Budget 2026: હોસ્પિટલના બિલ અને મોંઘા ઇન્શ્યોરન્સથી મળશે છુટકારો? જાણો સામાન્ય જનતાને બજેટ પાસેથી શું છે આશા
Budget 2026: શું બજેટ 2026 માં હોસ્પિટલના મોંઘા બિલ અને ઇન્શ્યોરન્સ પ્રીમિયમથી રાહત મળશે? GST અને મેડિકલ મોંઘવારી પર મોટા નિર્ણયો લેવાય તેવી શક્યતા. જાણો વિગતવાર રિપોર્ટ.
હાલમાં દેશનો સામાન્ય માણસ હોસ્પિટલના તોતિંગ બિલ અને હેલ્થ ઇન્શ્યોરન્સના મોંઘા પ્રીમિયમથી ત્રાહિમામ પોકારી ગયો છે. આવી સ્થિતિમાં, હેલ્થકેર સેક્ટર અને સામાન્ય જનતાને આશા છે કે સરકાર બજેટમાં કોઈ મોટી રાહત આપશે.
Budget 2026: કેન્દ્રીય બજેટ 2026 રજૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ વખતે દેશના દરેક વર્ગની નજર આ બજેટ પર છે, પરંતુ સૌથી વધુ ચર્ચા સ્વાસ્થ્ય સેવાઓ અને મોંઘા થતા ઈલાજને લઈને થઈ રહી છે.
હાલમાં દેશનો સામાન્ય માણસ હોસ્પિટલના તોતિંગ બિલ અને હેલ્થ ઇન્શ્યોરન્સના મોંઘા પ્રીમિયમથી ત્રાહિમામ પોકારી ગયો છે. આવી સ્થિતિમાં, હેલ્થકેર સેક્ટર અને સામાન્ય જનતાને આશા છે કે સરકાર બજેટમાં કોઈ મોટી રાહત આપશે. ચાલો જોઈએ કે આ બજેટમાં સ્વાસ્થ્યને લઈને શું જાહેરાતો થઈ શકે છે.
ભારતમાં વધતી મેડિકલ મોંઘવારી
છેલ્લા 5 વર્ષમાં ભારતમાં સારવાર અને સર્જરીનો ખર્ચ ખૂબ જ ઝડપથી વધ્યો છે. ઈલાજ મોંઘો થવાને કારણે હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રીમિયમમાં પણ મોટો વધારો થયો છે. નિષ્ણાતોના મતે, ભારતમાં મેડિકલ ઇન્ફ્લેશન (તબીબી મોંઘવારી) વાર્ષિક 12 થી 15 ટકાના દરે વધી રહી છે, જે એશિયામાં સૌથી વધુ માનવામાં આવે છે. આ કારણે લોકો ઈચ્છી રહ્યા છે કે બજેટમાં આ સમસ્યાને કાબૂમાં લેવા માટે કોઈ ઠોસ પગલાં લેવામાં આવે.
IRDAIના આંકડા જોઈએ તો, વર્ષ 2014-15 માં દેશમાં 28.8 કરોડ લોકો પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ હતો, જે સંખ્યા વર્ષ 2023-24માં વધીને 57.3 કરોડ સુધી પહોંચી ગઈ છે. જોકે, ચિંતાની વાત એ છે કે આટલો વધારો થવા છતાં આજે પણ દેશની માત્ર 40થી 42 ટકા વસ્તી જ ઇન્શ્યોરન્સ કવર ધરાવે છે. હજુ પણ એક બહુ મોટો વર્ગ સ્વાસ્થ્ય સુરક્ષાથી વંચિત છે.
બજેટ 2026 પાસેથી શું છે મુખ્ય અપેક્ષાઓ?
આગામી બજેટમાં સૌથી મોટી અપેક્ષા હોસ્પિટલના રૂમ પર લાગતા GST ને લઈને છે. હાલના નિયમ મુજબ, જો હોસ્પિટલના રૂમનું ભાડું પ્રતિ દિવસ 5,000 રૂપિયાથી વધુ હોય, તો દર્દીએ તેના પર GST ચૂકવવો પડે છે.
પોલિસીબઝારના અમિત છાબડા જણાવે છે કે અત્યારના સમયમાં 5,000 રૂપિયાની લિમિટ બિલકુલ વ્યાજબી નથી. મોટા શહેરોમાં સાધારણ પ્રાઈવેટ રૂમનું ભાડું પણ આનાથી વધારે હોય છે. આવી સ્થિતિમાં, જો સરકાર બજેટ 2026માં હોસ્પિટલના રૂમ પરથી GST હટાવી દે, તો મધ્યમ વર્ગના દર્દીઓને તાત્કાલિક મોટી રાહત મળી શકે છે.
હોસ્પિટલ બિલિંગ પર કંટ્રોલની માંગ
બીજી મહત્વની અપેક્ષા એ છે કે રેગ્યુલેટર IRDAIનો વ્યાપ વધારવામાં આવે. અત્યારે IRDAI માત્ર વીમા કંપનીઓ પર દેખરેખ રાખે છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે IRDAIને હોસ્પિટલના બિલિંગ, સારવારના ખર્ચ અને ક્લેમ સેટલમેન્ટ પર પણ દેખરેખ રાખવાનો અધિકાર મળવો જોઈએ. જો હોસ્પિટલો દ્વારા લેવાતા ચાર્જ પર કોઈ મોનિટરિંગ આવશે, તો સામાન્ય માણસને લૂંટાવું નહીં પડે.
હવે સૌની નજર 1 ફેબ્રુઆરી પર છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ સામાન્ય જનતાની આ તકલીફોને ધ્યાનમાં રાખીને બજેટમાં શું નવા ફેરફારો લાવે છે.