટો નિર્ણય?
આજકાલ મોટાભાગના લોકો પેકેટની પાછળ ઝીણા અક્ષરે લખેલું ન્યૂટ્રિશન ટેબલ વાંચતા નથી. જેના કારણે નાની ઉંમરે જ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી રહ્યું છે. પેકેટની આગળ જ મોટું લાલ નિશાન હોવાથી હવે બાળકો અને વાલીઓ પણ સહેલાઈથી સમજી શકશે કે કયો ખોરાક પૌષ્ટિક છે અને કયો બિનપૌષ્ટિક.
ફૂડ કંપનીઓ અને ગ્રાહકો પર શું અસર થશે?
આ નિયમ લાગુ થવાથી ફૂડ કંપનીઓ પર મોટું દબાણ આવશે. પેકેટ પર 'લાલ લેબલ' લાગી જશે તો વેચાણ ઘટશે તેવા ડરથી, કંપનીઓ સ્વયંભૂ પોતાની પ્રોડક્ટ્સમાં ખાંડ, મીઠું અને ફેટનું પ્રમાણ ઘટાડવા મજબૂર થશે. બીજી તરફ, ગ્રાહકો રોજિંદા આહારમાં જંક ફૂડ અને પ્રિઝર્વેટિવ્સવાળા ખોરાકથી બચી શકશે. ખાસ કરીને ડાયાબિટીસ અને બીપીના દર્દીઓ માટે પોતાના સ્વાસ્થ્યને અનુકૂળ વસ્તુ પસંદ કરવી એકદમ સરળ બની જશે.