Budget 2026: બજેટમાં નવી નોકરીઓ અને એક્સપોર્ટ પર સરકાર ફોકસ કરે, ઉદ્યોગ જગતની મોટી માંગ | Moneycontrol Gujarati
Get App

Budget 2026: બજેટમાં નવી નોકરીઓ અને એક્સપોર્ટ પર સરકાર ફોકસ કરે, ઉદ્યોગ જગતની મોટી માંગ

Budget 2026: આગામી બજેટમાં સરકાર રોજગારી અને નિકાસ વધારવા પર સૌથી વધુ ધ્યાન આપે તેવી ઉદ્યોગ જગતની માંગ છે. ફિક્કીના તાજા સર્વેમાં જાણો ઇન્ડસ્ટ્રીની અપેક્ષાઓ અને ખાસ માંગણીઓ વિશે વિગતે.

અપડેટેડ 05:09:47 PM Jan 23, 2026 પર
Story continues below Advertisement
Budget 2026: આગામી બજેટમાં સરકાર રોજગારી અને નિકાસ વધારવા પર સૌથી વધુ ધ્યાન આપે તેવી ઉદ્યોગ જગતની માંગ છે.

Union Budget 2026-27: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ દેશનું સામાન્ય બજેટ 2026-27 રજૂ કરવા જઈ રહ્યા છે. આ બજેટ પહેલાં દેશના ઉદ્યોગ જગતે સરકાર પાસે પોતાની અપેક્ષાઓ રજૂ કરી છે. ફિક્કી (FICCI) દ્વારા કરવામાં આવેલા તાજેતરના સર્વે મુજબ, ઉદ્યોગ જગત ઈચ્છે છે કે સરકાર આ બજેટમાં સૌથી વધુ પ્રાથમિકતા રોજગારી વધારવા અને નિકાસને પ્રોત્સાહન આપવા પર આપે. વૈશ્વિક વેપારમાં ચાલી રહેલી અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીનું માનવું છે કે સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ, ડિફેન્સ અને MSME સેક્ટર પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.

વિકાસ દર અંગે ઉદ્યોગ જગત આશાવાદી

ફિક્કીના આ સર્વેમાં લગભગ 100 જેટલી મોટી કંપનીઓ અને ઉદ્યોગપતિઓના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. આ સર્વે ડિસેમ્બર 2025 અને જાન્યુઆરી 2026 દરમિયાન કરવામાં આવ્યો હતો. સર્વેના પરિણામો ખૂબ જ હકારાત્મક છે. લગભગ 80 ટકા ઉદ્યોગપતિઓ ભારતની વિકાસ યાત્રા અંગે આશાવાદી છે. સર્વેમાં ભાગ લેનારા અડધાથી વધુ લોકોનું માનવું છે કે નાણાકીય વર્ષ 2026-27 માં ભારતનો જીડીપી ગ્રોથ (વિકાસ દર) 7 થી 8 ટકાની વચ્ચે રહી શકે છે.

નિકાસ માટે મજબૂત સપોર્ટની જરૂર

ઉદ્યોગ જગતે સ્પષ્ટ કહ્યું છે કે અત્યારે દુનિયાભરમાં વેપારને લઈને ઘણા પડકારો છે. ટેરિફ અને નોન-ટેરિફ અડચણો જેવી કે CBAM અને પર્યાવરણને લગતા કડક નિયમોના કારણે નિકાસ પર અસર પડી શકે છે. તેથી, બજેટમાં એક્સપોર્ટને મજબૂત ટેકો આપવો જરૂરી છે.


ઉદ્યોગોએ ભલામણ કરી છે કે વેપાર કરવાની પ્રક્રિયા સરળ બનાવવી જોઈએ. કસ્ટમ ક્લિયરન્સની પ્રક્રિયા ઝડપી અને સાદી હોવી જોઈએ. લોજિસ્ટિક્સ અને પોર્ટ (બંદર) પર આવતી મુશ્કેલીઓ દૂર કરવી જોઈએ. નિકાસકારોને મળતા રિફંડ અને પ્રોત્સાહનોની વ્યવસ્થા મજબૂત કરવી જોઈએ.

CBAM શું છે?

અત્રે ઉલ્લેખનીય છે કે, CBAM (કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ) યુરોપિયન યુનિયનનો એક નવો નિયમ છે. આ અંતર્ગત સ્ટીલ, સિમેન્ટ અને એલ્યુમિનિયમ જેવી વસ્તુઓ બનાવવામાં જો વધુ કાર્બન ઉત્સર્જન થતું હોય તો તેના પર ખાસ ટેક્સ કે કિંમત ચૂકવવી પડે છે. આનાથી ભારતીય નિકાસકારો પર બોજ વધી શકે છે.

બજેટમાં ઉદ્યોગોની 3 મુખ્ય માંગણીઓ

સર્વે મુજબ, આગામી બજેટમાં નીચેના ત્રણ મુદ્દાઓ પર સૌથી વધુ ફોકસ હોવું જોઈએ:

* રોજગાર સર્જન: યુવાનો માટે નવી નોકરીઓ ઉભી કરવી.

* ઇન્ફ્રાસ્ટ્રક્ચર: રોડ, રસ્તા અને માળખાગત સુવિધાઓ પર સતત કામ ચાલુ રાખવું.

* નિકાસ: એક્સપોર્ટ વધારવા માટે મજબૂત નીતિઓ બનાવવી.

ઉદ્યોગોએ માંગ કરી છે કે RoDTEP સ્કીમ (નિકાસ કરેલી વસ્તુઓ પર ટેક્સ છૂટ) નું બજેટ વધારવું જોઈએ, જેથી ભારતીય સામાન વિદેશમાં સ્પર્ધા કરી શકે. આ ઉપરાંત SEZ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન) ની નીતિઓમાં સુધારો અને કસ્ટમ ડ્યુટીને તર્કબદ્ધ કરવાની પણ માંગ છે.

ડિફેન્સ અને ડ્રોન સેક્ટર માટે ખાસ ભલામણ

સંરક્ષણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ઉદ્યોગ જગતે ચોક્કસ માંગણીઓ મૂકી છે. ડિફેન્સ બજેટમાં કેપિટલ એલોકેશન (મૂડી રોકાણ) વધારીને 30 ટકા કરવું જોઈએ. ડ્રોન ઉદ્યોગ માટે PLI સ્કીમ પેટે 1,000 કરોડ રૂપિયા ફાળવવાની માંગ. ડ્રોન ટેકનોલોજીના રિસર્ચ માટે અલગથી 1,000 કરોડ રૂપિયાનું ફંડ બનાવવું જોઈએ. આ ઉપરાંત, નાણાકીય શિસ્ત જાળવવા પર પણ ભાર મુકવામાં આવ્યો છે. લગભગ 42 ટકા લોકો માને છે કે સરકાર નાણાકીય વર્ષ 2025-26 માં 4.4 ટકા રાજકોષીય ખાધ (Fiscal Deficit) નો લક્ષ્યાંક હાંસલ કરી શકશે. હવે જોવું રહ્યું કે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં નાણામંત્રી આ માંગણીઓ પર કેટલું ધ્યાન આપે છે.

આ પણ વાંચો- એરપોર્ટ પર પહોંચતા જ ભારતીયોના પગ કામ કરતા થઈ જાય છે બંધ? દર 8માંથી 1 મુસાફર માંગે છે વ્હીલચેર! જાણો અસલી કારણ

MoneyControl News

MoneyControl News

First Published: Jan 23, 2026 5:04 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.