Budget 2026: બાંગ્લાદેશ પર ભારતનું બુલડોઝર! સહાયની રકમ અડધી કરી નાખી, યુનુસ સરકાર મુશ્કેલીમાં
બજેટ 2026 માં ભારતે બાંગ્લાદેશને મોટો ઝટકો આપ્યો છે. યુનુસ સરકારના વલણને કારણે ભારતે સહાયમાં 50% નો કાપ મૂક્યો છે. બીજી તરફ ઈરાનના ચાબહાર પોર્ટનું ફંડિંગ ઝીરો કરી દેવાયું છે. જાણો વિગતવાર.
એક તરફ બાંગ્લાદેશની સહાયમાં કાપ મુકાયો છે, તો બીજી તરફ ભારત સાથે સારા સંબંધો ધરાવતા દેશો માટે તિજોરી ખોલી દેવામાં આવી છે.
Budget 2026: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટ 2026 માં પડોશી દેશો માટેની વિદેશી સહાયમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ બજેટમાં સૌથી મોટો ફટકો બાંગ્લાદેશની મહોમ્મદ યુનુસ સરકારને પડ્યો છે. ભારત સરકારના આ કડક વલણને કારણે બાંગ્લાદેશની કેટલીય વિકાસ યોજનાઓ પર બ્રેક વાગી શકે છે અને ત્યાંની અર્થવ્યવસ્થા મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
બાંગ્લાદેશને મળ્યો 440 વોલ્ટનો ઝટકો
ભારત સરકારે બાંગ્લાદેશને અપાતી આર્થિક મદદમાં સીધો 50 ટકાનો કાપ મૂકી દીધો છે.
પહેલા: ગયા વર્ષે બાંગ્લાદેશ માટે 120 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.
હવે: બજેટ 2026 માં આ રકમ ઘટાડીને માત્ર 60 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે.
આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ અને લઘુમતીઓ પર થઈ રહેલા હુમલા અને યુનુસ સરકારના વલણને કારણે ભારતે આ કડક સંદેશ આપ્યો છે. રિપોર્ટ મુજબ, તણાવને કારણે ગયા વર્ષે ફાળવેલા 120 કરોડમાંથી માત્ર 34.48 કરોડ રૂપિયા જ વપરાયા હતા.
સારા પડોશીઓ પર ભારત મહેરબાન
એક તરફ બાંગ્લાદેશની સહાયમાં કાપ મુકાયો છે, તો બીજી તરફ ભારત સાથે સારા સંબંધો ધરાવતા દેશો માટે તિજોરી ખોલી દેવામાં આવી છે.
ભૂતાન: ભારત તરફથી સૌથી વધુ મદદ મેળવનાર દેશ ભૂતાન છે. તેને 2,289 કરોડ રૂપિયા (6% નો વધારો) ફાળવવામાં આવ્યા છે.
નેપાળ: નેપાળની સહાયમાં 14% નો વધારો કરીને 800 કરોડ રૂપિયા કરવામાં આવી છે.
શ્રીલંકા: શ્રીલંકા માટેની મદદમાં પણ વધારો કરીને 400 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
માલદીવ્સ: માલદીવ્સની ગ્રાન્ટમાં લગભગ 8% નો ઘટાડો થયો છે અને તેને 550 કરોડ રૂપિયા મળશે.
ચાબહાર પોર્ટ માટે ફંડિંગ 'ઝીરો'
આ બજેટમાં બીજો એક ચોંકાવનારો નિર્ણય ઈરાનના ચાબહાર પોર્ટ (Chabahar Port) ને લઈને લેવાયો છે. પાકિસ્તાનને બાયપાસ કરવા માટે મહત્વના ગણાતા આ પોર્ટ પ્રોજેક્ટ માટે બજેટમાં શૂન્ય ફાળવણી કરવામાં આવી છે.
ગયા વર્ષે આ માટે 400 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. માનવામાં આવે છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે વેપાર કરતા દેશો પર પ્રતિબંધો અને ટેરિફના ડરને કારણે ભારતે આ પ્રોજેક્ટનું ફંડિંગ અટકાવી દીધું છે.
અન્ય દેશોની સ્થિતિ
અફઘાનિસ્તાન: માનવીય સહાય તરીકે 150 કરોડ રૂપિયા યથાવત રાખવામાં આવ્યા છે.
મ્યાનમાર: ત્યાંની અસ્થિરતાને કારણે સહાય ઘટાડીને 300 કરોડ રૂપિયા કરી દેવાઈ છે.
આમ, બજેટ 2026 દ્વારા ભારતે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે જે દેશો ભારત સાથે સારા સંબંધો રાખશે, તેમને જ વિકાસમાં ભારતનો સાથ મળશે.઼