બજેટ 2026: ક્રિપ્ટો કરન્સી પર ટેક્સ 30%થી ઘટીને 20% થશે? PF અને પગાર વધારાને લઈને પણ લોકોએ કરી મોટી માંગ
Budget 2026: બજેટ 2026 પહેલા લોકોએ ક્રિપ્ટો ટેક્સ 20% કરવા અને PF પરના ટેક્સને હટાવવા માટે મોદી સરકાર પાસે માંગ કરી છે. શું ક્રિપ્ટો રોકાણકારો અને નોકરિયાતોને મળશે રાહત? જાણો વિગતે આ અહેવાલમાં.
Budget 2026: બજેટ 2026 પહેલા લોકોએ ક્રિપ્ટો ટેક્સ 20% કરવા અને PF પરના ટેક્સને હટાવવા માટે મોદી સરકાર પાસે માંગ કરી છે.
Budget 2026: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ થનારા આગામી બજેટ 2026 પર આખા દેશની નજર છે. બજેટની તૈયારીઓના ભાગરૂપે નાણા મંત્રાલયે રાજ્યો, અલગ-અલગ ક્ષેત્રના નિષ્ણાતો અને સામાન્ય જનતા પાસેથી સૂચનો મંગાવ્યા હતા. આ વખતે ઓનલાઈન માધ્યમથી મોટી સંખ્યામાં લોકોએ પોતાના વિચારો મોકલ્યા છે. જેમાં સૌથી વધુ ચર્ચા ક્રિપ્ટો કરન્સી અને પ્રોવિડન્ટ ફંડ (PF) ને લઈને થઈ રહી છે.
ચાલો જોઈએ કે લોકો અને નિષ્ણાતોએ સરકાર પાસે કઈ મુખ્ય માંગણીઓ કરી છે.
ક્રિપ્ટો કરન્સી પર ટેક્સ ઘટાડવાની માંગ
હાલમાં ભારત સરકાર ક્રિપ્ટો કરન્સી પર કડક વલણ અપનાવી રહી છે, પરંતુ રોકાણકારો અને ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતો ઈચ્છે છે કે સરકાર તેમાં થોડી રાહત આપે.
ટેક્સ 20% કરવાની ભલામણ: ઘણા લોકોએ સૂચન કર્યું છે કે ક્રિપ્ટો પર લાગતો ટેક્સ ઘટાડીને સીધો 20% કરી દેવો જોઈએ. અત્યારે ક્રિપ્ટોમાંથી થતી કમાણી પર 30% ટેક્સ અને 1% TDS લાગે છે. નાના રોકાણકારો અને સ્ટાર્ટઅપ્સ માટે આ નિયમ મોટો અવરોધ બની રહ્યો છે. શેરબજારની જેમ ક્રિપ્ટોમાં પણ જો નુકસાન થાય, તો તેને નફા સાથે સરભર કરવાની મંજૂરી આપવી જોઈએ તેવી માંગ પણ ઉઠી છે. લોકોનું માનવું છે કે ક્રિપ્ટો અને બ્લોકચેન સેક્ટર માટે એક સ્પષ્ટ અને વ્યાવહારિક નીતિ હોવી જોઈએ. જો ટેક્સના નિયમો તર્કસંગત હશે તો ભારતમાં ડિજિટલ ઈકોનોમી અને રોજગારી બંને વધશે.
કડક નિયમો અને સુરક્ષાની જરૂર
માત્ર ટેક્સ ઘટાડવાની જ નહીં, પરંતુ ક્રિપ્ટો માર્કેટને સુરક્ષિત બનાવવાની પણ માંગ કરવામાં આવી છે. ક્રિપ્ટો કરન્સી માટે એક અલગ રેગ્યુલેટરી ઓથોરિટી (Regulatory Authority) બનાવવી જોઈએ જે તેની દેખરેખ રાખે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે તમામ ક્રિપ્ટો પ્લેટફોર્મ પર KYC અને એન્ટી મની લોન્ડરિંગ (AML) ના નિયમો ફરજિયાત કરવા જોઈએ. ક્રિપ્ટોની કાનૂની સ્થિતિ શું છે, તેનો ઉપયોગ ક્યાં થઈ શકે અને તેની મર્યાદાઓ શું છે, તે માટે સ્પષ્ટ કાયદો હોવો જોઈએ.
PF ખાતાધારકો માટે ટેક્સ ફ્રી યોગદાનની માંગ
નોકરિયાત વર્ગ માટે સૌથી મહત્વનો મુદ્દો પ્રોવિડન્ટ ફંડ (PF) નો છે. હાલના નિયમ મુજબ, જો કોઈ કર્મચારીના PF ખાતામાં વાર્ષિક 2.5 લાખ રૂપિયાથી વધુ રકમ જમા થાય, તો તેના પર મળતું વ્યાજ ટેક્સેબલ ગણાય છે. લોકોએ www.mygov.in વેબસાઈટ પર જઈને સરકારને વિનંતી કરી છે કે PF યોગદાન પરના આ ટેક્સના નિયમને હટાવી લેવામાં આવે. આ નિયમ ખાસ કરીને એવા કર્મચારીઓને નુકસાન કરે છે જેઓ ભવિષ્યની બચત માટે ફરજિયાત મોટું યોગદાન આપે છે.
ન્યૂનતમ પગાર વધારવાની માંગ
આ સિવાય, કર્મચારીઓના પગાર ધોરણને લઈને પણ મહત્વના સૂચનો આવ્યા છે. છેલ્લા લગભગ 11 વર્ષોથી ન્યૂનતમ વેતનમાં કોઈ મોટો વધારો થયો નથી. પગાર ઓછો હોવાને કારણે EPFOમાં જમા થતી રકમ પણ ઓછી રહે છે. પરિણામે, પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા લોકો લાંબી નોકરી કરે તો પણ નિવૃત્તિ સમયે તેમને પેન્શન ખૂબ ઓછું મળે છે. તેથી, ન્યૂનતમ પગાર મર્યાદા વધારવી જોઈએ તેવી પ્રબળ માંગ છે. હવે જોવું રહ્યું કે બજેટ 2026 માં નાણામંત્રી આ માંગણીઓ પર કેટલું ધ્યાન આપે છે અને સામાન્ય માણસને કેટલી રાહત મળે છે.