Budget 2026: 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટ 2026માં ઈન્શ્યોરન્સ સેક્ટરને મોટી રાહત મળવાની આશા છે.
Budget 2026: દેશભરની નજર હવે આગામી બજેટ પર ટકેલી છે. આવનારી 1 ફેબ્રુઆરીએ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ 2026 રજૂ કરવા જઈ રહ્યા છે. મોંઘવારીના આ સમયમાં સામાન્ય જનતાથી લઈને ઉદ્યોગ જગત સુધી દરેકને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ખાસ કરીને ઈન્શ્યોરન્સ સેક્ટર આ વખતે બજેટ પર મીટ માંડીને બેઠું છે.
દવાખાનાનો ખર્ચ, વધતી જતી મેડિકલ સારવાર અને મોંઘા થતા વીમા પ્રીમિયમને ધ્યાનમાં રાખીને, આ સેક્ટરને સરકાર તરફથી મોટી રાહત મળવાની આશા છે. ચાલો જાણીએ કે બજેટ 2026માં ઈન્શ્યોરન્સ સેક્ટર અને સામાન્ય માણસ માટે શું ખાસ જાહેરાતો થઈ શકે છે.
1. સેક્શન 80D ની ટેક્સ લિમિટમાં વધારો
આજના સમયમાં હોસ્પિટલ અને દવાઓના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે, ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 80D હેઠળ હેલ્થ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર મળતી 25,000 રૂપિયાની ટેક્સ છૂટની મર્યાદા છેલ્લા ઘણા વર્ષોથી એકસમાન જ છે. મોંઘવારીને જોતા આ રકમ હવે લોકોને પૂરતી રાહત આપતી નથી.
આથી, બજેટ 2026માં એવી પ્રબળ શક્યતા છે કે સરકાર આ મર્યાદા વધારી શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે નાણામંત્રી આ લિમિટને 25,000 રૂપિયાથી વધારીને સીધી 50,000 રૂપિયા કરી શકે છે, જેથી મધ્યમ વર્ગને ટેક્સમાં મોટી રાહત મળી શકે.
2. ટર્મ ઈન્શ્યોરન્સ પર વિશેષ ફોકસ
ભારતમાં હજુ પણ એક મોટો વર્ગ એવો છે જેની પાસે પૂરતું લાઈફ ઈન્શ્યોરન્સ કવર નથી. એક રિપોર્ટ મુજબ, દેશમાં અંદાજે 17 ટ્રિલિયન ડોલરનો 'મોર્ટલિટી પ્રોટેક્શન ગેપ' છે. સરળ ભાષામાં કહીએ તો, લોકોને જેટલા વીમા કવચની જરૂર છે, તેની સામે લગભગ 83% જરૂરિયાતો હજુ સુધી પૂરી થઈ શકી નથી.
આ ગેપને પૂરવા માટે સરકાર ટર્મ ઈન્શ્યોરન્સને પ્રોત્સાહન આપે તેવી શક્યતા છે. આ માટે હેલ્થ ઈન્શ્યોરન્સની જેમ ટર્મ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર પણ અલગથી ટેક્સ છૂટ અથવા વિશેષ લાભો જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
3. GST માં રાહત અને સસ્તું પ્રીમિયમ
વીમા કંપનીઓ લાંબા સમયથી GST સંબંધિત સુધારાની માંગ કરી રહી છે. ઈન્શ્યોરન્સ સેક્ટર ઈચ્છે છે કે તેમને માત્ર GST માંથી મુક્તિ જ નહીં, પરંતુ પૂરા સેક્ટરને 'ઝીરો-રેટેડ' (Zero-rated) દરજ્જો આપવામાં આવે.
જો ઈન્શ્યોરન્સને ઝીરો-રેટેડ કરવામાં આવે, તો વીમા કંપનીઓ તેમના રોજના ખર્ચ પર ચૂકવેલા ટેક્સની 'ઈનપુટ ટેક્સ ક્રેડિટ' મેળવી શકશે. જેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે. કારણ કે કંપનીઓ પર ટેક્સનો બોજ ઘટશે તો તેઓ ગ્રાહકો પાસેથી ઓછું પ્રીમિયમ વસૂલશે. આ પગલાંથી સામાન્ય માણસ માટે વીમો ખરીદવો વધુ સસ્તો બની શકે છે.
હવે જોવું રહ્યું કે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રીના પટારામાંથી ઈન્શ્યોરન્સ સેક્ટર અને સામાન્ય જનતા માટે શું નીકળે છે.