Budget 2026: હવે જેલ જવું નહીં પડે! ટેક્સના કડક નિયમો બદલાયા, માત્ર દંડ ભરીને પતી જશે મામલો
બજેટ 2026 માં કરદાતાઓ માટે મોટા રાહતના સમાચાર છે. હવે ટેક્સની નાની ભૂલોમાં જેલ નહીં થાય, માત્ર દંડ ભરવો પડશે. જાણો 1 એપ્રિલ 2026 થી અમલમાં આવતા નવા નિયમો અને NRI માટેની સુવિધા.
સરકારનું ધ્યાન હવે સજા કરવાને બદલે નિયમોના પાલન (Compliance) પર વધારે છે.
Budget 2026: સામાન્ય બજેટ 2026માં ભલે મધ્યમ વર્ગ (Middle Class) ને ઇન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ મોટી છૂટ ન મળી હોય, પરંતુ સરકારે ટેક્સના કાયદાઓમાં એવા ફેરફારો કર્યા છે જે લાખો કરદાતાઓ માટે મોટી રાહત સમાન છે. ખાસ કરીને એવા લોકો જેઓ નિયમોની આંટીઘૂંટી, ટેકનિકલ ભૂલો કે જાણકારીના અભાવે ટેક્સના નિયમોનું પાલન કરવામાં ચૂકી ગયા હોય. હવે આવી ભૂલો માટે જેલ નહીં જવું પડે, પરંતુ દંડ ભરીને મામલો થાળે પાડી શકાશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ટેક્સ કાયદાને વધુ માનવીય, સરળ અને વિવાદ મુક્ત બનાવવા માટે મહત્વના પગલાં લીધા છે.
નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025: શું બદલાશે?
નાણામંત્રીએ સંસદમાં જાહેરાત કરી છે કે નવો 'ઇન્કમ ટેક્સ એક્ટ-2025' આગામી 1 એપ્રિલ 2026 થી અમલમાં આવશે. આ નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ટેક્સ સિસ્ટમને સરળ બનાવવાનો, કોર્ટ કેસ (Litigation) ઘટાડવાનો અને કરદાતાઓને બિનજરૂરી ડરથી મુક્ત કરવાનો છે. સરકારનું ધ્યાન હવે સજા કરવાને બદલે નિયમોના પાલન (Compliance) પર વધારે છે.
NRI માટે પ્રોપર્ટી વેચવી બની સરળ
બજેટમાં બિન-નિવાસી ભારતીયો (NRI) માટે પ્રોપર્ટી વેચવાના નિયમો ખૂબ જ સરળ બનાવી દેવામાં આવ્યા છે.
પહેલા: પ્રોપર્ટી વેચતી વખતે TDS જમા કરાવવા માટે NRI એ 'TAN' નંબર લેવો પડતો હતો, જે લાંબી પ્રક્રિયા હતી.
હવે: હવે આ જવાબદારી પ્રોપર્ટી ખરીદનાર ભારતીય ગ્રાહકની રહેશે. ખરીદનાર પોતાના PAN કાર્ડ દ્વારા જ TDS કાપીને જમા કરાવી શકશે. એટલે કે NRI ને હવે TAN લેવાની ઝંઝટમાંથી મુક્તિ મળી ગઈ છે.
વિદેશી સંપત્તિના ખુલાસામાં જેલ નહીં
જે NRI એ પોતાની વિદેશી આવક જાહેર કરીને ટેક્સ ભરી દીધો હોય, પરંતુ નાની-મોટી સંપત્તિ જાહેર કરવાનું રહી ગયું હોય, તેમને હવે જેલ નહીં થાય.
જો વિદેશમાં રાખેલી ગેર-અચલ સંપત્તિ (Non-immovable property) ની કુલ કિંમત 20 લાખ રૂપિયાથી ઓછી હોય, તો તેના ખુલાસામાં થયેલી ચૂક બદલ હવે કોઈ દંડ કે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે નહીં.
ટેકનિકલ ભૂલો પર સજા માફ
સરકારે ડાયરેક્ટ ટેક્સ વ્યવસ્થામાં દંડ અને સજાના નિયમોને તાર્કિક બનાવ્યા છે.
જો એકાઉન્ટ ઓડિટ ન કરાવ્યું હોય, ટ્રાન્સફર પ્રાઈસિંગ રિપોર્ટ ન આપ્યો હોય કે દસ્તાવેજોમાં કોઈ ટેકનિકલ ભૂલ રહી ગઈ હોય, તો હવે ભારે સજાને બદલે સામાન્ય ફી (શુલ્ક) વસૂલવામાં આવશે.
અપીલ દરમિયાન દંડની રકમ પર વ્યાજ પણ નહીં લાગે. અપીલ કરવા માટે પહેલા જે રકમ જમા કરાવવી પડતી હતી, તે 20% થી ઘટાડીને 10% કરી દેવામાં આવી છે. આમ, બજેટ 2026 કરદાતાઓને જેલના ડરથી મુક્ત કરી એક પારદર્શક અને સરળ ટેક્સ વ્યવસ્થા તરફ લઈ જશે.