Budget 2026: શું તમે પણ ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? બજેટ 2026માં સરકાર એફોર્ડેબલ હાઉસિંગની લિમિટ 45 લાખથી વધારીને 90 લાખ કરી શકે છે.
Budget 2026: મોંઘવારી અને સતત વધતી જતી બાંધકામ કિંમતો (Construction Cost) વચ્ચે, પોતાનું ઘર ખરીદવાનું સપનું જોતા લાખો લોકો માટે એક સારા સમાચાર આવી શકે છે. આગામી Budget 2026માં મધ્યમ વર્ગને મોટી રાહત મળે તેવી પ્રબળ શક્યતાઓ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સરકાર આ વખતે આર્થિક વિકાસની સાથે-સાથે હાઉસિંગ સેક્ટર પર વિશેષ ધ્યાન આપશે. જેમાં સૌથી મહત્વનો ફેરફાર 'એફોર્ડેબલ હાઉસિંગ' (Affordable Housing) એટલે કે 'સસ્તા ઘર'ની વ્યાખ્યામાં થઈ શકે છે.
શું બદલાઈ શકે છે બજેટ 2026માં?
લાંબા સમયથી રિયલ એસ્ટેટ સેક્ટર અને ઘર ખરીદનારાઓ માંગ કરી રહ્યા છે કે સસ્તા ઘરો માટેની કિંમતની મર્યાદા વધારવી જોઈએ. આશા છે કે સરકાર બજેટ 2026 દ્વારા આ માંગ પૂરી કરી શકે છે. જો 'એફોર્ડેબલ હાઉસિંગ'ની કિંમતની મર્યાદા વધશે, તો ખાસ કરીને મેટ્રો શહેરોમાં રહેતા મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું ઘણું સરળ બની જશે.
હાલના નિયમો શા માટે જૂના થઈ ગયા છે?
વર્તમાન નિયમો મુજબ, દેશમાં 45 લાખ રૂપિયા સુધીની કિંમતવાળા ઘર કે ફ્લેટને જ 'એફોર્ડેબલ હાઉસિંગ'ની શ્રેણીમાં ગણવામાં આવે છે. આમાં પણ મેટ્રો સિટીમાં મહત્તમ 60 ચોરસ મીટર અને અન્ય શહેરોમાં 90 ચોરસ મીટર સુધીના મકાનોનો સમાવેશ થાય છે.
નિષ્ણાતોનું કહેવું છે કે સરકારે આ મર્યાદા વર્ષ 2017માં નક્કી કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં જમીનના ભાવ, સિમેન્ટ-સ્ટીલ જેવા મટિરિયલ અને મજૂરી ખર્ચમાં જબરદસ્ત વધારો થયો છે. આજના સમયમાં આ મર્યાદા વ્યવહારિક લાગતી નથી.
70 લાખથી નીચે ઘર મળવું મુશ્કેલ
રિયલ એસ્ટેટના જાણકારોના મતે, આજના સમયમાં મોટા શહેરોમાં 2 બેડરૂમનો સામાન્ય ફ્લેટ લેવો હોય તો પણ તેની કિંમત 70 લાખ રૂપિયાની આસપાસ પહોંચી જાય છે. જુના નિયમને કારણે જે લોકો પહેલીવાર ઘર ખરીદી રહ્યા છે, તેઓ કિંમત વધારે હોવાને કારણે 'એફોર્ડેબલ હાઉસિંગ'ના ફાયદાઓથી વંચિત રહી જાય છે. પરિણામે તેમને મળવાપાત્ર ટેક્સ છૂટ અને સબસિડીનો લાભ મળતો નથી.
નવી લિમિટ 90 લાખ સુધી થવાની શક્યતા
ડેવલપર્સ અને હોમ બાયર્સ સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે એફોર્ડેબલ હાઉસિંગની લિમિટ વધારીને 70થી 90 લાખ રૂપિયા સુધી કરવી જોઈએ.
જો બજેટ 2026 માં આ મોટો નિર્ણય લેવામાં આવે છે, તો તેના ઘણા ફાયદા થશે. મધ્યમ વર્ગના લોકોને ટેક્સ અને સબસિડીનો લાભ મળશે. હાઉસિંગ સેક્ટરને નવી ગતિ મળશે. મકાનોની માંગ વધવાથી બાંધકામ ક્ષેત્રે રોજગારીની તકો ઉભી થશે.
એક્સપર્ટ્સ શું કહે છે?
આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે જો સરકાર આ નવી લિમિટ નક્કી કરે છે, તો તેનો સીધો ફાયદો 'First Time Home Buyers' (પ્રથમ વખત ઘર ખરીદનારા)ને થશે. સરકારી યોજનાઓના દાયરામાં આવવાથી તેમની હોમ લોનની EMIનો બોજ ઘટશે અને ઘરનું સપનું હકીકતમાં બદલાઈ શકશે.
હવે સૌની નજર બજેટ 2026 પર ટકેલી છે, જે નક્કી કરશે કે આગામી દિવસોમાં સામાન્ય માણસ માટે ઘર ખરીદવું કેટલું સરળ બનશે.