Gujarat Election 2027: ગુજરાતના રાજકારણમાંથી અત્યારના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કદાવર નેતા શંકરસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસનો હાથ પકડવા જઈ રહ્યા છે. 9 વર્ષના લાંબા બ્રેક પછી તેમની કોંગ્રેસમાં ઘરવાપસી લગભગ ફાઈનલ થઈ ગઈ છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ખુદ આ વાત પર મહોર મારીને રાજકીય માહોલ ગરમાવી દીધો છે.
હાઈકમાન્ડ સાથેની ચર્ચા અંતિમ તબક્કામાં
શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ પ્રવેશ અંગે ચાલી રહેલી અટકળોનો અંત લાવતા અમિત ચાવડાએ મીડિયાને જણાવ્યું હતું કે, વાઘેલા અને તેમના સાથી નેતાઓને પાર્ટીમાં ફરીથી આવકારવા માટે દિલ્હી હાઈકમાન્ડ સાથે સક્રિય ચર્ચા ચાલી રહી છે. આ વાતચીત હવે અંતિમ તબક્કામાં છે. દિલ્હીથી લીલીઝંડી મળતાની સાથે જ શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં જોડાવા અંગેનો સત્તાવાર અને આખરી નિર્ણય જાહેર કરવામાં આવશે.
2027ની ચૂંટણી માટે કોંગ્રેસનો માસ્ટર પ્લાન
2017માં કોંગ્રેસ સાથે છોડ્યો હતો છેડો
અત્રે નોંધનીય છે કે, વર્ષ 2017માં યોજાયેલી રાજ્યસભાની રસાકસીભરી ચૂંટણી પહેલાં શંકરસિંહ વાઘેલાએ પોતાના સમર્થક ધારાસભ્યો સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમના આ પગલાંથી તે સમયે કોંગ્રેસમાં મોટો ભૂકંપ આવ્યો હતો અને પાર્ટીના બે ભાગ થઈ ગયા હતા. હવે, પૂરા 9 વર્ષ બાદ ફરી એકવાર ‘બાપુ'ની કોંગ્રેસમાં એન્ટ્રી થવા જઈ રહી છે. આગામી દિવસોમાં ગુજરાતના રાજકીય સમીકરણો ઝડપથી બદલાતા જોવા મળશે અને અનેક મોટા ચહેરાઓ કોંગ્રેસના મંચ પર એકસાથે જોવા મળી શકે છે.