બજેટના દિવસે શેરબજારમાં ટ્રેડિંગ કરતા પહેલા સાવધાન! 'સેટલમેન્ટ હોલિડે'નો આ નિયમ નહીં જાણો તો અટવાઈ જશે રૂપિયા
Union Budget 2026: 1 ફેબ્રુઆરીએ બજેટના દિવસે શેરબજાર તો ખુલ્લું રહેશે, પણ 'સેટલમેન્ટ હોલિડે'ના કારણે તમારા પૈસા અને શેરની લેવડ-દેવડ અટકી શકે છે. બજેટ ડે પર ટ્રેડિંગ કરતા પહેલા આ નિયમ જરૂરથી જાણી લો.
Union Budget 2026: 1 ફેબ્રુઆરીએ બજેટના દિવસે શેરબજાર તો ખુલ્લું રહેશે, પણ 'સેટલમેન્ટ હોલિડે'ના કારણે તમારા પૈસા અને શેરની લેવડ-દેવડ અટકી શકે છે.
Union Budget 2026: જો તમે પણ કેન્દ્રીય બજેટના દિવસે શેરબજારમાં કમાણી કરવાની તૈયારી કરી રહ્યા હોવ, તો થોભો! આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. બજેટના દિવસે શેરબજાર ભલે ખુલ્લું રહેવાનું હોય, પરંતુ એક ખાસ ટેકનિકલ નિયમ તમારી શોર્ટ-ટર્મ ટ્રેડિંગની ગણતરી બગાડી શકે છે. આ નિયમ છે 'સેટલમેન્ટ હોલિડે'નો. જો તમે આ બાબતને અવગણશો તો શેર ખરીદ્યા પછી તેને વેચવામાં અથવા પૈસા ખાતામાં જમા થવામાં મુશ્કેલી પડી શકે છે.
બજેટ ડે અને સેટલમેન્ટનો પેંચ
બજેટના દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીએ માર્કેટમાં સ્પેશિયલ ટ્રેડિંગ સેશન ચાલુ રહેશે, પરંતુ સેટલમેન્ટ પ્રક્રિયા બંધ રહેશે. સરળ ભાષામાં સમજીએ તો, જો તમે આજે એટલે કે 30 જાન્યુઆરીએ કોઈ શેર ખરીદ્યા છે, તો તે શેર 1 ફેબ્રુઆરીએ વેચવા માટે ઉપલબ્ધ તો થશે, પરંતુ તેના પૈસા તે દિવસે તમારા ખાતામાં નહીં આવે.
તેવી જ રીતે, જો તમે બજેટના દિવસે 1 ફેબ્રુઆરીએ કોઈ નવા શેર ખરીદો છો, તો તેને તમે બીજા દિવસે એટલે કે 2 ફેબ્રુઆરીએ માત્ર વેચી શકશો, પરંતુ તેનો હિસાબ સેટલમેન્ટ ત્યારપછીના કામકાજના દિવસે થશે. ટૂંકમાં, શેરબજાર ચાલુ હોવા છતાં બેન્કિંગ કામકાજ બંધ હોવાથી પૈસાની લેવડ-દેવડ તરત નહીં થાય.
સેટલમેન્ટ હોલિડે એટલે શું?
ઘણા નવા રોકાણકારોને સવાલ થાય છે કે આખરે આ 'સેટલમેન્ટ હોલિડે' શું છે? જ્યારે શેરબજારમાં ટ્રેડિંગ રાબેતા મુજબ ચાલુ હોય, પરંતુ શેર અને પૈસાની અદલા-બદલી સેટલમેન્ટ શક્ય ન બને, તે દિવસને સેટલમેન્ટ હોલિડે કહેવાય છે.
આવું એટલા માટે થાય છે કારણ કે તે દિવસે ક્લિયરિંગ કોર્પોરેશન, બેંકો અને NSDL કે CDSL જેવી ડિપોઝિટરી સંસ્થાઓ બંધ હોય છે. એટલે કે, તમે NSE અને BSE પર સોદા તો પાડી શકો છો, પણ શેર તમારા ડીમેટ એકાઉન્ટમાં જમા થવા કે પૈસા ખાતામાં આવવાની પ્રોસેસ તે દિવસે થતી નથી. તે પછીના વર્કિંગ ડે પર થાય છે.
1 ફેબ્રુઆરીએ માર્કેટનો સમય શું રહેશે?
NSEએ બહાર પાડેલા એક સર્ક્યુલર મુજબ, 1 ફેબ્રુઆરી 2026ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થશે ત્યારે શેરબજાર ખુલ્લું રહેશે. આ દિવસે ટ્રેડિંગનો સમય સામાન્ય દિવસોની જેમ જ સવારે 9:15થી બપોરે 3:30 વાગ્યા સુધીનો રહેશે. એટલે રોકાણકારો આખો દિવસ માર્કેટમાં એક્ટિવ રહી શકશે.
બજેટ પાસેથી શું છે આશાઓ?
બજેટને લઈને મોટા બ્રોકરેજ હાઉસ પણ પોતાના અનુમાન લગાવી રહ્યા છે. બ્રોકરેજ ફર્મ્સનું માનવું છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય ખાધને કાબૂમાં રાખવા પર ભાર મુકશે. આ સિવાય સરકાર ડિફેન્સ સેક્ટરમાં ખર્ચ વધારી શકે છે અને વપરાશ વધારવા માટે પણ કેટલાક પગલાં લઈ શકે છે.
વિદેશી બ્રોકરેજ હાઉસ Jefferiesના રિપોર્ટ મુજબ:
* સરકાર FY27 માટે ફિસ્કલ ડેફિસિટને GDP ના 4.2% સુધી સીમિત રાખવાનો લક્ષ્યાંક રાખી શકે છે.
* આ FY27 થી FY31 વચ્ચે દર વર્ષે લગભગ 15–20 બેસિસ પોઈન્ટનો ઘટાડો સૂચવે છે.
* જો સરકાર ઈચ્છે તો ગ્રોથને સપોર્ટ કરવા માટે ડેફિસિટને 4.4% પર પણ રાખી શકે છે, જે શેરબજાર માટે પોઝિટિવ ગણાશે, જોકે તેનાથી બોન્ડ યીલ્ડ વધી શકે છે.
* આ ઉપરાંત, ભારતનું દેવું અને જીડીપીનો રેશિયો (Debt-to-GDP ratio) FY31 સુધીમાં લગભગ 5% ઘટવાનો અંદાજ છે. ટેક્સની વાત કરીએ તો, FY27 માં ટેક્સ રેવન્યુ ગ્રોથ 8%ની આસપાસ રહી શકે છે. સતત આ ત્રીજું વર્ષ હશે જ્યારે ટેક્સ ગ્રોથ 10% થી નીચે રહેવાની શક્યતા છે.
જો તમે બજેટના દિવસે ટ્રેડિંગ કરવાનો પ્લાન બનાવી રહ્યા હોવ, તો સેટલમેન્ટના આ નિયમને ખાસ ધ્યાનમાં રાખજો. ખાસ કરીને જે લોકો ઇન્ટ્રા-ડે અથવા શોર્ટ-ટર્મ ટ્રેડિંગ કરે છે, તેમણે પોતાના ફંડ્સનું મેનેજમેન્ટ પહેલાથી કરી લેવું હિતાવહ છે.