ભારતીય મુસાફરો માટે ખુશખબર: હવે જર્મની થઈને UK જવું થશે સરળ, ટ્રાન્ઝિટ વિઝાની ઝંઝટ ખતમ!
Germany Visa Free Transit: ભારતીય પાસપોર્ટ ધારકો માટે જર્મનીએ મોટી રાહત આપી છે. હવે જર્મની થઈને UK કે અન્ય દેશોમાં જતી વખતે ટ્રાન્ઝિટ વિઝાની જરૂર નહીં પડે. જાણો ક્યારથી લાગુ થશે આ નવો નિયમ અને મુસાફરોને શું થશે ફાયદો.
Germany Visa Free Transit: ભારતીય પાસપોર્ટ ધારકો માટે જર્મનીએ મોટી રાહત આપી છે. હવે જર્મની થઈને UK કે અન્ય દેશોમાં જતી વખતે ટ્રાન્ઝિટ વિઝાની જરૂર નહીં પડે.
Germany Visa Free Transit: વિદેશ પ્રવાસ કરતા ભારતીય નાગરિકો માટે એક અત્યંત રાહતભર્યા અને આનંદના સમાચાર આવ્યા છે. જર્મનીએ ભારતીય પાસપોર્ટ ધારકો માટે ટ્રાન્ઝિટ વિઝાના નિયમોમાં મોટી છૂટછાટ આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણય મુજબ, હવે ભારતીય મુસાફરોને જર્મની થઈને કનેક્ટિંગ ફ્લાઈટ પકડવા માટે અલગથી ટ્રાન્ઝિટ વિઝા લેવાની જરૂર નહીં પડે. ખાસ કરીને ભારત અને યુનાઇટેડ કિંગડમ (UK) વચ્ચે મુસાફરી કરતા લોકો માટે આ નિર્ણય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
ક્યાં અને કોણે કરી જાહેરાત?
આ મહત્વપૂર્ણ જાહેરાત જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની ભારત મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી. ગયા સોમવારે ગુજરાતના ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે ઈન્ડિયા-જર્મની CEOs ફોરમ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર હાજર રહ્યા હતા. ચાન્સેલરની ભારત મુલાકાતના 27 મહત્વના પરિણામોમાંથી આ નિર્ણય ભારતીય પ્રવાસીઓ માટે સૌથી વધુ ઉપયોગી છે.
ક્યારથી મળશે લાભ?
જોકે, આ સુવિધા ચોક્કસ કઈ તારીખથી શરૂ થશે, તેની સત્તાવાર જાહેરાતની રાહ એરલાઈન્સ અને ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી જોઈ રહી છે. પરંતુ એકવાર આ નિયમ લાગુ થઈ ગયા બાદ, ભારતીય મુસાફરો લુફ્થાન્સા જેવી એરલાઈન્સ દ્વારા જર્મની થઈને ભારત અને UK વચ્ચે કોઈપણ જાતના શેંગેન ટ્રાન્ઝિટ વિઝા વગર સરળતાથી મુસાફરી કરી શકશે.
બ્રેક્ઝિટ પછીની મુશ્કેલીઓનો અંત
અગાઉ બ્રેક્ઝિટ (Brexit) બાદ, UK અને યુરોપિયન યુનિયન વચ્ચેના ટ્રાવેલ નિયમો બદલાયા હતા. જેના કારણે દિલ્હીથી ફ્રેન્કફર્ટ થઈને લંડન જતા અથવા મુંબઈથી મ્યુનિક થઈને લંડન જતા ભારતીય મુસાફરોએ ફરજિયાતપણે ટ્રાન્ઝિટ વિઝા લેવા પડતા હતા. આ પ્રક્રિયા ખર્ચાળ અને સમય માંગતી હતી. સરકારના નિવેદન મુજબ, જર્મનીનો આ નવો નિર્ણય બ્રેક્ઝિટની આડઅસરને ઓછી કરશે અને પ્રવાસીઓનો સમય અને પૈસા બંને બચાવશે.
'વિઝા-ફ્રી ટ્રાન્ઝિટ' નો અર્થ શું છે?
સરળ ભાષામાં સમજીએ તો, વિઝા-ફ્રી ટ્રાન્ઝિટ એટલે જ્યારે તમે કોઈ દેશમાં પ્રવેશતા નથી પરંતુ માત્ર બીજી ફ્લાઈટ પકડવા માટે ત્યાંના એરપોર્ટ પર ઉતરો છો. આ સુવિધા હેઠળ મુસાફરોએ એરપોર્ટના 'ટ્રાન્ઝિટ એરિયા' માં જ રહેવું પડે છે. તેઓ ઈમિગ્રેશન કાઉન્ટરની બહાર નીકળી શકતા નથી કે શહેરમાં પ્રવેશી શકતા નથી. તેમનો હેતુ માત્ર કનેક્ટિંગ ફ્લાઈટ પકડીને આગળ વધવાનો હોય છે.
એર ઇન્ડિયા અને લુફ્થાન્સાને થશે ફાયદો
આ નિર્ણયથી માત્ર મુસાફરોને જ નહીં પણ એરલાઈન્સને પણ ફાયદો થશે. UK એ લુફ્થાન્સા અને એર ઇન્ડિયા બંને માટે મોટું માર્કેટ છે. નવી વ્યવસ્થા પછી લુફ્થાન્સા તેના જર્મન હબ્સ દ્વારા ભારતથી UK જતા મુસાફરોને વધુ સારી સેવા આપી શકશે. આ ઉપરાંત, એર ઇન્ડિયાને લુફ્થાન્સા સાથે 'કોડ-શેરિંગ' કરવાનો મોકો મળશે, જેથી જર્મની જતી ફ્લાઈટ્સમાં મુસાફરોની સંખ્યા વધવાની શક્યતા છે. આ રૂટ પર હવે કેરેબિયન દેશો જેવી અન્ય વિઝા-ફ્રી જગ્યાઓ પર જવું પણ સરળ બનશે.
ભલે જર્મનીએ આ રાહત આપી હોય, પરંતુ નિષ્ણાતો સલાહ આપે છે કે ટિકિટ બુક કરતી વખતે મુસાફરોએ સાવચેતી રાખવી જોઈએ. ઘણીવાર સસ્તી ટિકિટના ચક્કરમાં મુસાફરો એવા રૂટ પસંદ કરી લે છે જ્યાં ટ્રાન્ઝિટ વિઝા જરૂરી હોય છે. ઉદાહરણ તરીકે, ભારતથી અમેરિકા જતી વખતે કેનેડામાં હોલ્ડ હોય તો કેનેડાનો ટ્રાન્ઝિટ વિઝા જોઈએ છે. તેવી જ રીતે, જો અમેરિકા થઈને બીજે જતા હોવ તો અમેરિકાનો વિઝા હોવો જરૂરી છે. જર્મનીનો આ નિર્ણય એક અપવાદ તરીકે ઉભરી આવ્યો છે, જે ભારતીય મુસાફરોની આંતરરાષ્ટ્રીય યાત્રાને હવે પહેલા કરતા ક્યાંય વધુ સુગમ અને સરળ બનાવશે.