કેન્દ્રીય ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે સરકાર BSNL ને મજબૂત કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે.
Budget 2026: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના સતત નવમા બજેટમાં ડિજિટલ કનેક્ટિવિટી પર મોટો ભાર મૂક્યો છે. આ વખતે બજેટમાં સરકારી ટેલિકોમ કંપની BSNL માટે જાણે કુબેરનો ભંડાર ખોલી દીધો હોય તેવી સ્થિતિ છે. સરકારે BSNL ને ફરી બેઠી કરવા અને ખાનગી કંપનીઓ સામે ટક્કર આપવા માટે હજારો કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. સાથે જ સમગ્ર ટેલિકોમ સેક્ટર માટે પણ મોટી જાહેરાતો કરવામાં આવી છે.
ટેલિકોમ સેક્ટરના બજેટમાં 40% નો વધારો
સરકારે ટેલિકોમ સેક્ટર માટે બજેટમાં જંગી વધારો કર્યો છે. નાણામંત્રીએ જાહેરાત કરી કે ટેલિકોમ સેક્ટરનું બજેટ જે પહેલા 53,000 કરોડ રૂપિયા હતું, તે વધારીને હવે 73,990 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. એટલે કે સીધો 40% નો વધારો થયો છે. આ ઉપરાંત ગામડાઓને ઇન્ટરનેટથી જોડતા 'ભારત નેટ પ્રોજેક્ટ' (BharatNet Project) માટે પણ બજેટ વધારવામાં આવ્યું છે.
BSNL માટે 28,473 કરોડનું પેકેજ
નાણામંત્રીએ BSNL ના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે 28,473 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ રકમનો ઉપયોગ નેટવર્ક સુધારવા, સ્પેક્ટ્રમ કોસ્ટ અને અન્ય ટેકનિકલ જરૂરિયાતો પૂરી કરવા માટે થશે.
કેન્દ્રીય ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે સરકાર BSNL ને મજબૂત કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. કંપનીની આવકમાં પણ સુધારો થયો છે. BSNL નો 'એવરેજ રેવન્યુ પર યુઝર' (ARPU) જે પહેલા 90 રૂપિયા હતો, તે વધીને 99 રૂપિયા થયો છે, જે લગભગ 9% નો ગ્રોથ દર્શાવે છે.
સ્વદેશી 4G અને 5G ની તૈયારી
BSNL એ ગયા વર્ષે જ દેશભરમાં 4G સર્વિસ શરૂ કરી છે અને તેના માટે લગભગ 1 લાખ નવા ટાવર ઉભા કર્યા છે. ખાસ વાત એ છે કે BSNL નું આ નેટવર્ક સંપૂર્ણપણે 'સ્વદેશી ટેકનોલોજી' પર આધારિત છે. આ ટાવર્સમાં ભારતીય કંપનીઓએ ડિઝાઈન કરેલા સાધનો જ વપરાયા છે.
હવે કંપનીનું ફોકસ 5G પર છે. નવા લાગેલા ટાવર્સ '5G રેડી' છે, એટલે કે તેમાં સરળતાથી 5G સર્વિસ શરૂ કરી શકાશે. રિપોર્ટ્સ મુજબ, BSNL સૌથી પહેલા દિલ્હી અને મુંબઈમાં પોતાની 5G સેવાઓ શરૂ કરશે, જેના માટે ટ્રાયલ પણ ચાલી રહ્યું છે.