બિઝનેસ, બંદરગાહ અને બિરયાની... ઈરાનમાં ટ્રમ્પની એન્ટ્રીથી ટેન્શન વધ્યું, ભારતીય ચોખાના વેપારીઓને 1500 કરોડનો ફટકો!
Iran US Tension: ઈરાનમાં સરકાર વિરોધી આંદોલન અને ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે ભારતીય બાસમતી ચોખાના નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા છે. બંદરગાહો પર 1500 કરોડનો માલ અટવાયો છે અને પેમેન્ટ ફસાતા વેપારીઓની ચિંતા વધી છે. વાંચો અહેવાલ.
Iran US Tension: ઈરાનમાં સરકાર વિરોધી આંદોલન અને ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે ભારતીય બાસમતી ચોખાના નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા છે.
Basmati Rice Export: ઈરાનમાં છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા સરકાર વિરોધી આંદોલનો અને અમેરિકાના વધતા દખલે ભારતના ચોખા બજારને હચમચાવી દીધું છે. જેની સીધી અસર ભારતીય નિકાસકારો (Exporters) પર જોવા મળી રહી છે. ઈરાન એક સમયે ભારતીય બાસમતી ચોખાનો સૌથી મોટો ખરીદદાર હતો, પરંતુ હવે તે ત્રીજા નંબરે સરકી ગયો છે. હાલની સ્થિતિને જોતા નિષ્ણાતો માને છે કે જો સંજોગો ન સુધર્યા તો ભારતથી થતી નિકાસ હજુ પણ ઘટી શકે છે.
1500 કરોડનો માલ અટવાયો, પેમેન્ટની ચિંતા
ઈરાનમાં અસ્થિરતાના કારણે ઘણા ભારતીય ચોખાના નિકાસકારોના પૈસા ફસાઈ ગયા છે, જેના કારણે તેમની ઊંઘ હરામ થઈ ગઈ છે. ઈન્ડિયન રાઈસ એક્સપોર્ટર ફેડરેશનના જણાવ્યા મુજબ, અંદાજે 1500 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો બાસમતી ચોખાનો જથ્થો હાલ બંદરગાહો પર અટવાયેલો પડ્યો છે. આ ગંભીર સ્થિતિને જોતા ફેડરેશને ઈરાનમાં ચોખા મોકલતા વેપારીઓ માટે ખાસ 'પેમેન્ટ એડવાઈઝરી' પણ જારી કરી છે.
ટ્રમ્પની એન્ટ્રી અને કરન્સીનું સંકટ
મુશ્કેલી માત્ર આંદોલન પૂરતી સીમિત નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે વેપાર કરતા દેશો પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાતે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. બીજી તરફ, ઈરાનની કરન્સી રિયાલનું મૂલ્ય અમેરિકન ડોલરની સામે રેકોર્ડ સ્તરે ગગડી ગયું છે. કરન્સી તૂટવાને કારણે ઈરાનના આયાતકારો ભારતીય વેપારીઓને પેમેન્ટ કરી શકતા નથી. જેના કારણે ઘણા સોદા રદ થવાનો પણ ડર છે.
ખેડૂતો પર થશે સીધી અસર
જો ઈરાનમાં બાસમતી ચોખાની સપ્લાય લાંબા સમય સુધી અટકેલી રહેશે તો તેની સૌથી માઠી અસર પંજાબ અને હરિયાણાના રાઈસ મિલર્સ પર પડશે. મિલર્સ પાસે સ્ટોક વધી જશે તો બજારમાં ચોખાના ભાવ ગગડી જવાની પૂરી શક્યતા છે, જેનો સીધો માર છેવટે તો ખેડૂતોએ જ સહન કરવો પડશે.
નિકાસના આંકડા શું કહે છે?
ડાયરેક્ટરેટ જનરલ ઓફ કોમર્શિયલ ઈન્ટેલિજન્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ (DGCIS) ના ડેટા મુજબ ભારતે વર્ષ 2024-25 દરમિયાન ઈરાનને 8,897 કરોડ રૂપિયાના કૃષિ ઉત્પાદનો એક્સપોર્ટ કર્યા હતા, જેમાં માત્ર બાસમતી ચોખાનો હિસ્સો 6,374 કરોડ રૂપિયા હતો. વર્ષ 2018-19માં ઈરાન ભારતીય બાસમતીનો સૌથી મોટો ખરીદદાર હતો અને કુલ નિકાસમાં તેનો હિસ્સો 33.03 ટકા હતો. જોકે, વર્ષ 2024-25માં આયાત ઘટીને માત્ર 8,55,133 મેટ્રિક ટન રહી ગઈ છે. હાલ એપ્રિલથી નવેમ્બર 2025-26 દરમિયાન 5.99 લાખ મેટ્રિક ટન નિકાસ થઈ છે, પરંતુ ડિસેમ્બર 2025 થી માર્ચ 2026 સુધીના સમયગાળામાં ભારે ઘટાડો થવાનો અંદાજ છે.
ચા અને અન્ય નિકાસકારો પણ ટેન્શનમાં
ઈરાન માત્ર ચોખા જ નહીં પણ ચા (Tea) નું પણ મોટું માર્કેટ છે. વર્ષ 2024-25માં ઈરાને ભારતથી લગભગ 11 હજાર ટન ચાની આયાત કરી હતી. આ સિવાય કોફી, મસાલા, તાજા ફળો અને ડેરી પ્રોડક્ટ્સના વેપારીઓ પણ ઈરાનની વર્તમાન રાજકીય અસ્થિરતાને કારણે ચિંતામાં મુકાયા છે. દરેક વેપારી અત્યારે ઈરાનમાં સ્થિતિ થાળે પડે તેની પ્રાર્થના કરી રહ્યો છે.